તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 17th May 2025
રામવનના ગેઇટ પાસે બે મિત્રોના ટુવ્હીલર સામ-સામે અથડાયાઃ વિજયનું મોત, સુનિલનો હાથ ભાંગી ગયો
સહજાનંદ સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષનો વિજય સોલંકી રાતે જમીને ફાકી ખાવા નીકળ્યો ત્યારે સામેથી આવી રહેલા મિત્ર સાથે જ અકસ્માત નડયોઃ મૃતક વિજય બે ભાઇથી મોટો અને પરિવારનો આધારસ્તંભ હતો

રાજકોટ તા. ૧૭: વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારે આધારસ્તંભ અને યુવાન દિકરો ગુમાવ્યો છે. આજીડેમ નજીક આવેલા રામવન પાસે રાતે બે મિત્રોના ટુવ્હીલર સામ સામે અથડાતાં બંનેને ઇજાઓ થઇ હતી. જેમાં એક મિત્રનું મોત થઇ ગયું હતું અને બીજાનો હાથ ભાંગી ગયો હતો. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ રામવન પાસે સહજાનંદ પાર્કમાં રહેતો વિજય ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.૨૦) નામનો યુવાન રાતે સાડા અગિયારેક વાગ્યે ઘરેથી જમ્યા બાદ બાઇક લઇને ફાકી ખાવા જવા માટે નીકળ્યો હતો. તે રામવનના ગેઇટ નજીક પહોંચ્યો ત્યાં જ સામેથી એક ટુવ્હીલર આવતાં તેની સાથે અથડાતાં પોતે અને સામેના વાહનનો ચાલક ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થઇ હતી. બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. ત્યારે ખબર પડી હતી કે વિજયના વાહન સાથે જે વાહન અથડાયું તેનો ચાલક વિજયનો જ મિત્ર રામવન પાસે રહેતો સુનિલ મુનાભાઇ ધરજીયા (ઉ.વ.૧૮) હતો. સુનિલનો હાથ ભાંગી ગયો હતો સારવાર બાદ રજા અપાઇ હતી. જ્યારે વિજયને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિજય કારખાનામાં કામ કરતો હતો અને બે ભાઇથી મોટો હતો. તેના સગપણની વાત ચાલતી હતી. યુવાન અને આધારસ્તંભ દિકરાના મોતથી સોલંકી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૫)
(10:57 AM IST)










