તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
લોન કન્સલ્ટન્ટ મિત્રો ભાવેશ અને ધવલ સાથે શેર બજારમાં રોકાણના નામે ૩૧ લાખની ઠગાઇ
૧૫૦ રીંગ રોડ પર આરકે સુપ્રિમમાં ઓફિસ ધરાવતાં બે મિત્રોને છેતરી લેવાયા : સુરતના શખ્સે આ બંને તથા બીજા દસેક લોકો સાથે એકાદ કરોડનું ફુલેકુ ફેરવ્યાની તાલુકા પોલીસમાં લેખિત ફરિયાદ

રાજકોટ તા. ૮: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આરકે સુપ્રિમ ખાતે ઓફિસ ધરાવતાં બે મિત્રો ભાવેશભાઇ ચંદુલાલ સોલંકી અને ધવલભાઇ રમેશભાઇ અમરેલીયાએ તાલુકા પોલીસમાં લેખિત ફરિયાદ અરજી કરી પોતાની સાથે શેર બજારમાં રોકાણ કરવાથી મોટુ વળતર મળશે તેવી લાલચ આપી એકત્રીસ લાખની છેતરપીંડી કરવામાં આવી છે. તેમજ બીજા લોકોના મળી એકાદ કરોડની ઠગાઇ થયાનો આરોપ મુકાયો છે.
ભાવેશભાઇ અને ધવલભાઇએ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરને ઉદ્દેશીને કરેલી લેખિત ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે અમે બંને મિત્રો બેંક લોન કન્સલ્ટીંગનો વ્યવસાય કરીએ છીએ. ધંધાના ભાગ રૂપે અમે સુરતના લોન વ્યવસાયી દિવ્યેશ ત્રાડાના સંપર્કમાં આવ્યા હતાં. તેની ઓફિસ સુરતમાં સરથાણ જકાતનાકા પાસે છે. વર્ષ ૨૦૨૩ના ડિસેમ્બર મહિનામાં અમારી વચ્ચે સંપર્ક થયા બાદ અમને એક લોન કેસ તેણે આપ્યો હતો. તેણે પોતાની ઓળખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપી હતી તેમજ પોતે શેર માર્કેટનો બહુ મોટો પોર્ટફોલીયો મેનેજ કરે છે તેમ કહ્યું હતું. તેમજ અમને પણ કહેલુ કે શેર બજારમાં રોકાણ કરશો તો ખુબ ફાયદો થશે. અમને શેર બજારનું કોઇ જ્ઞાન ન હોઇ અમે ના પાડી હતી. એ પછી માર્ચ-૨૦૨૪માં અમે આરકે સુપ્રિમમાં નવી ઓફિસ ભાડે રાખી હતી. ત્યારે દિવ્યેશભાઇએ સુરતથી વારંવાર રાજકોટ અમારી ઓફિસે આવવાનું ચાલુ કર્યુ હતું.
તેણે પણ અમારી બાજુમાં જ ઓફિસ રાખી હતી. ઓફિસમાં તેમના ભાગીદાર એવા મામાના દિકરા તથા બીજા સગા બેસતા હતાં. એ પછી અમને શેર બજારમાં રોકાણ કરવા લલચાવતાં અમે બંને ભાગીદારે એકત્રીસ લાખ રૂપિયા રોકાણ કરવા આપ્યા હતાં. એ પછી નફો આપવામાં ગલ્લા તલ્લા શરૂ થયા હતાં. એ પછી અમને દિવ્યેશભાઇના જુના ભાગીદાર સંદિપભાઇ કાનાણી તરફથી ખબર પડી હતી કે દિવ્યેશ ત્રાડા ઓફિસ અને ઘર મુકી નીકળી ગયેલ છે અને દસ બાર લોકો સાથે એકાદ કરોડનું ફુલેકુ ફેરવ્યું છે. આ પછી અમને તેણે રોકાણ સામે આપેલા ચેક અમે બેંકમાં નાખતા તે રિટર્ન થયા હતાં. આમ અમારા સહિતના લોકો સાથે ઠગાઇ થઇ હોઇ તપાસ કરી ન્યાય અપાવવા અમારી માંગણી છે. તેમ વધુમાં બંને ભાગીદારોએ જણાવ્યું હતું.
(4:31 PM IST)










