તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
બે મહિના પહેલા સુરતથી સગીરાનું અપહરણ કરનાર ચિરાગ ઉર્ફ ભુરીયો રાજકોટમાં ઝડપાયો
ઘંટેશ્વર ૨૫ વારીયામાં અપહૃત સાથે રહેતો હતોઃ ગાંધીગ્રામના હેડકોન્સ. મશરીભાઇ, મુકેશભાઇ, પ્રદિપભાઇની બાતમી પરથી પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ મકરાણી અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૮: બે મહિના પહેલા સુરતથી એક સગીરાનું અપહરણ કરનારો શખ્સ હાલ રાજકોટમાં રહેતો હોવાની માહિતી પરથી ગાંધીગ્રામ પોલીસે તેને શોધી કાઢી સુરત પોલીસને સોંપ્યો છે. જે તે વખતે જે અપહૃત સગીર વયની હતી એ બાદમાં પુખ્ય થઇ જતાં આ શખ્સે તેની સાથે લગ્ન કરી લીધા હતાં.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ પોલીસની ટીમ ભાગતા ફરતાં હોય તેવા ગુનેગારો, કોર્ટમાંથી સજા પડયા બાદ ફરાર હોય તેવા શખ્સોને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, કોન્સ. મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગરને બાતમી મળી હતી કે સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં બે મહિનાથી ફરાર શખ્સ હાલ રાજકોટ ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં અપહૃત સાથે રહે છે. આ બાતમી પરથી પોલીસ ત્યાં પહોંચતા આ શખ્સ મળી આવ્યો હતો. તેણે પુછતાછમાં પોતાનું નામ ચિરાગ ઉર્ફ ભુરીયો ભરતભાઇ મકવાણા (ઉ.વ.૨૩) અને પોતે સુરત ડભોઇના ભુવનેશ્વરીનગર મકાન નં. ૧૩૫નો મુળ રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
જેનું બે મહિના પહેલા ચિરાગે અપહરણ કર્યુ હતું તે ભોગ બનનાર પણ અહિથી મળી આવતાં બંનેનો કબ્જો સુરત પોલીસને સોંપાયો હતો. જો કે જે તે વખતે ચિરાગે જેને ભગાડી તેણી સગીર વયની હતી એ પછી તે પુખ્ત વયની થઇ જતાં તેની સાથે લગ્ન કરી લીધા હતાં. જો કે અગાઉ અપહરણનો ગુનો નોંધાયો હોઇ તેની ધરપકડ થઇ હતી. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ સુરતમાં દારૂ સહિત ત્રણ ગુના નોંધાયા હતાં. સુરતમાં આ શખ્સ વિડીયો એડીટીંગનું કામ કરતો હતો. રાજકોટમાં છુટક કામ કરી ગુજરાન ચલાવતો હતો.
પોલીસᅠકમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ એ. એસ. મકરાણી, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, સહદેવસિંહ જાડેજા, રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, શબ્બીરભાઇ મલેક, કોનસ. અમીનભાઇ ભલુર, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરા, કોન્સ. રીનાબેન પરમાર, હોમગાર્ડ મહિપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(2:41 PM IST)










