તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
સમર કેમ્પ યોજી સરગમ કલબ બહેનોને આત્મનિર્ભર બનવાની તક પુરી પાડે છે : વજુભાઇ વાળા
સરગમ કલબ અને લેડીઝ કલબ દ્વારા કોટક સ્કુલમાં ૧૦ દિવસીય સમર તાલીમ કેમ્પનો પ્રારંભ : સેંકડો બહેનોને જુદા જુદા વિષયની અપાતી તાલીમ

રાજકોટ : સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્વારા બહેનો સશકત અને આત્મનિર્ભર બને તે હેતુથી સમર ટ્રેનીંગ કલાસીસનું કોટક સ્કુલ ખાતે આયોજન કરાયુ છે. આ ૧૦ દિવસીય કલાસીસનું ઉદ્દઘાટન કરતા કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ જણાવ્યુ હતુ કે આજના સમયમાં બહેનો આત્મનિર્ભર અને સશકત બને તે જરૂરી છે. ત્યારે સરગમ કલબ જેવી સંસ્થા આવા સમર કેમ્પ યોજીને બહેનોને સરસ પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આવી તાલીમ મેળવ્યા બાદ બહેનો સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધી શકે છે. ઉદ્દઘાટન સમારોહમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, રાજ બેંકના ચેરમેન જયંતિભાઇ વસોયા, રાજ બેન્કના સી.ઇ.ઓ. જુલીબેન સાવલીયા, રાજકોટ કેળવણી મંડળના નવીનભાઇ ઠકકર, હરેશભાઇ પરસાણા, ચંદ્રીકાબેન ધામેલીયા, સુધાબેન ભાયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ પોતાના વકતવ્યમાં આ પ્રકારના સમર કલાસ કઇ રીતે ઉપયોગી નિવડે તેની છણાવટ કરી હતી. આ સમર કેમ્પમાં રાજબેંક, બાન લેબ્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, રાધિકા જવેલર્સ, જોહર કાર્ડસ, કમલભાઇ ધામીનો ખાસ સહયોગ મળ્યો હતો. તા.૫ થી ૧૫ દરમિયાન કોટક સ્કુલ, મોટી ટાંકી ચોક ખાતે યોજાયેલ આ સમર કલાસમાં જુદા જુદા ૧૫ વિષયોની તાલીમ અપાઇ રહી છે. સેંકડો બહેનો તેનો લાભ લઇ રહ્યા છે. ઉદ્દઘાટન સમારોહમાં સ્વાગત પ્રવચન જસુમતિબેન વસાણીએ અને અંતમાં આભારવિધિ અલ્કાબેન ધામેલીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. માલાબેન કુંડલીયાએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, હેતલબેન થડેશ્વર, જયશ્રીબેન મહેતા, વૈશાલી શાહ, દિવ્યાબેન ઉમરાણીયા, શોભનાબેન સોમૈયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(2:21 PM IST)










