તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
એમપીનો પૂજારી મુકેશ ટ્રેન મારફત ગાંજો લઇ રાજકોટ આવ્યો, જામનગર જાય એ પહેલા એસઓજીએ દબોચ્યો
જંકશન લોહાણા ચાલ સામેથી ૫૦ હજારના ગાંજા સાથે પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધાસુરાની ટીમે પકડયોઃ અગાઉ પણ બે-ત્રણ ખેપ મારી ગયો હતો :એએસઆઇ રાજેશભાઇ બાળા અને હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમીથી દરોડો કપડા ભર્યા હોય એ રીતે ગાંજાને થેલામાં પેક કરતો, થેલો પોતે બેસે તેનાથી દૂર રાખતો

રાજકોટ તા. ૭: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી મધ્યપ્રદેશના ઉમરીયા જીલ્લાના મહાનપુરના બીજોરી ગામના મુકેશ ભગવાનદાસ તિવારી (ઉ.વ.૪૪)ને જંકશન પ્લોટ-૧૫ લોહાણા ચાલ સામેથી રૂા. ૫૦૧૫૦ના ૫.૦૧૫ કિલોગ્રામ ગાંજા સાથે દબોચી લીધો છે. ઝડપાયેલા મુકેશે રટણ કર્યુ હતું કે પોતે પોતાના ગામમાં મંદિરનો પૂજારી છે અને આ ગાંજો પેડલર તરીકે જામનગર તરફ પહોંચાડવા જઇ રહ્યો હતો. અગાઉ પણ બે ત્રણ વખત આવી ખેપ મારી હોવાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
માદક પદાર્થની હેરાફેરી અટકાવવા અને યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રાજેશભાઇ બાળા અને હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળતાં મુકેશ તિવારીને ગાંજા સાથે દબોચી લઇ તેની પાસેથી એક મોબાઇલ, રોકડ, મળી ૫૫૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
પ્રાથમિક પુછતાછમાં મુકેશે રટણ કર્યુ હતું કે પોતે ટ્રેન મારફત રાજકોટ આવ્યો હતો અને અહિથી બસ કે જે વાહન મળે તેના મારફત જામનગર આ ગાંજો પહોંચાડવા જતો હતો. અગાઉ પણ પોતે આ રીતે એક બે વખત આવી ચુક્યો હતો. પોતે ગામમાં પૂજારી તરીકે કામ કરે છે તેવુ પણ કહ્યું હતું. ગાંજાનો પ્રાથમિક અભિપ્રાય ફોરેન્સિક અધિકારી શીતલબેન એચ. ઉપાધ્યાયએ આપ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ રાજેશભાઇ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, હરદેવસિંહ વાળા, કોન્સ. અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ, ડ્રા.હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. આગળની તપાસ પ્ર.નગર પોલીસ કરી રહી છે.
મુકેશ થેલામાં ગાંજો એ રીતે પેક કરતો કે દૂરથી કોઇ જોવે તો થેલામાં કપડા હોય તેવુ જ લાગે. ટ્રેનમાં પોતે જે સીટ પર બેસે તેનાથી દૂર પણ પોતાની નજર સામે આ ગાંજાનો થેલો રાખતો હતો. જેથી જો ચેકીંગમાં પકડાઇ જાય તો પોતાનો થેલો નથી એવુ કહી શકાય. રાજકોટ ટ્રેન પહોંચે ધીમી પડે ત્યારે મુખ્ય ઉતરી જતો અને મુખ્ય ગેઇટને બદલે આગળથી પાટા ઓળંગી બહાર નીકળી જતો હતો.અહિથી જે વાહન મળે તેમાં બેસી જામનગર સુધી જતો હોવાનું તેણે રટણ કર્યુ હતું. જામનગર કોને આ ગાંજો આપવાનો હતો તેની તપાસ થઇ રહી છે.
(2:48 PM IST)










