તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th May 2025
મેડિકલ એન્ટ્રેન્સ-નીટની પરિક્ષામાં 650થી વધુ માર્કસ અપાવી દેવાની લાલચ દઇ 30 લાખ પડાવ્યા
જેતપુરના તુષારભાઇ વેકરીયાની ફરિયાદ પરથી ડીસીબી પોલીસે કાલાવડ રોડની રોયલ એકેડેમીના ચેરમેન રાજેશ પેથાણી, ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ તેરૈયા, તેના ભાઇ પ્રકાશ તેરૈયા, કર્ણાટક બેલગામના મનજીત જૈન વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ આદરી રૂપિયા ચુકવ્યા પછી ટોળકી પર વિશ્વાસ ન બેસતાં તુષારભાઇના પુત્રએ પોતાની રીતે પરિક્ષા આપી હતીઃ રૂપિયા પાછા માંગતા બહાના બતાવ્યાઃ જબરૂ કારસ્તાન ખુલવાની શક્યતા વિપુલ તેરૈયાને સકંજામાં લઇ પુછતાછઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ

રાજકોટ તા. 6: મેડિકલ એન્ટ્રેન્સ (નીટ)ની પરિક્ષામાં 650થી વધુ માર્કસથી છાત્રને પાસ કરાવી દેવાના બહાને રાજકોટની રોયલ એકેડેમીના સંચાલક, અન્ય બે શખ્સો, ધોરાજી, ઉદયપુર અને કર્ણાટક બેલગામના શખ્સની ટોળકીએ મળી પરિક્ષામાં સેટીંગ કરાવી આપવાના બહાને બેલગામ ખાતે પરિક્ષા કેન્દ્ર રખાવી છાત્રના પિતા પાસેથી રૂા. 30 લાખ પડાવી લેતાં આ કોૈભાંડ મામલે ડીસીબી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ કારસ્તાનમાં ડીસીબી પોલીસે જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટી-43માં રહેતાં તુષારભાઇ અરવિંદભાઇ વેકરીયા (ઉ.વ.40)ની ફરિયાદ પરથી ધોરાજી કલ્યાણ સોસાયટીના રાજેશ હરિભાઇ પેથાણી, ઉદેપુર રાજસ્થાનના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ મુળશંકર તેરૈયા, સુરતના પ્રકાશ મુળશંકર તેરૈયા અને કર્ણાટક બેલગાવના મનજીત જૈન તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ટીમો દોડાવી છે.
તુષારભાઇ વેકરીયા મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે દિકરા છે. જેમાં એક દિકરો દ્વીજ રાજકોટ ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2024માં મારો દિકરો દ્વીજ કાલાવડ રોડ રોયલ એકેડેમીમાં ધોરણ-12 સાયન્સમાં ભણતો હતો. તેને એમબીબીએસ, હોમીયોપેથી, આયુર્વેદિકની મેડીકલ એન્ટ્રેન્સ (એઇઇટી) પરિક્ષામાં સારા 650થી વધુ માર્કસ અપાવવા હોઇ મેં સ્કૂલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરતાં તેણે કહેલુ કે આવા એક ભાઇને હું ઓળખુ છું જે આવી પરિક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે.આ માટે તમારે 60 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આવી વાત રાજેશે કરી હતી અને તેણે મને ધવલ સંઘવી સાથે ફોન પર વાત કરાવી હતી. મેં ધવલને કહેલુ કે મારાથી આટલા રૂપિયાની વ્યવસ્થા ન થઇ શકે. તેણી તેણે 10 લાખની સગવડ કરી રાખો પછી વધઘટ જોઇ લેશું તેમ કહ્યું હતું.
ત્યારબાદ મારા દિકરાના ભવિષ્યને ધ્યાને રાખી મેં રૂપિયા આપવાનું નક્કી કરી રાજેશ પેથાણીને એપ્રિલ-2024માં 10લાખ રોકડા આપ્યા હતાં. બીજા 20 લાખ રાજેશે આપવાનું કહેતાં મેં તેને એપ્રિલ-2024ના છેલ્લા વીકમાં આ રકમ પણ આપી દીધી હતી. નીટમાં સારા માર્કસ માટે મેં રાજેશ મારફત ધવલ સાથે વાત કરી હતી. તેના કહેવા મુજબ મારા દિકરા ધવલનું બેલગાવ કર્ણાટક ખાતે પરિક્ષા સેન્ટર આવે એટલે મારા દિકરાનું મેડીકલ એન્ટ્રેન્સ (નીટ)નું પરિક્ષા ફોર્મ ભર્યુ હતું. એ પછી અમે 2024માં આ પરિક્ષા આપવા બેલગાવ કર્ણાટક ગયા હતાં. પણ અમને ધવલની વાત પર વિશ્વાસ ન આવતાં મારા દિકરાને તેી રીતે જ પરિક્ષા આપવા સમજાવ્યો હતો. આથી દિકરાએ સેટીંગ વગર પરિક્ષા આપી હતી અને તેમાં 460 માર્કસ આવ્યા હતાં. અમારે રાજેશ મારફત ધવલ સાથે વાત થઇ હતી તે મુજબનું કોઇ સેટીંગ થયું નહોતું. મારા દિકરાને સારા માર્કસ પણ આવ્યા નહોતાં. આથી મેં રાજેશને આપેલા 30 લાખ પાછા માંગતા તેણે કહેલુ કે ધવલને આપી દીધા છે.
મેં ત્યારબાદ ધવલ પાસે આ રકમ પાછી માંગતા તેણે ઉપરથી આવે એટલે આપી દઇશ તેમ કહેલું. પરંતુ ઘણો સમય વિતી ગયા પછી પણ મને મારા રૂપિયા પાછા આપ્યા નહોતાં. જેથી મેં ફરી ધવલને ફોન કર્યો હતો પણ તેણે રિસીવ કર્યો નહોતો. જુલાઇ-2024માં અમે ધવલના ઘરે રાજસ્થાનના ઉદયપુર ખાતે ગયા હતાં. ત્યાં તે અગીયારમા માળે રહેતો હોઇ તપાસ કરતાં તે નાથદ્વારા-શ્રીનાથજી દર્શને ગયો હોવાનું કહેવાયુ હતું. પછી અમે ફોન કરતાં ધવલ ફોનમાં જવાબ આપતો નહોતો. બે મહિના બાદ ફરી મેં ધવલ પાસે મારા રૂપિયા માંગતા અને હું રાજેશ પેથાણીને પણ મળતાં તેણે ધવલ સાથે વાત કરતાં ધવલે કહેલુ કે આ રૂપિયા વિપુલ તેરૈયા, તેનો ભાઇ પ્રકાશ તેરૈયા લઇ ગયા છે. તે મને આપતા નથી એટલે હું આપી શકતો નથી. થોડા દિવસ બાદ ધવલ, વિપુલ, વિપુલનો ભાઇ પ્રકાશ રાજકોટ ખાતે રાજેશ પેથાણીની રોયલ એકેડેમી ખાતે આવ્યા હોઇ હું તેને મળતાં આ બધાએ થોડો સમય માંગી ચિંંતા ન કરો તમારા રૂપિયા આવી જશે તેવુ કહ્યું હતું.
પરંતુ થોડા સમય બાદ મેં ફરી રરૂપિયા માટે વિપુલ, પ્રકાશને ફોન કરતાં તેણે કહેલુ કે અમે આ રૂપિયા કર્ણાટક બેલગાવના મનજીત જૈનને આપ્યા છે, તે આ રકમ આપતો નથી આવશે એટલે તમને આપી દઇશું. આ રીતે ઘણો સમય પસાર થઇ ગયો છતાં આ લોકો મારા રૂપિયા આપતા નહોતાં.રાજેશ પેથાણી, ધવલ સંઘવી, પ્રકાશ તેરૈયા, વિપુલ તેરૈયા તેમજ મનજીતે સાથે મળી કાવત્રુ ઘડી મારા દિકરાને એમબીબીએસ, હોમીયોપેથી, આયુર્વેદિકની મેડિકલ એન્ટ્રેસ (એનઇઇટી)ની પરિક્ષામાં સારા માર્કે પાસ કરાવી આપવાના બહાને રૂા. 30 લાખ લઇ લીધા હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તુષારભાઇએ કહેતાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, સી. એચ. જાદવ, એમ. એલ. ડામોરની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમારે ગુનો નોંધી ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં વિપુલ તેરૈયા હાથમાં આવી ગયો છે. કોઇ છેતરાયેલા બીજા લોકો હોય તો ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યુ઼ હતું.
(3:55 PM IST)










