News of Saturday, 3rd May 2025
બુટલેગર હર્ષદ મહાજને પુત્ર સાથે મળી નટરાજનગરમાં રહેતાં પ્રિયાંકને ફોન પર ગાળો, ખૂનની ધમકી દીધી
તું કેમ મને મળતો નથી, આજે નહિ તો કાલે તને શોધીને પતાવી દઇશ, આખા પરિવારને મારી નાંખીશ... પ્રિયાંકની સાથે રહેતી પ્રેમિકા મીનાની આગલા ઘરની દિકરી અગાઉ હર્ષદની પુત્રવધુ હતીઃ હાલ આ બંને પ્રિયાંક સાથે રહેતી હોઇ ખાર રાખી હર્ષદ અને કમલેશે ધમકાવ્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩: મોટા બૂટલેગરની છાપ ધરાવતાં હર્ષદ ઉર્ફ મહાજને પોતાના પુત્ર સાથે મળી એક સમયના પોતાના જ સાથીદાર ગણાતા શખ્સને ફોન કરી તું કેમ મને મળવા નથી આવતો, આજે નહિ તો કાલે તને ગોતી લઇશ, તારા આખા પરિવારને મારી નાંખીશ તેવી ધમકી આપતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નટરાજનગર-૩ સામે પટેલ કન્યા છાત્રાલય નજીક એપાર્ટમેન્ટમાં રહેતાં રિક્ષાચાલક પ્રિયાંક વિનોદભાઇ મહેતા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી કમલેશ હર્ષદભાઇ માંડલીયા અને હર્ષદ ઉર્ફ મહાજન માંડલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પ્રિયાંકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું અને મારી પ્રેમિકા મીના તથા મારા પપ્પા અને મારી પ્રેમિકાની દિકરી પ્રિયા સાથે રહુ છું. તા. ૧ના રાતે બારેક વાગ્યે હું ઘરે હતો ત્યારે મારી પ્રેમિકાની દિકરી પ્રિયાનો પતિ કમલેશ માંડલીયા મારા ઘરે આવ્યો હતો અને ગાળો બોલી પ્રિયાને કેમ મોકલતા નથી? કહી દેકારો મચાવી જતો રહ્યો હતો. તા. ૨ના રોજ રાતે સાડા નવેક વાગ્યે હું ઘરે હતો ત્યારે મને મારા મિત્ર કમલેશ હર્ષદભાઇ માંડલીયાનો ફોન આવ્યો હતો અને તારી સાથે વાત કરવી છે, તું કેમ મને મળતો નથી તેમ કહી ફોનમાં બોલાચાલી કરી ગાળો દેવા માંડતા મેં ફોન કટ કરી નાંખ્યો હતો.
બાદમાં ફરીથી મને ફોનમાં વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં કમલેશના પિતા હર્ષદ મહાજને પણ મને ગાળો દઇ તું કેમ મને મળવા આવતો નથી, હું તને ગોતી લઇશ અથવા વહેલી સવારે તારી ઘરે આવીશ. કેટલા દિવસ બારે રખડે રાખીશ આજે નહિ તો કાલે તું ભેગો થઇશ એટલે મારી નાખીશ, તારા પરિવારને પણ મારી નાખીશ અને તને ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ તેમ કહી ધમકી આપતાં મેં તેને ગાળો દેવાની ના પાડી હતી અને મારો વાંક શું છે? મારી સાથે શું કામ માથાકુટ કરો છો? તેમ કહેતાં હર્ષદે વધુ ઉગ્ર થઇ જોર જોરથી ગાળો દીધી હતી. જેથી મેં ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ પણ અવાર-વનાર ફોન આવતાં હતાં અને કમલેશ તથા તેના પિતા હર્ષદ મને ફોન પર ગાળો દઇ ધમકી આપતાં હતાં.
મારી પ્રેમિકા મીનાની આગલા ઘરની દિકરી પ્રિયાના લગ્ન અગાઉ કમલેશ સાથે થયા હતાં. પણ બાદમાં છુટાછેડા થઇ ગયા હતાં. હાલ મીના અને તેની દિકરી મારી સાથે રહેતાં હોઇ જેનો ખાર રાખી કમલેશ અને તેના પિતાએ મને ગાળો દઇ ધમકી આપી હતી. તેમ વધુમાં પ્રિયાંકે કહેતાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે હર્ષદ મહાજન વિરૂધ્ધ દારૂના અનેક ગુના નોંધાયા છે. તેમજ ધમકીના ગુના પણ અગાઉ નોંધાઇ ચુક્યા છે.
(2:40 PM IST)










