<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

રાજકોટના શ્રી દુષ્‍યંત ભેડાએ બીજીવાર UPSC Exam ઉત્તિર્ણ કરીને સૌરાષ્‍ટ્ર ભૂમિનું ગૌરવ વધાર્યું !

‘ઉજ્જવળ કારકિર્દીના સપના તો દરેક યુવાનો જુએ જ છે, પરંતુ સપનું સાકાર કરવા માટે સમયસર જાગી જવું પડે ! ઉંઘમાં આવે એ સપનું નથી, ખરૂં સપનું એ છે કે જે ઉંઘવા ન દે !!'

ગાંધીનગર :  Competitive Exam માં સૌથી અદ્યરી અને UPSC દ્વારા લેવાતી સિવિલ સર્વીસ એકઝામમાં એક સમયે ગુજરાતી ઉમેદવારો ઉત્તિર્ણ જ થતા ન હતાં. ધીમે ધીમે UPSC ના આખરી રીઝલ્‍ટમાં પાસ થતાં ઉમેદવારોની સંખ્‍યા વધવા લાગી છે. તાજેતરમાં જ જાહેર થયેલા UPSC ના આખરી રીઝલ્‍ટના Top-30 માં ગુજરાતના ૩ તારલાઓ સહીત કુલ ૨૬ ઉમેદવારો પાસ થયા છે.

મૂળ ઉપલેટાના વતની અને હાલ રાજકોટમાં વસતાં શ્રી દુષ્‍યંત પ્રવિણભાઈ ભેડાએ Rank-574 થી સિલેકટ થઈને સૌરાષ્ટ્ર ભૂમિનું ગૌરવ વધાર્યું છે. ગજબનો આત્‍મ વિશ્વાસ ધરાવતાં દુષ્‍યંતભાઈએ સાબિત કરી બતાવ્‍યું કે, મક્કમ મન અને આયોજન નક્કર હોય તો સફળતા મેળવતાં કોઈ રોકી શકતું નથી. તેમણે ડો.અબ્‍દુલ કલામનું કવોટ સાર્થક કરીને કોમ્‍પીટીટીવ એકઝામ આપનાર લાખો યુવાઓને પ્રેરણા પૂરી પાડી છે.

ઉજજવળ કારકિર્દીના સપના તો દરેક યુવાનો જુએ જ છે,

પરંતુ સપનું સાકાર કરવા માટે સમયસર જાગી જવું પડે !

ઉંઘમાં આવે એ સપનું નથી. ખરૂં સપનું એ છે કે જે ઉંદ્યવા ન દે !!

ઉલ્લેખનિય છે કે, તેઓ ઉપલેટાની પ્રાથમિક શાળાના શિક્ષિકા ઉષાબહેન તથા  English Literature ના અધ્‍યાપક પ્રો.પ્રવિણભાઇ ડી. ભેડાના સુપુત્ર છે. તો Big-B શ્રી વિવેક ભેડા, IPS હાલ મહીસાગર જીલ્લામાં ASP તરીકે ફરજ બજાવે છે. શ્રી દુષ્‍યંતભાઇએ અગાઉ ૨૦૨૩ માં પણ UPSC ક્રેક કરી હોવાથી હાલ તેઓ Indian Revenue Service (IRS) Training માં છે. તેઓ હાલ ઇન્‍કમટેક્‍સમાં ફરજ બજાવે છે.  અગાઉ પણ GPSC પાસ કરીને ગુજરાત સરકારના અધિકારી હોવાથી તેમની ચાલુ નોકરીમાં કોઈ પણ રજા લીધા સિવાય પ્રથમ વારની UPSC Rank 262 થી પાસ કરી હતી.

ખીસ્‍સામાં સમાય નહીં તેટલા પગારની મલ્‍ટિનેશનલ કંપનીઓની નોકરી છોડીને સ્‍થિર થઈ રહેલી જિંદગીમાં લગ્ન થયાના બે મહિના બાદ જાન્‍યુઆરી ૨૦૨૨ માં દુષ્‍યંતભાઇને UPSC ક્રેક કરવાનો વિચાર આવ્‍યો. વિચાર અને સ્‍વપ્‍ન તો બધા જ જોતાં જ હોય પણ તેઓ મકકમ હોવાથી ૨૦૨૩ અને હાલની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવી શક્‍યા છે. Big-B એવા શ્રી વિવેક ભેડા, IPS નું માર્ગદર્શન તેમને સતત મળતું રહ્યું.

ધો.૧૨ સાયન્‍સમાં સમગ્ર રાજયમાં આઠમો નંબર ગુજરાતી માધ્‍યમમાં જ શાળાકીય અભ્‍યાસ. નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્‍જિનિયરિંગ CATની પરીક્ષા બાદ કેરળ ખાતે IIM કોઝિકોડ, માલાબારમાં પ્રવેશ.

શિક્ષક માતા પિતાના સંતાન એવા દુષ્‍યંતભાઈએ ઉચ્‍ચ સંસ્‍થામાં MBA કર્યું હોવાથી દેશ-વિદેશની સારી સારી કંપનીઓ તેમને સામેથી બોલાવે જ. મોટી મોટી મલ્‍ટિનેશનલ કંપનીઓમાં ૬ વર્ષ સેવાઓ આપ્‍યા બાદ ડો.અબ્‍દુલ કલામના કવોટની માફક તેમનું સ્‍વપ્‍ન તેમને ઉંઘવા દેતું ન હોવાથી અઢળક પગારની નોકરી છોડવાનો નિર્ણય લઇ લીધો. 

તેઓ કહે છે કે, આ પરીક્ષા માટે મહત્ત્વનાં પાસાંઓ અને વિશ્‍લેષણાત્‍મક બાબતો પર ભાર મુકવા ઉપરાંત ટાઇમ મેનેજમેન્‍ટ ખુબ જ મહત્‍વ ધરાવે છે. આયોજનપૂર્વકની તૈયારી કરી હોવાથી પ્રથમ પ્રયત્‍ને પ્રિલિમિનરી પાસ કરી દીધી હતી. હાલ તેઓ આખરી પરીક્ષામાં બીજી વાર ઉતિર્ણ થયા છે. તેમણે પહેલીવાર મોક ટેસ્‍ટ આપી ત્‍યારે ૩ કલાકને બદલે સાડા ચાર કલાકમાં પેપર માંડ પુરૂં થયુ હતું. મિનિટોની ગણતરી કરીને ગુણના પ્રમાણમાં જ સમય આપવો જરૂરી છે. કોઇ એક સવાલનો જવાબ લંબાણથી આપવાને બદલે તમામ સવાલોના જવાબો આપીએ તો જ વધુ ગુણ મેળવી શકાય.

પ્રથમ વખતની તૈયારી વખતે તાજા પરણેલા હોવાથી તૈયારીની સાથે સામાજીક જવાબદારી પણ નિભાવવાની હતી. પણ જીવનસંગિની ગોપીબેન સહીત પરિવારનો સાથ અને મોટીવેશન મળતું રહેલું. પ્રથમ વાર રીઝલ્‍ટ આવ્‍યું ત્‍યાં સુધી સતત ચિંતા હતી પણ મન કહેતું હતું કે બધુ જ સારૂં થશે. આ વખતે તો આગળનો અનુભવ હોવાથી પૂરતો આત્‍મ વિશ્વાસ હતો કે પાસ થઇશ જ.

આવડી મોટી સિધ્‍ધિ બીજી વાર પ્રાપ્ત થાય એટલે મા-બાપની છાતી ગજ-ગજ ફૂલાય જ. Big-B તો સીવીલ સર્વીસમાં હતા જ. નાના ભાઈએ તો બીજી વખત આ સિધ્‍ધિ પ્રાપ્ત કરી છે. બે સગા ભાઈઓએ ડાયરેકટ આ પરીક્ષા પાસ કરી હોય તે સમગ્ર ગુજરાત રાજય માટે ગૌરવરૂપ ઘટના છે. 

આ લખનારનો અનુભવ છે કે, માનવી પોતાની શક્‍તિમાં શ્રધ્‍ધા અને વિશ્વાસ રાખે ત્‍યારે કુદરત અચૂક મદદ કરે જ છે. સારા-નરસા અનુભવથી જ માનવી ઘડાય છે. ઘણીવાર વ્‍યક્‍તિ જયારે હારીને પ્રયત્‍ન કરવાનું છોડી દે, ત્‍યારે જ સફળતા હાથવેંત હોય છે. સફળતા ન મળે ત્‍યારે પૂરી નિષ્‍ઠાથી પ્રયત્‍ન કર્યો હતો કે કેમ ? તે સવાલ જાતને પુછવો જોઇએ. દુષ્‍યંતભાઈની સકસેસ સ્‍ટોરીથી આપણને એવો સંદેશ મળે છે કે, સંઘર્ષનું બીજું નામ જ જીવન છે.

(4:07 PM IST)