તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
રાજકોટમાં ધોરણ-૫ની છાત્રા પર કુટુંબી સગા અને તેના મિત્રનો બળાત્કારઃ ગર્ભ રહી ગયો
માતા-પિતા સાથે રાજકોટથી મહારાષ્ટ્ર ગયેલી બાળાને ત્યાં પેટમાં દુઃખાવો ઉપડતાં ડોક્ટર પાસે લઇ જતાં તે સગર્ભા હોવાનું ખુલ્યું: માતા-પિતા બહાર જતાં ત્યારે સગાનો દિકરો આવી બળજબરી આચરતોઃ તેના મિત્રએ પણ એક વખત દૂષ્કર્મ આચર્યુ હતું બંને સગીર આરોપીને બાળ અદાલતમાં રજૂ કરાશે બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારીએ મહારાષ્ટ્રથી ઝીરો નંબરથી આવેલી ફરિયાદને આધારે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩૦: શહેરમાં રહેતાં એક પરિવારની ધોરણ પાંચમાં ભણતી બાળા સાથે બે સગીરે બળાત્કાર ગુજારી લેતાં તેણી ગર્ભવતી બની જતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોક્સો હેઠળ ગુનો દાખલ થતાં બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં એક સગીર આ બાળાનો નજીકનો સગો છે. બી-ડિવીઝન પોલીસે બંનેને અટકાયતમાં લઇ બાળ અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસે ભોગ બનનાર બાળાની ઉમર ૧૨ વર્ષ છે. થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતાં સગાને ત્યાં વેકેશન કરવા ગઈ હતી. જ્યાં બીજા દિવસે તેના પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. તે વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેના માતા-પિતા ખળભળી ગયા હતાં. તેમણે ફોસલાવીને દિકરીની પુછપરછ કરતાં તેણીએ કહ્યું હતું કે પડોશમાં રહેતાં સગીરે પોતાની સાથે દૂર્ષ્મ કર્યુ છે. આથી તુરજ માતા-પિતા દિકરીને લઇ ત્યાંના પોલીસ સ્ટેશને જતાં મહારાષ્ટ્ર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી ફરિયાદ રાજકોટ મોકલતાં પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારીએ વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનાર કિશોરીની પૂછપરછ કરતાં તેણે એક નહીં પરંતુ બે-બે તરૂણે તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું. જેમાંથી એક તરૂણની ઉંમર ૧૬ વર્ષ આસપાસ છે, જયારે બીજા તરૂણની ઉંમર ૧૩ વર્ષની આસપાસ છે. ૧૬ વર્ષનો તરૂણ ભોગ બનનાર કિશોરીનો નજીકના સગામાં પણ થાય છે. તેણે ભોગ બનનાર કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી જેને કારણે ભોગ બનનાર બાળાએ સગાનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું. મહારાષ્ટ્ર પોલીસે લીધેલી ફરિયાદમાં એક જ આરોપીનું નામ હતું. રાજકોટ બી-ડિવીઝન પોલીસની તપાસમાં બાળાના સગાનું નામ પણ ખુલતાં આ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ એક તરૂણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. જયારે ભોગ બનનાર બાળાનો નજીકનો સગો છે તેણે છ સાત વખત દૂષ્કર્મ આચરી લીધુ હતું. ભોગ બનનાર કિશોરીએ પોલીસને જણાવ્યું કે તેના માતા-પિતા જયારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરૂણ ઘરે આવી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતો હતો. તેણે આવું છ થી સાત વખત કર્યું હતું. જયારે તેના સંબંધી તરૂણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર કિશોરીની માતાએ બીજા લગ્ન કર્યા છે. ભોગ બનનાર કિશોરી તેની આગલા ઘરની પુત્રી છે. પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારીએ બંને સગીરની સામે પગલા લઇ બાળ અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
(2:05 PM IST)










