<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

મારી રીતે પગલુ ભરૂ છું, કોઇનો વાંક નથી, પપ્‍પા મને માફ કરજો...ચિઠ્ઠી લખી સેન્‍ટીંગના ધંધાર્થીનો આપઘાત

૧૫૦ રીંગ રોડ જસરાજનગરમાં બનાવઃ ૩૭ વર્ષિય ચેતનભાઇ મોરધરાનું ઘટના સ્‍થળે જ મોતઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી : સવારે પત્‍નિ જલ્‍પાબેન જાગ્‍યા ત્‍યારે પતિ રૂમમાં ન દેખાયા, બહાર નીકળતાં હોલમાં લટકતાં મળ્‍યાઃ આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૩૦: દોઢસો ફુટ રીંગ રોડ પર જસરાજનગરમાં રહેતાં સેન્‍ટીંગના ધંધાર્થી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. હું મારી રીતે પગલુ ભરુ છું, કોઇનો વાંક નથી...તેવું તેમણે ચિઠ્ઠીમાં લખ્‍યું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ મવડી ૧૫૦ રીંગ રોડ પર ઉમિયા સર્કલ પાસે જસરાજનગર-૨માં ‘આવકાર' નામના મકાનમાં રહેતાં ચેતનભાઇ હર્ષદભાઇ મોરીધરા (ઉ.વ.૩૭) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી મારફત થતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમના ઇન્‍ચાર્જ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં મયુરભાઇ ઠાકર, કિરીટભાઇ રામાવત સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ સવારે પાંચેક વાગ્‍યે ચેતનભાઇના પત્‍નિ જલ્‍પાબેન જાગ્‍યા ત્‍યારે પતિ ચેતનભાઇ રૂમમાં ન દેખાતાં બહાર નીકળીને જોતાં તેઓ હોલમાં છતના હુકમાં દોરીમાં લટકતાં જોવા મળતાં તેમણે દેકારો મચાવી મુકતાં ઉપરના રૂમમાં સુતેલા ચેતનભાઇના પિતા તેમજ અડોશી પડોશી દોડી આવ્‍યા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી પરંતુ તેના તબિબે ચેતનભાઇને મૃત જાહેર કર્યા હતાં. ચેતનભાઇ સેન્‍ટીંગ કામના કોન્‍ટ્રાક્‍ટ રાખી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરી છે. પરિવારજનોએ કહ્યું હતું કે ચેતનભાઇએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે તેમને કંઇ જ જાણ નથી. પોલીસે તપાસ કરતાં એક સ્‍યુસાઇડ નોટ મળી હતી જેમાં ચેતનભાઇએ હું મારી જાતે પગલુ ભરુ છું, કોઇનો વાંક નથી, પપ્‍પા હું તમને સાચવી ન શક્‍યો મને માફ કરજો, મારી દિકરીનું ધ્‍યાન રાખજો તેવું લખેલું છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(12:08 PM IST)