<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટ સહિત રાજયભરમાં મહેસુલી કર્મચારીઓની ૧ દિ' હડતાલઃ હજારો અરજદારોના કામો ખોરંભે

રાજકોટ કચેરીએ દેખાવો-ધરણાઃ નિવેડો નહી આવે તો બેમુદતી હડતાલની પણ ચેતવણી કલેકટરે સર્વીસ બ્રેકની ચેતવણી આપીઃ પ્રમોશન-જીલ્લા ફેરબદલી-પ્રર્વતતાવાદી જેવા પ્રશ્‍નો અંગે લડત

મહેસુલ કર્મચારીઓના દેખાવોઃ તમામ કચેરીઓ સુમસામઃ જન સેવામાં માત્ર અરજીઓ સ્‍વીકારાઇ :  રાજકોટઃ રાજકોટ સહિત રાજય ભરના મહેસુલ કર્મચારીઓએ આજે ૧ દિ'ની હડતાલ પાડી છે, તસ્‍વીરમાં કલકેટર કચેરી ખાતે દેખાવો કરતા કર્મચારીઓ, હડતાલને કારણે સુમસામ કચેરીઓ તથા જનસેવા-એટીવીટી સેન્‍ટરોમાં ઓપરેટરો દ્વારા માત્ર અરજીઓ સ્‍વીકારાઇ તે નજરે પડે છે.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ, તા. ૩૦: અગાઉ નોટીસ આપ્‍યા મુજબ આજે સવારે ૧૦ વાગ્‍યાથી રાજકોટ સહિત રાજયભરના મહેસુલી કર્મચારીઓની ૧ દિ'ની હડતાલનો પ્રારંભ થયો છે, રાજયના ૩૭૦૦ થી વધુ તથા રાજકોટના ૩૯૦ જેટલા નાયબ મામલતદારો, કારકુન, મહેસુલી તલાટીઓ, ફિકસ પગાર ધરાવતા કર્મચારીઓ, પટ્ટાવાળા હડતાલમાં- માત્ર સીએલ ઉપર જોડાયા છે.

રાજકોટ કલેકટર કચેરી ખાતે પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલા, અન્‍ય હોદેદારો રૈયાણી વિગેરેની આગેવાની હેઠળ સવારે ૧૦:૩૦ વાગ્‍યે કર્મચારીઓ એકઠા થયા હતા, સુત્રોચ્‍ચાર-દેખાવો યોજયા હતા, ગાર્ડનમાં ધરણા કર્યા હતા અને કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.

૧ દિ' ની હડતાલને કારણે રાજકોટ કલેકટર કચેરી સહિત તમામ મામલતદાર, ડે. કલેકટર કચેરી ખાતેના જન સેવા કેન્‍દ્રો, પુરવઠાની ઝોનલ કચેરીઓ સુમસામ લાગતી હતી, હજારો અરજદારોના તમામ પ્રકારના દાખલા, રોશનકાર્ડની કામગીરી ખોરંભે પડી હતી, સેંકડો અરજદારોને ધકકા થયા હતા.

જનસેવા કેન્‍દ્રોમાં આઉટ સોર્સીગ સ્‍ટાફ હાજર હતો, લોકોની અરજીઓ સ્‍વીકારાતી હતી, અન્‍ય તમામ કામગીરી અટકી પડી હતી, મામલતદારોને જયાં સહી કરવાની હોય તે પણ વિલંબે થતી હતી, પヘમિ મામલતદાર કચેરીએ એટીવીટી સેન્‍ટર ઠપ્‍પ હતું.

હડતાલ સામે રાજય સરકારે દરેક કલેકટરને ગઇકાલે સર્વિસ બ્રેક ગણવા આદેશો કરતા, રાજકોટ કલેકટરે દરેક મામલતદાર તથા પ્રાંત ઓફીસરોને તેમના કર્મચારીઓ કે જે હડતાલમાં જોડાયા છે, તેમની સર્વીસ બ્રેક ગણવા ચેતવણી આપી હતી.

મહેસૂલ કર્મચારીઓ અટકેલા પ્રમોશન, પ્રવર્તતા યાદી, જીલ્લા ફેર બદલી સહિતના અડધો ડઝન પ્રશ્નો અંગે લડત ચલાવી રહ્યા છે, આજે ૧ દિ'ની હડતાલ પાડી છે, જો નિવેડો નહી આવે તો બેમૂદરતી હડતાલની પણ ચેતવણી જાહેર કરી છે.

વધુમાં જણાવ્‍યાનુસાર અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં મહેસૂલી કર્મચારીના પ્રશ્નો અંગે યોગ્‍ય નિર્ણય આવ્‍યો હતી.

નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તા યાદી છેલ્લા ૮ વર્ષથી વધારે સમયથી બનેલ નથી. જે તે સમયે પ્રસિધ્‍ધ થયેલ પ્રવર્તા યાદીમાં જે તે સમયે રહેલ ક્ષતિઓના કારણે તેમજ અગાઉ રજૂ થયેલ વાંધાઓની સુનાવણી અને નિર્ણય નહિ થવાથી વિભાગ કક્ષાએ જરૂરી સુધારો કરી નવેસરથી યાદી બનાવવી જરૂરી છે. નાયબ મામલતદારની રજૂઆતોને ધ્‍યાને લઇને તેમને ડીમ્‍ડડેટ મુજબ યાદીમાં આગળનું સ્‍થાન મળવાપાત્ર હોય તે મુજબ ડિમ્‍ડડેટ સાથેની નિયમોનુસાર અદ્યતન પ્રવર્તા યાદી બનાવવામાં આવે તેમજ તે આધારે તાત્‍કાલીક નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન આપવા સહિતની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

મહેસૂલ કર્મચારી યુનિયનના રાજકોટ જિલ્લાના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્‍યા અનુસાર, તેઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ અંગે સરકારને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્‍યું નથી. આથી, કર્મચારીઓએ આખરે હડતાલનું શષા ઉગામવાની ફરજ પડી છે. તેમની મુખ્‍ય માંગણીઓમાં સમયસર બઢતી, ખાલી જગ્‍યાઓ ભરવી અને જુની પેન્‍શન યોજના લાગુ કરવી વગેરેનો સમાવેશ થાય છે.

હડતાલના પગલે સામાન્‍ય નાગરિકોના મહેસૂલ વિભાગને લગતા કામો અટકી જશે તેવી શકયતા છે. સરકાર દ્વારા તાત્‍કાલિક આ બાબતે યોગ્‍ય પગલાં લેવામાં આવે તેવી કર્મચારીઓ અને અરજદારો આશા રાખી રહ્યા છે. જો સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ પર સકારાત્‍મક વિચારણા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ હડતાલ વધુ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરી શકે છે.

(2:39 PM IST)