તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th April 2025
ડીઆઇ લાઇનમાંથી નવા નળ કનેકશન માટે છેલ્લા વર્ષનો મિલ્કતવેરો ભરવો ફરજીયાત
મનપા દ્વારા આખુ વર્ષ કડક ઝુંબેશ છતા અનેક લોકો વેરો ભરતા ન હોય તે માટે પગલુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાઇપલાઇન બીછાવાઇઃ રસીદ જમા કર્યા બાદ જ કનેકશન મળશેઃ મિલ્કતવેરા બાકીદારો પાસે આકારણી કરવા નિર્ણય

રાજકોટ તા. ૨૮: મિલ્કતવેરાની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આખુ વર્ષ રિકવરી ઝુંબેશ હાથ ધરાય છે. આવકના મુખ્યસ્ત્રોત અંતર્ગત બાકીદારોની મિલ્કતો સીલ કરવાની તેમજ રહેણાકના નળ જોડાણો કાપવા સહિતના પગલા લેવાઈ રહ્યા છે. છતાં દરવર્ષે અંદાજે બે લાખથી વધુ બાકીદારો સમયસર મિલ્કતવેરો ભરતા ન હોવાથી હવે ડીઆઈ પાઈપલાઈનમાંથી જૂનાની જગ્યાએ નવા નળ જોડાણો આપતી વખતે કડક નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે.
જે મુજબ નળ કનેક્શન લેનાર વ્યકિતએ ગત વર્ષ સુધીનો વેરો ભરપાઈ કર્યો હોવાની રસીદ અધિકારીને આપવી પડે છે. આથી બે લાખથી વધુ બાકીદારો કે જેઓનો વર્ષોથી વેરો બાકી છે તેમને નળ જોડાણો મળશે નહીં તેમ જાણવા મળેલ છે.
શહેરના મોટાભાગના વોર્ડમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થવા આવી છે. અને અનેક વોર્ડમાં જૂના નળ જોડાણોના સ્થાને નવા નળ કનેક્શન આપવાનો પ્રારંભ કરાયો છે. વોટરવર્કસ અને વેરાવિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી જૂના નળ જોડાણ ધરાવતા વ્યકિતએ ડીઆઈ પાઈપલાઈનમાંથી નળ કનેક્શન લેવા માટે મિલ્કતવેરો છેલ્લા વર્ષનો ભરેલો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અને નળ જોડાણ આપતી વખતે અધિકારી દ્વારા મિલ્કતવેરાની છેલ્લી રસીદની ઝેરોક્ષ માંગવામાં આવી રહી છે.
આ મુદ્દે વોટરવર્કસ વિભાગમાંથી જાણવા મળેલ કે, મિલ્કતવેરાની રસીદ ન આપનાર વ્યકિતને ડીઆઈપાઈપલાઈનમાંથી નળ જોડાણ મળશે નહીં તેમજ જૂની લાઈન બંધ કરવામાં આવશે ત્યારથી આ પ્રકારના મિલ્કતધારકોનું પાણી બંધ થઈ જશે. આથી આ નિયમની અમલવારી શરૂ કરતા દર વર્ષે બાકી રહેતા અંદાજે બે લાખથી વધુ બાકીદારોમાં દોડધામ મચી ગઈ છે.
તેવી જ રીતે હાલમાં ડીઆઈપાઈપલાઈનમાંથી નળ જોડાણ આપતી વખતે છેલ્લા મિલ્કતવેરા ભર્યાની રસીદ માંગવામાં આવી રહી છે. જેમાં પણ અનેક સ્થળે માથાકુટ થઈ હોવાનું જાણવા મળેલ છ ે.
ડીઆઈ પાઈપલાઈનમાંથી નવુ નળ જોડાણ મેળવવા માટે છેલ્લા વર્ષનો મિલ્કતવેરો ભરપાઈ કરેલો હોવો જોઈએ અને તેની રસીદ જમા કરાવ્યા બાદ નળ જોડાણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ અનેક ભાડુઆતો કે જેઓને મિલ્કતવેરો મકાનમાલીકે ભરેલ છે કે નહીં તેની માહિતી નથી તેમજ અમુક પરિવારોના મોભીઓ બહારગામ હોવાથી મિલ્કતવેરા અંગેની જાણકારી ન હોય અનેક ઘરોમાં નળ જોડાણો આપતી વખતે પરિવારો દ્વારા આ બાબતે અમને ખબર નથી તેવો અધિકારીઓને કહેવામાં આવી રહ્યુ છે. અને નવું નળ જોડાણ ન મળવાના કારણે માથાકુટો પણ થયાનું જાણવા મળેલ છે.
(3:46 PM IST)










