<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

કુબલીયાપરામાં બકાલી રાહુલ, તેના માતા અને ભાભી પર છરી, ધોકા, પાઇપથી હુમલો

રાહુલના પિતા ભરતભાઇને થોરાળા પંપ પાસે બોલાચાલી થયા બાદ લત્તામાં જ રહેતાં કિશોર, ચંપા, રાજેશ, અનિલ સહિતનાએ ઘરે આવી ઘા કર્યા

રાજકોટ તા. ૨૬: શહેરના ભાવનગર રોડ પર આવેલા કુબલીયાપરા-૫માં રહેતાં શાકભાજીના ધંધાર્થી, તેના માતા અને ભાભી પર આ વિસ્‍તારના જ શખ્‍સોએ તલવાર, ધોકા, છરીથી હીચકારો હુમલો કરતાં ત્રણેયને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ કુબલીયાપરામાં રહેતો રાહુલ ભરતભાઇ સોલંકી (ઉ.વ.૨૫) નામનો યુવાન બપોરે ઘરે હતો ત્‍યારે તેના જ લત્તામાં રેહતાં કિશોર ધીરૂ, ચંપા ધીરૂ, રાજેશ ધીરૂ, અનિલ ધીરૂ સહિતના તલવાર, છરી, ધોકા લઇ ધસી આવ્‍યા હતાં અને હુમલો કરી રાહુલને લોહીલુહાણ કરી નાંખ્‍યો હતો. દેકારો થતાં રાહુલને બચાવવા તેના માતા શારદાબેન ભરતભાઇ સોલંકી (ઉ.વ.૬૦) અને ભાભી પાયલબેન દિલીપભાઇ સોલંકી (ઉ.વ.૨૭) વચ્‍ચે પડતાં આ બંને ઉપર પણ હુમલો થતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, તોૈફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્‍દ્રભાઇએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

રાહુલના કહેવા મુજબ તેના પિતા ભરતભાઇ દલસુખભાઇ સોલંકી બપોરે થોરાળાના પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા ગયા ત્‍યારે નજીકમાં હુમલાખોર પૈકીના એક સાથે બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર રાખી તેઓ ઘરે ધસી આવ્‍યા હતાં અને પિતા ઘરે ન હોઇ પોતાના પર અને માતા, ભાભી પર હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

(3:49 PM IST)