<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

ચાર લોકોના હૃદય બંધ પડયાઃ ૧૯ વર્ષના યુવાન, બે મહિલા, એક પ્રોૈઢનો સમાવેશ

ગોંડલ રોડ ચોકડીએ રહેતો અતુલ આદી કારખાનામાં, મોરબી રોડ ગણેશ પાર્કના ભાવનાબેન ચડોતરા, ધ્રોલના કુંતાબા જાડેજા, શાપરના નલખાન પ્રજાપતિ ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૬: હૃદય બંધ પડી જવાની ઘટનાઓમાં વધુ ચારનો ઉમેરો થયો છે. જેમાં ૧૯ વર્ષના યુવાન, બે મહિલા અને એક પ્રોૈઢ મળી ચાર લોકોના મૃત્‍યુ થયા છે. આ તમામને સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવતાં સગા પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ ચોકડી પાસે જય ગણેશ ફોર્ડ શો રૂમ પાસે ફલેક્‍સ ઝોન નજીક રહેતો અતુલ કેશવભાઇ આદી (ઉ.વ.૧૯) નામનો યુવાન ગુરૂવારે રાતે દસેક વાગ્‍યે કારખાને કામ કરતો હતો ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મૃત્‍યુ થયું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં હેડકોન્‍સ. એચ. કે. ડાંગરે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર યુવાન મુળ યુપીનો વતની હતો અને બે ભાઇ, બે બહેનમાં વચેટ હતો. એકાદ વર્ષથી તે રાજકોટમાં કામ કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં મોરબી રોડ ગણેશ પાર્કમાં પૂનમ હોલ પાછળ રહેતાં ભાવનાબેન દિનેશભાઇ ચડોતરા (ઉ.વ.૪૪) ગુરૂવારે રાતે સાડા અગિયારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ નિપજતાંપરિવારમાં શોક વ્‍યાપી ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભાવનાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ ઇમિટેશનનું કામ કરે છે.

ત્રીજા  ધ્રોલના ખાખરા ગામે રહેતાં કુંતાબા શાંતુભા જાડેજા (ઉ.વ.૪૬) ગુરૂવારે રાતે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમામં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધ્રોલ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરાઇ હતી. કુંતાબાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતી કરે છે. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું જણાવાયું હતું.

ચોથા બનાવમાં શાપર વેરાવળમાં આનંદ લાઇનર ગેઇટમાં આવેલા ઉર્જા ઇન્‍ડસ્‍ટ્રી પાસે રહેતાં મુળ યુપીના મલખાન કાશીપ્રસાદ પ્રજાપતિ (ઉ.વ.૫૪)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. મલખાન તેના પરિવાર, ત્રણ દિકરા સાથે અહિ રહેતાં હતાં. પોતે હાલ નિવૃત થઇ ગયા હતાં અને દિકરા ફેક્‍ટરીમાં કામ કરે છે. શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

જ્‍યારે અન્‍ય એક બનાવમાં કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ પાસે ખોડલધામ સોસાયટીમાં રહેતાં ઘનશ્‍યામભાઇ હરિભાઇ પીપળીયા (ઉ.વ.૪૪) ઘરે ગુરૂવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ત્રણ ભાઇમાં મોટા હતાં અને હાલ લિવર કિડનીની બિમારી હોઇ ડાયાલીસીસ ચાલતુ હોઇ કામ કરી શકતાં નહોતાં. સંતાનમાં બે પુત્ર છે. બિમારીથી મૃત્‍યુ થયાનું સગાએ કહ્યું હતું. આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

તમામ ઘટનાઓમાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જે તે પોલીસ સ્‍ટેશનોમાં નોંધ કરાવી હતી.

(11:35 AM IST)