<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

મારું નામ રવિ ટોયટા, મારા પૈસા માંગવા નહિ, મફતમાં પેટ્રોલ પુરાવી બે શખ્‍સ ભાગી ગયા

ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે લુખ્‍ખાગીરી રૂપિયા ૨૧૦નું પેટ્રોલ પુરાવ્‍યું પછી ફિલરમેનને માથામાં પેટ્રોલ ટાંકીનું ઢાંકણુ ફટકાર્યુઃ એક્‍સેસ પર બે શખ્‍સ ભાગી ગયાઃ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૭: શહેરના ૧૫૦ રીંગ રોડ પર રામાપીર ચોકડીએ આવેલા ઓમ પેટ્રોલ પંપ ખાતે રાતે ટુવ્‍હીલરમાં પેટ્રોલ પુરાવવા આવેલા બે શખ્‍સે ફિલરમેન સાથે ઝઘડો કરી માથામાં પેટ્રોલ ટાંકીનું ઢાંકણું ફટકારી તારે પૈસા જોઇએ છે? મારુ નામ રવિ ટોયટા, મારી પાસે પૈસા માંગવા નહિ, નહિતર મારી નાંખીશ તેવી ધમકી આપી તેમજ ગાળો દઇ પૈસા આપ્‍યા વગર ભાગી જતાં તપાસ શરૂ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે આવેલા ઓમ એપટ્રોલ પંપમાં ઓફિસમાં જ રહેતાં અને ફીલરમેન તરીકે નોકરી કરતાં મુળ પ્રભાસપાટણના વતની શુભમ પ્રતિમકુમાર ત્રિવેદી (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી રવિ ટોયટા અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે. શુભમ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે હું છેલ્લા બે વર્ષથી ઓમ પેટ્રોલ પંપ ખાતે નોકરી કરી ત્‍યાં જ રહું છું. રાતે સવા બે વાગ્‍યે હું પંપ ખાતે નાઇટ ડયુટીમાં હતો ત્‍યારે મારી સાથે બીજા કર્મચારી મનોજભાઇ ભીખાભાઇ તન્‍ના પણ હતાં. આ વખતે બે શખ્‍સ એક્‍સેસ લઇને આવ્‍યા હતાંઉ જેમાં એક શરીરે જાડો હતો અને સફેદ ટીશર્ટ તથા નાઇટ પેન્‍ટ પહેરેલુ હતું તે વાહન ચલાવતો હતો. તેણે મારી પાસે એક્‍સેસ ઉભુ રાખી મને કહેલુ કે-રૂા. ૨૧૦નું પેટ્રોલ પુરી દે. જેથી મેં નોઝલ લઇ પેટ્રોલ પુરવા જતાં ટુવ્‍હીલરનું પેટ્રોલ ટાંકીનું ઢાંકણું ટાઇટ હોઇ તેના ચાલકને ખોલવાનું કહેતાં તેણે ઢાંકણું ખોલી તેના હાથમાં રાખ્‍યું હતું.

હું પેટ્રોલ પુરી રહ્યો હતો ત્‍યારે આ શખ્‍સે મારા માથા પાછળ ઢાંકણું માર્યુ હતું અને પેટ્રોલ પુરાઇ જતાં મને કહેલુ કે તારે-પેટ્રોલના રૂપિયા જોઇએ છે, જેથી મને માથામાં લાગ્‍યું હોઇ હું કંઇ બોલ્‍યો નહોતો. જતાં જતાં મને આ બંનેએ ગાળો દીધી હતી. તેમજ ચાલક શખ્‍સે મારુ નામ રવિ ટોયટા છે, મારી પાસે પૈસા માંગવા નહિ, નહિતર મારી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી અને બંને પૈસા આપ્‍યા વગર જતાં રહ્યા હતાં.

બાદમાં મેં આ બનાવની જાણ સીએનજી વિભાગના મનોજભાઇને કરતાં તેણે ૧૦૮ બોલાવતાં મને હોસ્‍પિટલે લઇ ગયા હતાં. સ્‍ટાફના મિત્ર સુનિલભાઇ મહેતા આવી જતાં મેં તેને બનાવની જાણ કરી હતી.

પ્રાથમિક સારવાર બાદ મને રજા અપાતાં હું ફરી પેટ્રોલ પંપે નોકરી પર હાજર થઇ ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરી હતી. ટુવ્‍હીલર પર આવેલા શખ્‍સોએ કારણ વગર જ મને માથામાં ઢાંકણુ મારી ગાળો દઇ પેટ્રોલ પુરાવી ધમકી આપી પૈસા આપ્‍યા વગર નીકળી  ગયા હતાં. તેમ વધુમાં શુભમે જણાવતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:04 PM IST)