<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

રાજકોટના હકાભાઇની મેસવડાની જમીનમાં કેશુએ જેસીબીથી ઝાડવા ઉખેડી નાંખ્‍યાઃ માથે જતાં ધમકી

મારો ભાઇ પીએસઆઇ છે ખોટા ગુનામાં ફીટ કરાવી દઇશ કહી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યા તમે અહિથી બહાર નીકળી જાવ, જે થાય તે કરી લ્‍યો, જેસીબી બંધ નહિ થાય... એરપોર્ટ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૭: પાંચેક વર્ષથી રાજકોટ ગંજીવાડામાં રહેતાં મુળ કુવાડવાથી આગળના મેસવડા ગામના વતની યુવાનની મેસવડા ગામે આવેલી ખેતીની જમીનમાં એક શખ્‍સે જેસીબી સાથે ઘુસી જઇ ઝાડવા ઉખેડી નાંખતા આ યુવાનને જાણ થતાં તેણે પોતાના મોટા ભાઇ, કાકાના દિકરા સહિતની સાથે પોતાની જમીન ખાતે પહોંચી જેસીબી બંધ કરવાનું કહેતાં એ શખ્‍સે તમે અહિથી બહાર નીકળો, થાય તે કરી લ્‍યો, જેસીબી બંધ નહિ થાય, મારો ભાઇ પીએસઆઇ છે ખોટા ગુનામાં ફીટ કરાવી દઇશ કહી ધમકી આપતાં અને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં એરપોર્ટ પોલીસે ભાવનગર રોડ પર ગંજીવાડા-૪૬માં રહેતાં અને છુટક કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં મુળ રાજકોટના મેસવડા ગામના હકાભાઇ માણસુરભાઇ પરમાર (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી કેશુ જેસીંગભાઇ આહિર વિરૂધ્‍ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

હકાભાઇ પરમારે જણાવ્‍યું છે કે હું પાંચ વર્ષથી રાજકોટ રહુ છું, મારુ મુળ ગામ મેસવડા છે. મારા પિતા માણસુરભાઇનું કોરોના સમયમાં અવસાન થયું છે. મારા માતા ધનીબેન પણ હયાત નથી. અમે છ ભાઇ, બહેન છીએ. ગત ૧૫/૪ના રોજ સવારે સાડા અગિયારેક વાગ્‍યે હું મારા કમ પર રામપીર ચોકડીની બાજુમાં હતો ત્‍યારે કાકાના દિકરા દિપક દાનાભાઇ પરમારે ફોન કરી કહ્યું હતું કે-તમારી વાડીમાં જેસીબી ચાલે છે. જેથી મેં મારા મોટા ભાઇ દેવાભાઇ પરમારને કહેતાં અમે બંને મેસવડા ગામે આવેલી અમારી વાડીએ પહોંચ્‍યા હતાં. ત્‍યાં જઇને જોતાં જેસીબી ચાલતુ હતું અને વાડીના ઝાડવા પાડી નાખવામાં આવ્‍યા હતાં. તેમજ જમીનમાં પાળો ચડાવી દેવાયો હતો.

અહિ એક શખ્‍સ બેઠેલો હોઇ તેને મશીન બંધ કરવાનું કહેતાં તેણે અમને તમે કોણ છો? તેમ પુછતાં મારા ભાઇએ આ જમીન અમે ખેડીએ છીએ, અમે મેસવડાના રહેવાસી છીએ, તમે અમારી અનુસુચિત જાતીના લોકોની જમીન કેમ પડાવો છો, બીજા લોકોની જમીન પડાવવા જાવ ને...તેમ કહેતાં આ શખ્‍સે જેસીબી બંધ કરવું નથી તમારે જે કરવું હોય તે કરી લ્‍યો કહી ધમકી આપી હતી. તેમજ અમને બંને ભાઇઓને અત્‍યારે જ વાડીમાંથી નીકળી જાવ, મારો ભાઇ પીએસઆઇ છે તમને ખોટા ગુનામાં ફીટ કરી દેશે તેમ કહેતાં મારા કાકાનો દિકરો દિપક પણ આવી ગયો હોઇ તે જેસીબીના ફોટા પાડતો હોઇ તેને આ શખ્‍સે  તને બહુ હવા લાગે છે? કહી ધમકી આપી અમને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યા હતાં.

આ પછી મારા કાકાના દિકરાએ ૧૦૦ નંબરમાં ફોન કરતાં અમને એરપોર્ટ પોલીસ સ્‍ટેશને જવા કહેવાયું હતું. ત્‍યારબાદ એરપોર્ટ પોલીસ અમારી વાડીએ આવી હતી અને જેસીબી બંધ કરાવ્‍યું હતું. જેસીબી સાથે આવેલા ભાઇએ મને પાંચેક દિવસ પહેલા ફોન કરેલો અને ત્‍યારે પોતાનું નામ કેશુ જેસીંગ આહિર કહ્યું હતું. આ શખ્‍સ જ વાડીએ જેસીબી લઇને આવ્‍યો હતો. અમને અમારી જ વાડીમાંથી બહાર કાઢી અપમાનીત કરી ખોટા કેસમાં ફીટ કરીદેવા ધમકી આપી હતી. જેથી અમારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં હકાભાઇ પરમારે કહેતાં એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. એસ. જાડેજાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:07 PM IST)