News of Tuesday, 15th April 2025
ગોહિલવાડની ગોદમાં પ્રગટેલું બાલાજીનું સ્વયંભૂધામ ‘શ્રી ભૂરખિયા હનુમાન મંદિર'

આજથી આશરે ૪૩૮ વર્ષો પહેલાની આ વાત છે. ચાર સદીઓ પહેલા સૌરાષ્ટ્રના પ્રાચીન રજવાડા ગોહિલવાડની પાવન ધરા પર ઘટવા પામેલી હનુમાનજીના પ્રાગટ્યની આ એક વાસ્તવિક સત્ય ઘટના છે.
૧૬મી સદીમાં ‘ગોહિલોની ભૂમિ' તરીકે પ્રખ્યાત થયેલા ગોહિલવાડ એટ્લે કે આજના ભાવનગર અને અમરેલીની આસપાસના વિસ્તારમાં ભાવનગરની સ્થાપના ત્યાંના રાજવી મહારાજા શ્રી ભાવસિંહજી ગોહિલે હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવત પ્રમાણે વર્ષ ૧૬૪૬માં કરી તેના બરાબર ચારેક વર્ષ પહેલા એટ્લે કે વિક્રમ સંવતની સાલ ૧૬૪૨ની આ વાત છે. આ સમયગાળા દરમ્યાન ગોહિલવાડમાં શ્રી દામોદરદાસજી નામના એક પ્રખ્યાત સંત થઈ ગયા કે જેઓ ત્યાંના ખુબજ પ્રસિદ્ધ મહંત શ્રી રઘુવીરદાસજીના ખાસ શિષ્ય હતા. મહંત રઘુવીરદાસજી એક મહાન સિદ્ધ પુરુષ અને પ્રભાવશાળી સંત હતા કે જેઓ એક સંત કે મહંત કરતા શ્રીરામાનંદજી સંપ્રદાયના સુપ્રસિદ્ધ મહાત્મા તરીકે વધારે પ્રચલિત હતા. આવા સિદ્ધ સંત શ્રીરઘુવીરદાસજીના સૌથી પ્રિય શિષ્ય એવા શ્રી દામોદરદાસજી રામકથાઓનું વાંચન કરતા અને રામાયણના પઠણ વખતે થીડી થોડી વારે કથાને વિરામ આપીને વચ્ચે વચ્ચે જીવન ઉપયોગી જ્ઞાનવર્ધક ઉપદેશો પણ આપતા જેના કારણે તેઓ કથા શ્રાવિકોમાં ખૂબ જ લોકપ્રિય થયેલા. દામોદરદાસજી ખાસ કરીને તુલસીદાસજી કૃત રામાયણ ના રસપ્રદ વાંચન અને તેમના સંમમોહક વક્તૃત્વ માટે ખુબજ જાણીતા થયેલા. તેઓ કથા, કીર્તન અને ભક્તો સાથે સત્સંગ કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાની ધાર્મિક યાત્રાઓ કરતા.
રામાયણની કથા વાંચનના આવાજ એક શુભ પ્રસંગે તેઓ સૌરાષ્ટ્ર ના સીમાડા પર આવેલા વીરમગામ ખાતે ગયેલા કે જયાં ગામની ભાગોળે ગોલવાડ દરવાજાની બહારના મેદાનમાં તેમના ગુરુ અને અયોધ્યાના સિદ્ધ સંત શ્રીરઘુવીરદાસજી તેમની જમાતના ત્રણસો જેટલા ખાખી સાધુઓ સાથે ઊતરેલા. તેઓ બધા નિશાન, ડંકા, છતર, છડી અને ચમર જેવા રાજવી ઠાઠો ધરાવતા હતા. તેમની સાથે લશ્કર જેવો કાફલો હતો કે જેમાં ૨૫ ઉંટો, ૧૦ ઘોડાઓ અને જાતવંત ઊંચી જાતના ઘોડાઓની પાયગા જેવી રિહાસતો સામેલ હતી. તેમણે વિરમગામની સરહદ પર ડેરા, તંબુ, સમિયાણા અને રાવટીઓ નાખીને લશ્કર જેવી છાવણીઓ ઊભી કરી દીધી હતી. સંધ્યા સમયે રામકથાનું વાંચન પૂરું કરીને શ્રોતાઓને જ્ઞાનવર્ધક ઉપદેશો આપી તેમની સાથે કથા કીર્તન અને સત્સંગ કર્યા બાદ મહાત્મા દામોદરદાસજી આરામ કરવા માટે પોતાની સ્વતંત્ર રાવટીમાં ગયા અને હનુમાનજીનું સ્મરણ કરતાં રામ નામના જાપ સાથે ગાઢ નિંદ્રામાં પોઢી ગયા. રાત્રે નિંદ્રાધીન અવસ્થામાં તેમને એક અદભૂત સ્વપ્ન આવ્યું.
સ્વપ્નમાં તેમને કસ્ટભંજન દેવ શ્રીહનુમાનજીએ સાક્ષાત દર્શન આપીને એક એવો સંદેશ પાઠવ્યો કે તેઓ સભાડ ગામ કે જે આજે દામનગર તરીકે ઓળખાય છે તેની અને રાજવી ગામ લાઠી વચ્ચેના વિસ્તારમાં ફેલાયેલા ગાઢ જંગલમાં આવેલી એક નાની ટેકરી પર બબુલના ઝાડના ઝૂમખામાંથી ચૈત્ર મહિનાની પૂર્ણિમાંની મધ્યરાત્રિએ પ્રગટ થશે. સંત શ્રીદામોદરદાસજીને સ્વપ્નમાં આવો આદેશ આપીને હનુમાનજી અંતર્ધ્યાન થઈ ગયા. સ્વપ્નમાં સાક્ષાત બાલાજીના દર્શન કરીને તેમનો આદેશ પામીને દામોદરદાસજી સફાળા બેઠા થઈ ગયા અને તેમની પથારીમાંજ ધ્યાન મુદ્રામાં બેસીને હનુમાનજીનું સ્મરણ કરતાં રામનું નામ જપવા લાગ્યા.
પરોઢિયે સૂર્યોદય થતાની સાથેજ તેઓ પોતાના ગુરુ અને અયોધ્યા ના સિદ્ધ સંત શ્રીરઘુવીરદાસજી મહારાજ પાસે ગયા અને સ્વપ્નમાં તેમને હનુમાનજીના થયેલા સાક્ષાતકાર અને કસ્ટભંજનદેવે આપેલા આદેશની આખી વાત વિગતવાર સંભળાવી અને ત્યાં હાજર રહેલા સમગ્ર સંત સમાજ સમક્ષ જમાતમાંથી છૂટા થવા માટે ગુરુદેવની આજ્ઞા માંગી.
જયાં ઈશ્વરનો સાક્ષાતકાર કરવામાં આખો જન્મારો નીકળી જાય છે છતાંપણ તેમના દર્શન થતા નથી ત્યાં અહિયાં તો સ્વયં કસ્ટભંજનદેવ પોતે તેમણે નિર્ધારિત કરેલા સમયે અને ચિંધાડેલી જગ્યાએ પ્રગટ થવાના હતા. જેમણે સ્વપ્નમાં પણ ક્યારેય હનુમાનજીને જોયા નહોય તેઓને નરી આંખે શ્રીહનુમાનજીનું પ્રાગટ્ય જોવાનો અવસર પ્રાપ્ત થાય તેને કોણ ચૂકે.
સંત શ્રીદામોદરદાસજીના ગુરુ મહંત શ્રીરઘુવીરદાસજીએ કોઈપણ પ્રકારની શર્ત, આજ્ઞા કે આદેશ વગર તેમને જમાતમાંથી છૂટા કર્યા અને તેઓ પણ શ્રીકસ્ટભંજનદેવનો પ્રાગટ્ય પોતાની સગી આંખે જોવા માટે તેમની અનુકૂળતા મુજબ પોતાના કાફલા સાથે તેમની પાછળ ગયા. સંત શ્રીદામોદરદાસજી પગપાળા ચાલીને કસ્ટભંજનદેવે સ્વપ્નમાં ચિંધાડેલી જગ્યા તરફ જવા માટે પ્રયાણ કરવા લાગ્યા. પ્રવાસ દરમ્યાન તેઓ જયાં રાત્રી પડે તે ગામના ચોક, ચોરાહા કે પાદરમાં રાતવાસો કરીને પ્રાતઃ કાળ થતાજ રોજનું નિત્યકર્મ તેમજ સેવા પુજાનું કાર્ય પતાવીને ફરી ચાલવા લાગતા. આમ કેટલાયે દિવસોના પ્રવાસ પછી ચાલતા ચાલતા તેઓ ત્યારના વર્ધમાનપુરી અને આજના વઢવાણ શહેર પાસે આવી પહોંચ્યા અને ગામના ચોરાહા પર આવેલા રામજી મંદિરમાં ભજન કીર્તન અને સત્સંગ કરીને તેમણે ત્યાં રાતવાસો કર્યો.
બીજા દિવસની સવારે રામજી મંદિરમાં એક મહંત પાસેથી સભાડ એટ્લે કે આજનું દામનગર અને લાઠી પહોંચવાની માહિતી મેળવીને તેમણે ફરી પોતાનો પ્રવાસ શરૂ કર્યો અને રસ્તામાં આવતા લીંબડા, પીપળા, આંકડા, વડલા, આવળા અને અન્ય વૃક્ષોની ઘનઘોર ગીચ ઘાટીઓ અને ઝાડીઓમાંથી પસાર થઈને તેઓ હનુમાનજીએ ચિંધાડેલી મોટા બાવાળોવાળી બબુલના ઝાડવાળી ટેકરી પાસે ચૈત્ર માસના બેસતા સુધીમાં આવી પહોંચ્યા. અહિયાં આવીને તેમણે હનુમાનજીએ સ્વપ્નમાં ચિંધાડેલી જગ્યા એજ હોવાની ખાત્રી કરી લીધી અને પછી તેમણે તે ટેકરી પર ચડીને જોયું તો ત્યાંથી નજીકમાં મેથળી નામનું સુંદર મજાનું ગામ દેખાયું. ચૈત્ર માસની પુનમ સુધી મેથળી ગામમાં રોકવાનું નક્કી કરીને તેઓ મેથળી ગામ પહોંચ્યા અને ગામના ચોરા પાસે તેમણે નિવાસ કર્યો.
સંત શ્રીદામોદરદાસજીએ મેથળી ગામના લોકોને રામકથાનું રસપાન કરાવી તેમને જીવન ઉપયોગી ઉપદેશો આપ્યા તેમજ કથા, કીર્તન, ભજન અને રામધૂન કરતાં ગામલોકો, ભાવિકો, ભક્તો અને શ્રધ્ધાળુઓને તેમણે શ્રીકસ્ટભંજનદેવના પ્રાગટ્ય વિષેની પોતાના સ્વપ્નની આખી વાત કહી.
આ આખી વાત વાયુવેગે પ્રસરી ગઈ અને સભાડ, ભીંગરાડ, આસોદર, રસનાળ અને લાઠીની આજુ બાજુના ગામોમાં રહેતા ગામલોકો, ખેતમજૂરો, દાળિયાઓ, દુકાનદારો, વેપારીઓ, ચારણો, મોટા લાખેણાના રાજવી લાખજીરાજ મોટા અને અન્ય સૌ કોઈ સંત શ્રીદામોદરદાસજીની મુલાકાતે આવવા લાગ્યા. બધાજ લોકો શ્રીદામોદરદાસજી સાથે જઈને શ્રીકસ્ટભંજનદેવનું પ્રાગટ્ય નરી આંખે જોવા માટે આતુર હતા.
સમય જતાં વાર ના લાગી અને ચૈત્ર માસની પુર્ણિમાંનો એ શુભ દિવસ આખરે આવી પહોંચ્યો. વિવિધ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓથી ઘેરાયેલા આ ઘનઘોર ગીચ જંગલમાં કે જયાં ગાયો ચરાવનારા ગ્વાલા તેમજ રખડતો ભટકતો વટેમાર્ગુ સિવાય ક્વચિતજ કોઈ જોવા મળતું હતુ ત્યાં આજે માનવ મહેરામણ હિલોરા લેતું હતું અને લોકોની ચિક્કાર મેદની એકઠી થઈ ગઈ હતી. આમ એક સમયનું ઉજ્જડ અરણ્ય આજે માનવ સમુદાયના પ્રભાવથી જીવંત બનીને ભજન, કીર્તન અને ભક્તિના રંગોથી રંગાઈને આનંદની હેલીમાં તરબોળ થયું હતું.
ચૈત્ર માસની પુર્ણિમાનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલીને સોળે કળાઓમાંથી પોતાનો તેજોમય પ્રકાશ રેલીને રાત્રીના ઘોર અંધકારને ચીરી રહ્યો હતો. આમ આખા જંગલનું વાતાવરણ મંગલમય બન્યું હતું. શ્રીદામોદરદાસજી શ્રીકસ્ટભંજનદેવનું સ્મરણ કરીને રામનામની ધૂન બોલી રહયા હતા અને ત્યાં હાજર રહેલા લોકો તેમના સૂરમાં સૂર પુરાવીને રામની ભક્તિમાં રંગાઈને રામનામની ધૂનમાં આમથી તેમ ડોલી રહ્યા હતા.
આખરે હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવત ૧૬૪૨ના ચૈત્ર માસની પૂર્ણિમાંની મધ્ય રાત્રીએ હજારો ભક્તો, ભાવિકો, શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની હાજરીમાં બબુલના વૃક્ષોવાળી ટેકરી પર એક વિશાળ વીજળી ચમકી અને એક એવો વિસ્ફોટ થયો કે તેનાથી આખી ટેકરી વિધ્વંશ થઈને જમીનદોસ્ત થઈ ગઈ. ટેકરી પરના બાવળીયા અને અન્ય ઝાડી ઝાંખરાં તથા નાના મોટા વૃક્ષો મૂળમાંથી ઊખડીને હવામાં દૂર સુધી ફાંગોળાયા. માટીની ડમરીઓ એવી ઊડી જાણે કે આંધી આવી હોય. ત્યાં હાજર તમામ લોકોમાં નાસભાગ અને ભાગદોડ મચી ગઈ પરંતુ થોડીજ વારમાં બધુજ થાળે પડી ગયું. ધૂળની ડમરીઓ શાંત થઈ ગઇ અને પળવારમાંજ જયાં એક નાના પર્વત જેવો દેખાતો ટેકરો હતો ત્યાંની જમીન સમતળ થઈ ગઈ. ચંદ્રમાંનો અજવાસ ઓછો હોય તેમ ફાનસો, મશાલો અને પ્રગટાવેલા દિવડાઓના અજવાળે એક ઊંચા ઓટલા પર જમીનમાંથી દિવ્ય પ્રભા મંડળ વચ્ચે સિંદૂરથી ચોળાયેલા હોય તેમ સિંદુરથી તરબોળ હનુમાનજીએ પ્રગટ થઈને ત્યાં હાજર રહેલા તમામ લોકોને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો.
સંત શ્રીદામોદરદાસજી અને અન્ય લોકોએ હનુમાનજીના આ દિવ્ય સ્વરૂપને સસ્તાંગ પ્રણામ કરીને પાંચ નદીઓના જળથી સ્નાન કરાવ્યા બાદ તેમને આકડાના ફૂલોની માળા પહેરાવી અને ત્યારબાદ ભક્તો, ભાવિકો અને શ્રદ્ધાળુઓએ દિવસો સુધી દાદાને સમર્પિત પ્રાર્થનાઓ, આરતીઓ, ધાર્મિક વિધિઓ અને પૂજાઓ કર્યેજ રાખી.
સંત શ્રીદામોદરદાસજીએ હનુમાનદાદાનું આ પ્રાગટ્ય ‘ભૂ' એટ્લે કે જમીનમાંથી સ્વયંભૂજ ઊત્પન થયેલુ તેને ભૂ નું રખોપું કરનાર એટ્લે કે ‘ભુરખિયાદેવ' એવું પવિત્ર નામ આપ્યું જે આસપાસની ભૂમિ એટ્લે કે ‘ભુ' અને તેના લોકોનું રક્ષણ કરી બધાને સમૃદ્ધિ અપાવશે. સમય જતાં ‘ભૂરાખિયા દેવ' લોકપ્રિય થઈને ‘ભુરાખિયા દાદા' બની ગયા અને ત્યારબાદ ભુરાખિયા હનુમાને થઈને જગતભરમાં પ્રખ્યાત થઈ ગયા.
રામભક્ત શ્રીહનુમાનજીના ભુરાખિયા હનુમાનેના રૂપમાં થયેલા પ્રાગટ્યની વાતો ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામો અને શહેરોની હદો વટાવીને ગુજરાતની બહાર આખા રાષ્ટ્રમાં ફરી વળી અને વખત જતા દાદાના પરચાઓ દેશના સિમડાઓ ટપાડીને વિશ્વભરમાં ફેલાઈ ગયા.
અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા એવા હનુમાનજી ભુરાખિયા હનુમાને ના રૂપમાં માત્ર જમીનનુજ રખોપું કે રક્ષણ નથી કરતાં પરંતુ તેઓ તેમના દર્શને આવનારા ભક્તોને બળ, બુદ્ધિ, વિધા, ધન, નોકરી, વેપાર, પુત્ર, ખાનદાની જમાઈ કે સંસ્કારી પુત્રવધૂ વિગેરે જેને જે જોઈએ તેવું તેમની ઈચ્છા મુજબનું બધુજ આપે છે. અહિયાં જે કોઈપણ વ્યક્તિ જે કાર્ય માટે માનતા કરે કે બાધા આખડી રાખે તેના ધારેલા તમામ કાર્યો સિદ્ધ થાય છે.
આજે ‘ભુરાખિયા હનુમાન'ના પ્રગટ થયાના ચારસો વર્ષ પછી દેશ વિદેશમાં તેમના લાખો ભક્તો, ભાવિકો અને શ્રદ્ધાળુઓ છે જેઓ તેમને અનુસરે છે, નિયમિત પ્રાર્થના કરે છે અને તેમના આશીર્વાદ પણ મેળવે છે
ચારસો વર્ષો પહેલા ‘ભુરાખિયા હનુમાન'ની જયાં એક નાની ડેરી હતી ત્યાં સમય જતાં એક નાનું મંદિર બનેલું જયાં આજે એક ખુબજ મોટું મંદિર એક વિશાળકાય સંકુલમાં આકાર લઈ ચૂક્યું છે.
‘ભુરાખિયા હનુમાન મંદિર'ની વિશાળ સંકૂલમાં સંકુલની બરાબર મધ્યમાં ‘ભુરાખિયા દાદા'નું ખુબજ મોટું મંદિર છે. મંદિરના પરિસરમાં પ્રવેશતાજ જમણી બાજુએ શ્રીસદગુરુ મહારાજ એટ્લે કે સંત શ્રીદામોદરદાસજીની જગ્યા છે જેમણે સૌપ્રથમ શ્રી ભૂરખિયા દાદાની પુજા અર્ચના કરી હતી અને જેમને હનુમાનજીએ સ્વપ્નમાં આવીને દર્શન આપી પોતાના સ્વયંભૂ પ્રાગટ્ય વિષેની આ જગ્યા વિષેની માહિતી પણ આપી હતી. સદગુરુની ચરણ પાદુકા ભક્તોના દર્શન માટે તેમના ફોટા પાસેજ રાખવામા આવેલી છે જેને સ્પર્શ કરીને ભક્તગણ ધન્યતા અનુભવે છે.
મંદિરમાં એક બાજુએ શ્રી હનુમાનજીના સ્વામિ પ્રભુ શ્રીરામનો રામ દરબાર વસેલો છે તો બીજી બાજુએ હનુમાનજી જેનો ૧૧મો રૂદ્ર અવતાર છે તેવા દેવોના દેવ મહાદેવનું શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. જેમના દર્શનનો લાભ અચૂકપણે લેવો અનિવાર્ય છે.
ભુરાખિયા હનુમાનની પ્રભાતની આરતીનો સમય સવારે ૫ વાગ્યાનો છે તેમજ સંધ્યા આરતીનો સમય શિયાળામાં સાંજના ૬.૩૦ વાગ્યે, ચોમાસામાં સાંજના ૭ વાગ્યે તેમજ ઉનાળામાં સાંજના ૭.૩૦ વાગ્યાનો છે. ભુરાખિયા હનુમાન દાદાની લાઈવ આરતી, દર્શન તેમજ તેમના મંદિરની તમામ પ્રકારની વિગતો અને માહિતીઓ તેમની ઓફિસિયલ વેબસાઇટ https://bhurakhiyatemple.org/ પર ઉપલબ્ધ છે.
મંદિરના સંકુલમાં યાત્રિકો માટે રોકાણ માટેની ઉતમ વ્યવસ્થા છે. મંદિરના યાત્રિક નિવાસમાં ૨૬ એ.સી. રૂમો અને ૨૧ નોન એ.સી. રૂમો સહિત કુલ ૪૭ રૂમો આવેલા છે જેમાં ભક્તો નિશુલ્ક થી નજીવા દરે રોકાણ કરી શકે છે. આ ઉપરાંત મંદિરમાં ૧ સત્સંગ હોલ અને ૭ ભોજનાલયો પણ આવેલા છે.
મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા અહીંયા યાત્રીકોના રહેવા જમવા સહિતની તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મંદિર ના સંકુલમાં આવેલા ચાના પરબ પર ભક્તો નિશુલ્ક ચાનો પ્રસાદ ગમે ત્યારે ગ્રહણ કરી શકે છે તેમજ દરરોજ બપોરના ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં અને સાંજના સંધ્યા આરતી પછી ભક્તોને વિવિધ વાનગીઓ સભર ભરપેટ ભોજનરૂપી પ્રસાદ મંદિરના પ્રસાદ કક્ષમાં પીરસવામાં આવે છે.
વર્ષોથી પ્રચલિત થયેલી લોકવાયકા અનુસાર કવિ પીંગળશી ગઢવીને અહીંયા આ મંદિરનો પરચો થયો હતો અને જે તે સમયે જયાં ઘનઘોર ગીચ જંગલ હતું ત્યાં હવે આખુ ગામ વિકસી ગયું છે .
ભુરાખિયા હનુમાન મંદિરમાં રોજના હજારો ભક્તો, ભાવિકો અને શ્રધ્ધાળુઓ નિયમિતપણે મંદિરની મુલાકાત લે છે અને ખાસ કરીને શનિવાર, મંગળવાર તેમજ રામનવમી અને હનુમાન જયંતિના તહેવારો પર અહિયાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ રહે છે.શ્રી ભૂરખિયા હનુમાનજી ચૈત્રી પુનમના દિવસે અહીં પ્રગટ થયેલા હોય એ દિવસનું અહિયાં ખુબજ મહત્વ છે. આ દિવસે અહિયાં ખુબજ મોટો મેળો ભરાય છે જેમાં સામેલ થવા હનુમાનજીના ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી આવે છે.
અહિયાં ચૈત્રી પૂર્ણિમાંના દિવસે હનુમાનજીએ અયોધ્યાની જમાતને સાક્ષાત દર્શન આપ્યા હતા તેથી ભુરખીયા હનુમાનજીના મંદિરે બ્રાહ્મણોની ચોર્યાસી કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ભુરખિયા હનુમાન અભિનેત્રી આશા પારેખના કુળદેવ હોવાથી તેઓ પણ અહિયાં સાક્ષાત બિરાજેલા ભૂરખિયા હનુમાનના દર્શન કરવા માટે નિયમિતપણે આવે છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખીયા ગામે આવેલું આશરે ૪૩૮ વર્ષ જૂનું પ્રાચીન અને ખુબજ પ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજીનું તીર્થ ધામ ઘણી રીતે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે જે અમરેલીથી ૩૦ કી. મી,ભાવનગરથી ૮૦ કી.મી. અને લાઠીથી ૧૦ કી.મી. ના અંતરે આવેલું છે
ભૂરખિયા હનુમાન પહોંચવા માટે નજીકનું હવાઈ મથક ભાવનગર એરપોર્ટ છે જે મંદિરથી ૮૬ કિલો મીટરના અંતરે આવેલું છે. મંદિરથી નજીકનું રેલ્વે સ્ટેશન ઢસા જંકશન છે જે મંદિરથી ૧૬ કીલોમીટરના અંતરે આવેલું છે તેમજ નજીકનું બસ સ્ટોપ દામનગર બસ સ્ટેન્ડ છે જે મંદિરથી માત્ર ૬ કિ.મી.ના અંતરે આવેલું છે...
જય શ્રી રામ....જય ભૂરખિયા હનુમાન
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી, રાજકોટ

(3:47 PM IST)










