News of Wednesday, 9th April 2025
નાયબ મામલતદારોની માંગણી-મંજૂરી વગર જીલ્લા ફેર બદલીના થયેલ હુકમો તાકિદે રદ્દ કરોઃ ૧૦ દિવસનો સમયઃ નહીં તો આંદોલન
કલેકટરને આવેદન પાઠવતા રાજકોટ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલા પ્રવરતા યાદી, ફેર બદલીની પેન્ડીંગ રજૂઆતો-પ્રમોશન સહિતના મુદાઓ અંગે વિસ્તૃત રજૂઆત નિવેડો નહીં આવે તો ૧૦ દિવસ બાદ કાળી પટ્ટી-માસ સીએલ-હડતાલની ચેતવણી

રાજકોટ તા. ૯: રાજકોટ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી મહેસુલી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હું કે મહેસૂલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે હકારાત્મક નિવારણ લાવવા મહામંડળ દ્વારા સરકાર કક્ષાએ સતત રજુઆત કરવામાં આવે છે, અને સંદર્ભ-૧ અને ર ની રજૂઆતથી આ બાબતે સરકારનું ધ્યાન પણ દોરેલ હતું. તેમ છતાં સરકાર કક્ષાએ મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય થયેલ નથી. જેથી મહેસુલી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા આજરોજ આપ મારફતે આ આવેદન પત્ર આપીએ છીએ.
(૧) નાયબ મામલતદાર સંવર્ગની પ્રવરતાવાદી છેલ્લા ૮ વર્ષથી વધારે સમયથી બનેલ નથી. વિભાગના પરિપત્ર નં. એસએનઆર. ૧૦ર૦૧૬-૩૬ર૧-ડી.૧, તા. ૧૬/૦૬/ર૦૧૭ થી પ્રસિધ્ધ કરેલ પ્રવરતાયાદીમાં જે તે સમયે રહેલ ક્ષતિઓના કારણે તેમજ આ કામે રજુ થયેલ વાંધાઓની સુનાવણી અને નિર્ણય થયેલ ન હોય. વિભાગ કક્ષાએ જરૂરી સુધારો કરી નવેસરથી યાદી બનાવવી જરૂરી છે.
(ર) રાજયમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો. તેમજ હવે પછી રજુ થતી જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પધ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે.
(૩) કારકુનથી નાયબ મામલતદારશ્રીના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન આપવામાં આવે અને ર૦૧પમાં નિમણુંક પામેલ તમામ કારકુનોને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા વિનંતી છે.
(૪) હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે. તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ના કરવા વિનંતી છે.
આમ, અગાઉ વિવિધ મુદ્દાઓની માંગણી માટે ગુજરાત મહેસુલી મહામંડળ દ્વારા તા. ૧૭/૧ર/ર૦ર૪ના રોજ અધિક મુખ્ય સચિવશ્રી, મહેસુલ વિભાગને આવેદનપત્ર આપવામાં આવેલ. ત્યારબાદ મહેસુલ વિભાગમાં રૂબરૂ મુલાકાત કરીને પણ રજુઆત કરવામાં આવેલ તેમ છતાં રજુઆત કરેલ મુદ્દાઓનો હકારાત્મક નિકાલ કરવાની જગ્યાએ કેટલાક નાયબ મામલતદારશ્રીઓની માંગણી કે મંજુરી વગર ફરજના જીલ્લામાંથી અન્ય દુરના જીલ્લાઓમાં બદલી કરવા અંગે હુકમ કરેલ છે, આ હુકમના કારણે આ કર્મચારીઓના સામાજીક તેમજ પારિવારીક જીવન પર વિપરીત અસર થાય તેમ છે તથા મહિલા કર્મચારીઓને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. જેના કારણે તમામ મહેસુલી કર્મચારીઓમાં નારાજગી વ્યાપેલ હોય આજરોજ ઉપરોકત મુદ્દાઓ પરત્વે આપ આવેદન આપી ઉપરોકત મુદ્દાઓનો દિન-૧૦ માં હકારાત્મક નિકાલ કરવા માંગણી કરીએ છીએ. જેથી ઉકત મુદ્દાઓ પરત્વે સરકાર દ્વારા દિન-૧૦ માં હકારાત્મક નિકાલ કરવામાં નહીં આવે તો જિલ્લામાં મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી. માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવશે.
(3:22 PM IST)










