News of Wednesday, 2nd April 2025
ગિરનાર સિનેમા નજીક ખાંચામાં બુટલેગર મુન્નાએ ખડકી દીધેલી ઓરડીઓ પ્ર.નગર પોલીસે તોડી પાડી
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇ, પીઆઇ વી.આર. વસાવાની હાજરીમાં કાર્યવાહીઃ બંને ઓરડીઓ ભાડે આપી દીધી હતી, તેમાં વિજ કનેક્શન પણ ગેરકાયદેસર હતું

રાજકોટઃ પ્રદ્યુમનનગર પોલીસે વધુ એક અસામાજીક તત્વના મકાન પર બુલડોઝર ફેરવી દીધુ છે. કાર્યવાહીના ભાગ રૂપે ગિરનાર સિનેમા નજીક આવેલી બૂટલેગરની બે ઓરડીઓ ઉપર બૂલડોઝર ફેરવી દીધું હતું. તેમજ આ ઓરડીમાં લગાડેલા ગેરકાયદે વીજ કનેકશનો પણ કપાવી નાખ્યા હતાં. ગળહ વિભાગ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનાં આદેશો છૂટતાં રાજકોટમાં પણ તેની અમલવારી થઇ રહી છે. જેના ભાગરૂપે આ અગાઉ જંગલેશ્વર, જામનગર રોડ પરના હુડકો ક્વાર્ટર અને ગાંધીગ્રામ નાણાવટી ચોક નજીક આવેલા નામચીન શખ્સોનાં મકાન અને ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતાં. પ્ર.નગર પોલીસે બૂટલેગર નાઝીર ઉર્ફે મુન્નો ઠાસરિયાની ગિરનાર સિનેમાના ખાંચામાં આવેલી બે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. આ વખતે ઝોન-૨ના ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇ અને પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવા સહિતનો પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો. મ્યુ. કોર્પોરેશન અને પીજીવીસીએલની ટીમ પણ સામેલ હતી. પીઆઈ વી. આર. વસાવાએ જણાવ્યું હતું કે નાઝીર ઉર્ફે મુન્ના સામે દારૂ સહિતના અડધો ડઝન ગુના નોંધાયા છે. તેણે બે ગેરકાયદે ઓરડી બનાવી તેને ભાડે આપી દીધાની માહિતી મળી હતી. જેના આધારે આ ઓરડીઓ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. બંને ઓરડીઓમાં ગેરકાયદે વીજ કનેકશન પણ હતા. જે પીજીવીસીએલની ટીમોએ કાપી નાખ્યા હતાં.
(3:24 PM IST)










