<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ચાલુ ટ્રેનમાંથી ફેંકાયેલી પાણી ભરેલી બોટલ છાતીમાં લાગતાં ૧૪ વર્ષના બાળકનું મોત

શાપર વેરાવળમાં વિચીત્ર ઘટનાઃ મૃતકની સાથે રમી રહેલા બાળકોએ કહ્યું-પહેલા ડબ્‍બામાંથી પ્‍લાસ્‍ટીકની બોટલનો ઘા આવ્‍યો હતો : ધોરણ-૫માં ભણતો બાદલ ઇદની રજા હોઇ મિત્રો સાથે રમવા ગયો ત્‍યારે બનાવઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ બાવીસ વર્ષથી શાપર સર્વોદયમાં રહેતાં મુળ એમપીના દંપતિએ એકનો એક પુત્ર ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૧: જીલ્લાના શાપર વેરાવળમાં એક વિચીત્ર અને ચોંકાવનારી ઘટના બની છે. જેમાં વેરાવળ રેલ્‍વેના પાટા પાસે બે મિત્રો સાથે રમી રહેલા ધોરણ-૫માં ભણતાં ચોૈદ વર્ષના બાળક પર ચાલુ ટ્રેનમાંથી કોઇએ પાણી ભરેલી પ્‍લાસ્‍ટીકની બોટલ ફેંકતા આ બાળકને છાતીમાં બોટલ લાગતાં તે ઘટના સ્‍થળે જ ઢળી પડયો હતો  અને તેનું મોત થયું હતું. આ બનાવને પગલે એકનો એક લાડકવાયો ગુમાવનારા મુળ મધ્‍યપ્રદેશના દંપતિમાં કલ્‍પાંત સર્જાયો છે. આવુ કૃત્‍ય કરનારા જવાબદારને શોધી કાઢી ન્‍યાય અપાવવા માંગણી કરવામાં આવી છે. પોલીસે મૃતદેહેને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર શાપર વેરાવળના શાંતિધામમાં રહેતો બાદલ સંતોષભાઇ સિંગ (ઉ.વ.૧૪) ગઇકાલે બપોરે ત્રણેક વાગ્‍યે વેરાવળના રેલ્‍વેના પાટા નજીક બેભાન થઇ ઢળી પડયાની જાણ તેની સાથે રમવા ગયેલા બાળકો મારફત થતાં બાદલના પિતા સંતોષભાઇ ધનસહાય સિંગ, માતા ભાગ્‍યવતી સહિતના પરિવારજનો દોડી ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં તેના તબિબે આ બાળકને મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં શાપર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃતક બાદલના પિતા સંતોષ સિંગે કહ્યું હતું કે મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જેમાં દિકરો બાદલ મોટો હતો અને શાંતિધામમાં જ આવેલી જયશ્રી વિદ્યાલયમાં ધોરણ-૫માં ભણતો હતો. અમે મુળ મધ્‍યપ્રદેશના વતની છીએ, પણ અહિ બાવીસ વર્ષથી રહીએ છીએ. હું ફેબ્રીકેશનનું કામ કરુ છું. સોમવારે શાળામાં ઇદની રજા હોઇ બાદલ બપોરે બે વાગ્‍યે ઘરેથી નજીકમાં મહાદેવના મંદિર પાસેના બગીચે રમવા, હીંચકા ખાવા જવાનું કહીને બે મિત્રો સાથે નીકળ્‍યો હતો. જો કે ત્‍યાંથી બાદમાં ત્રણેય મિત્રો વેરાવળ રેલ્‍વે લાઇન પાસે રમવા પહોંચી ગયા હતાં. જ્‍યાં બપોરે ત્રણેક વાગ્‍યે મારો દિકરો ગોૈતમ બેભાન થઇ ઢળી પડયો હતો અને મોત થયું હતું.

આ બનાવ કઇ રીતે બન્‍યો? તે અંગે સાથેના મિત્રોને પુછતાં કહ્યું હતું કે ગોંડલ તરફથી રાજકોટ તરફ જઇ રહેલી ટ્રેનના પહેલા ડબ્‍બામાંથી કોઇએ પ્‍લાસ્‍ટીકની પાણી ભરેલી બોટલનો ઘા કર્યો હતો. આ ઘા એટલો જોશથી આવ્‍યો હતો કે બોટલ બાદલની છાતીમાં ભટકાતાં જ બાદલ ગડથોલીયુ ખાઇને પડી ગયો હતો. મારા દિકરાને કોઇએ જાણી જોઇને આ બોટલ ફટકારી દીધી કે કેમ? તેની તપાસ કરવા મારી માંગણી છે. તેમ વધુમાં પિતા સંતોષ સિંગે કહેતાં પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

ટ્રેનમાંથી આ રીતે બોટલ કોણે ફેંકી? બોટલના ઘાથી મોત થયું કે ડરી જતાં હૃદય બેસી જવાથી? તેની તપાસ શાપર પોલીસ કરી રહી છે. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. એકના એક દિકરાના મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૫)

(10:49 AM IST)