<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

શેર બજારના નામે ભરતભાઇ સાથે ૧૨.૪૬ લાખ, ટાસ્‍કના નામે વિવેકભાઇ સાથે ૬.૮૫ લાખની ઠગાઇ

શહેરમાં સાયબર ફ્રોડની ત્રણ ઘટનામાં યુવાનોએ ગુમાવ્‍યા ૨૪.૩૮ લાખ : અમીન માર્ગના રેડીમેઇડ કપડાના વેપારી દિપકભાઇ ગોહેલે યુએસ ડોલર ખરીદવા જતાં ૫.૭ લાખ ગુમાવ્‍યાઃ હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુના દાખલ કરતાં પીઆઇ એસ. ડી. ગીલવાએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: સાયબર ફ્રોડના વધુ ત્રણ બનાવો સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવ્‍યા છે. જેમાં ત્રણ યુવાનો અલગ અલગ રીતે છેતરાયા છે. શેર બજારમાં રોકાણથી સારુ વળતર મેળવવાના બહાને, ટાસ્‍ક પુરા કરી કમાણી કરવાના નામે અને યુએસ ડોલર ખરીદવા જતાં ં ત્રણ યુવાનોએ કુલ ૨૪ લાખ ૩૮ હજાર ગુમાવી દીધા છે.

ઠગાઇના પ્રથમ બનાવની વિગતો એવી છે કે અયોધ્‍યા ચોક સિધ્‍ધી વિનાયક સોસાયટી-૧૦માં રહેતાં અને રાવકી ગામે ફેબ્રીકેશન એલ્‍યુમિનીયમનો વેપાર કરતાં ભરતભાઇ ચનાભાઇ વાઘેલા (ઉ.વ.૨૮) નામના યુવાનને શેર બજારમાં રોકાણ કરવાથી સારી કમાણીની લાલચ આપી રોકાણ કરાવડાવી રૂા. ૧૨,૪૬,૨૦૦ની ઠગાઇ કરવામાં આવી છે.

ભરતભાઇએ જણાવ્‍યું છે કે મેં એક વર્ષ પહેલા એન્‍જલવનમાં ટ્રેડીંગ એકાઉન્‍ટ ખોલાવ્‍યું હતું. ત્‍યાર પછી મને વ્‍હોટ્‍સએપ, ફેસબૂક, ઇન્‍સ્‍ટાગ્રામના અલગ અલગ નંબરો પરથી ફોન આવવાના ચાલુ થયા હતાં અને  સ્‍ટોક માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી ટ્રેડરના નંબર આપ્‍યા હતા. આ પછી એક શખસે ફોન કરી મારુ નામ રાહુલ પટેલ છે અને મારા સંપર્કમાં શેર બજારના સારા ટ્રેડર છે, તમે ઓછા રોકાણ પર વધુ કમાણી કરાવી આપીશ, તમને રસ હોય તો તેના નંબર આપુ કહી બે નંબર આપ્‍યા હતાં.

આ પછી તેના પર ફોન કરતાં અલગ અલગ ટીપ્‍સ આપી એકાઉન્‍ટમાં રોકાણ કર્યા પછી ગમે ત્‍યારે બાય, એક્‍ઝીટ કરી શકાય છે તેવુ જણાવી રોકાણક રવાનું કહેતાં મેં કટકે કટકે રૂ.૧૨,૪૬,૨૦૦ અલગ અલગ બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કર્યા હતા. જો કે રોકાણ બાદ ભરતભાઇએ રોકાણ અને વળતર સહિતની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પણ રકમ ન મળતાં ઠગાઇ થયાની ખબર પડી હતી.

બીજા બનાવની વિગતો એવી છે કે  રૈયારોડ પરના શાંતિનગર-૧ સનસીટી એન્‍કલેવમાં રહેતા અને આઇટી કંપનીમાં નોકરી કરતાં વિવેકભાઇ હરેશભાઇ ચુડાસમા (ઉ.વ.૩૧) નામના યુવાનને પાર્ટ ટાઇમ કામ કરી ટાસ્‍ક પુરા કરી કમાણી કરવાના નામે રોકાણ કરવા લલચાવી રૂા. ૬,૮૫,૦૦૦ની ઠગાઇ કરવામાં આવી છે. વિવેકભાઇએ કહ્યું હતું કે મને એક વર્ષ પહેલા વ્‍હોટ્‍સએપ નંબરથી કોલ આવ્‍યો હતો અને પાર્ટ ટાઇમ કામ કરવાથી રોજ કમાણી કરી શકાય છે તેવુ કહેવાયું હતું. પછી ટેલીગ્રામ યુઝરે કોન્‍ટેક્‍ટ કરી યુ-ટયુબમાંવિડીયો સબસ્‍ક્રાઇબ કરાવતાં મને આ પહેલા કામ માટે રૂા. ૧૧૫૦ મળ્‍યા હતાં. બીજા દિવસે રૂા. ૯૦૦ મળ્‍યા હતાં. આ પછી વધુ ટાસ્‍ક  પુરા કરી વધુ કમાણીની લાલચ આપી મને ટેલીગ્રામ ગુ્‌રપમાં એડ કરી એડ થવાના રૂા. ૫૦૦૦ ભરવાનું કહી ટાસ્‍ક પુરા કરવાથી ૭ હજાર મળશે તેમ કહી અલગ અલગ એકાઉન્‍ટમાં નાણા ટ્રાન્‍સફર કરાવડાવી કુલ રૂ.૬,૮૫,૦૦૦ મેળવી લઇ આ રકમ પાછી ન આપી ઠગાઇ કરી હતી.

ત્રીજા બનાવમાં કોઠારિયા રોડ પર શિતલ સ્‍ટુડીયો પાછળ રહેતાં અને અમીન માર્ગ ખાતે જીન્‍સ ક્‍લબ નામે રેડીમેઇડ કપડાનો વેપાર કરતાં દિપકભાઇ ભરતભાઇ ગોહેલે (ઉ.વ.૩૮) નામના યુવાનને મની ફોરેક્‍સ નામની કંપનીની ખોટી ઓળખ આપી ૫૯૦૦ યુએસ ડોલર આપવાના નામે રૂા. ૫,૦૭,૫૦૦ની ઠગાઇ કરવામાં આવી હતી.

દિપકભાઇએ કહ્યું હતું કે એક વર્ષ પહેલા પરિવાર સાથે દુબઇ ફરવા જવું હોય યુએસ ડોલરની જરૂર થતાં પિતરાઇ ભાઇ જય ચાવડા મારફત જામનગરના અમીશ રમેશ નકુમનો મોબાઇલ નંબર મેળવ્‍યો હતો. તેના પર સંપર્ક કરતાં અમીશે તેના એક મિત્ર મુંબઇ રહે છે અને તે મની ફોરેક્‍સવાળા છે તેમ કહી તેની સાથે વાતચીત કરાવી હતી. બાદમાં તે શખ્‍સે યુએસ ડોલર રૂ.૮૬ના ભાવથી આપવાનું કહેતા દિપકભાઇએ ૫૯૦૦ ડોલર મેળવવા તે શખ્‍સે આપેલા બેેંક એકાઉન્‍ટમાં રૂ.૫,૦૭,૫૦૦ જમા કરાવ્‍યા હતા. પરંતુ આ રકમ મેળવી લીધા બાદ યુએસ ડોલર મોકલ્‍યા વગર જ એ શખ્‍સે મોબાઇલ સ્‍વિચ ઓફ કરી દીધો હતો. આથી ઠગાઇ થયાની ખબર પડી હતી. ત્રણેય બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. દિપકભાઇ પંડિતે ગુના દાખલ કરતાં આગળની તપાસ પીઆઇ એસ. ડી. ગીલવાએ હાથ ધરી છે. (૧૪.૭)

 

(3:09 PM IST)