News of Saturday, 29th March 2025
પ્રદ્યુમન રોયલ હાઇટ્સમાં રહેતાં સિમેન્ટના વેપારી સાથે પુનાના પિતા-પુત્રની ૫ાા કરોડની છેતરપિંડી
ભાગીદારીમાં વરસામેડી ગામે સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરવો હોઇ પુનાના જગદીશ ચાંડોક અને તેના પુત્ર અદિતને મશીનરી માટે એડવાન્સમાં રકમ ચુકવી હતીઃ બંનેએ મશીનરી કે રકમ ન આપી માથે જથતાં ધમકી દીધીઃ આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: શહેરમાં રહેતાં અને સિમેન્ટ ઉત્પાદનની કંપની ભાગીદારીમાં ચલાવતાં યુવાન સાથે પુનાના પિતા-પુત્રએ સિમેન્ટ ગ્રાઇન્ડીંગની મશીનરીના સોદાના બહાને રૂા. ૫ કરોડ ૫૦ લાખની ઠગાઇ કરતાં તેમજ મેનેજરને મારી નાખવાની ધમકી આપી નાણા પરત ન આપી મશીનરી પણ ન આપતાં આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા કાલાવડ રોડ પરના પુષ્કરધામ નજીક આવેલ પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતાં અને રૈયા ટેલિફોન એક્ષચેંજ સામે નક્ષત્ર હાઈટસમાં વાસુકી સિમેન્ટ પ્રા. લી. નામની કંપનીની ઓફિસમાં બેસી સિમેન્ટનો વેપાર કરતાંબંકીમભાઈ કાંતીલાલ મહેતા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી પુનાના જગદીશ ભક્તાવરમલ ચાંડાક અને તેના પુત્ર અદીત ચાંડાક સામે ગુનો દાખલ કરાયો છે. જેની તપાસ આર્થિક ગુના નિવારણ સેલે શરૂ કરી છે. સિમેન્ટ ગ્રાઈન્ડિંગની મશીનરી ખરીદવા માટે પુનાના પિતા-પુત્રને બંકીમભાઇએ રૂ. ૫.૫૦ કરોડ એડવાન્સ પેટે આપ્યા હતા. પરંતુ બંને આરોપીઓએ આજ સુધી મશીનરી કે રકમ નહીં આપી છેતરપીંડી કરી હતી.
ફરીયાદમાં બંકીમભાઈએ જણાવ્યું છે કે હું ભાગીદાર રજનીકાંત જયંતીલાલ ઝાલરીયા સાથે કંપની ચલાવુ છું અને સિમેન્ટનું પ્રોડકશન શરૂ કરવા માટે માળિયા-મિયાણાના વરસામેડી ગામે પ્લાન્ટ શરૂ કરવાનો હતો. જે માટે જરૂરી મશીનરી ખરીદવા જામનગરના સિક્કા ખાતે કમળ સિમેન્ટ ફેકટરીમા નોકરી કરતા જગદિશ સાથે ઓળખાણ થઈ હતી. જે પુનામાં ભાગીદારીમાં કિર્તી શ્રી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવતો હતો.
જેમાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન બનાવતા હતા. જેમાં ડાયરેકટર તરીકે તેનો પુત્ર અદીત પણ હતો. ર૦ર૧ની સાલમાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન ખરીદવા માટે અમેં બંને આરોપી પિતા-પુત્ર સાથે નોટરાઈઝડ કરાર કર્યો હતો. તેની કંપનીના બેન્ક ખાતામાંથી આરોપીઓની કંપનીના બેન્ક ખાતામાં કટકે-કટકે રૂ. ૫.૫૦ કરોડ જમા કરાવ્યા હતા. જેના બદલામાં આરોપીઓએ પોતાની કંપનીના કોરા ચેક આપ્યા હતા. તેમજ જો આરોપીઓ મશીનરી પૂરી પાડી ન શકે તો ચેક દ્વારા પેમેન્ટ પરત કરવાની મૌખિક વાત કરી હતી. પરંતુ ત્યાર પછી આરોપીઓને અવાર-નવાર મશીનરી પુરી પાડવા અથવા તો રૂપિયા પરત આપવા અમે કહેતાં હતાં.
પરંતુ આરોપી પિતા-પુત્ર કાંઈ કરતાં ન હતા. આ પછી જગદીશ અને તેના પુત્રએ રાજકોટ ખાતે આવી મિટીંગ કરી હતી. જેમાં કરાર રદ કરવાનું નકકી થતાં તે મુજબનું લખાણ તૈયાર કરાવ્યું હતું. જેમાં આરોપીઓએ તેની કંપનીને રૂ. ૫.૭૫ કરોડ ચુકવવાના નીકળે છે તેવું સ્વીકાર્યું હતું. સાથો-સાથ રૂ. ૪૦ લાખ તા. ૧૯-૭-૨૦૨૩સુધી આપવાના અને બાકીની રકમ તા. ૨૩-૧૨-૨૦૩૩ સુધીમાં આપવાનું નકકી થયું હતું. જો કે ત્યાર પછી પણ આરોપીઓએ રકમ પરત કરી ન હતી. જેને કારણે નકકી થયા મુજબ આરોપીઓએ આપેલા ચેક બેન્કમાં જમા કરાવતા રીટર્ન થયા હતા. બાદમાં આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરિયાદ કરી હતી.
તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ માઢક (રહે. નવલનગર)ને કોર્ટમાં કાર્યવાહી કરવા ઓથોરિટી આપી હતી. બંને આરોપીઓ ગઈ તા. ૧૧ના રોજ કોર્ટમાં મુદતે આવ્યા હતા.
તે વખતે તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ પણ કોર્ટ મુદતે ગયા હતા. કોર્ટની બહાર સીડી ઉતરતી વખતે બંને આરોપીઓએ જસ્મીનભાઈ સાથે બોલાચાલી કરી કહ્યું કે તમે લોકો આ કેસ પાછો ખેંચી લેજો, નહીંતર તને અને તારા શેઠમાંથી એકપણને જીવતા નહીં રહેવા દઈએ. વધુમાં બંને આરોપીઓએ કહ્યું કે આ સિમેન્ટની લાઈનમાં અમે ખુબ જ જૂના છીએ, તમને લોકોને હું સિમેન્ટનો ધંધો પણ કરવા નહીં દઉ. આટલેથી નહીં અટકતા બંને આરોપીઓએ તેની કંપની ખોટી હોવા અંગે સેબીમાં ખોટા ઈ-મેઈલ કર્યા હતા.
એટલું જ નહીં જુદી-જુદી સરકારી કચેરીઓમાં તેની કંપનીની પ્રિતષ્ઠાને હાનિ પહોંચે તેવા પત્રવ્યવહારો પણ કર્યા હતા. જેને કારણે આખરે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં બંકીમભાઇએ જણાવતાં આર્થિક ગુના નિવારણ શાખાના એમ. એસ. મલેકે ગુનો નોંધતા પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ આર. કે. જાડેજા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(4:21 PM IST)










