<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ચોવીસ વર્ષિય હેમાલીબેન મકવાણાનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા'તા

અયોધ્‍યા ચોક ગોકુલ મથુરા પાછળ ગાયત્રી પાર્કમાં બનાવથી મકવાણા પરિવારમાં શોકની કાલીમા પતિ એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટના ધંધાર્થીઃ સાસુએ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતાં સસરાએ ચાવીથી લોક ખોલતાં પુત્રવધૂ લટકતાં મળ્‍યાઃ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ મૃતદેહ જ પહોંચ્‍યોઃ કારણ અકળ સોમનાથ સોસાયટીમાં રહેતાં પિતા વિનોદભાઇ પરમારે કહ્યું-દિકરીએ પગલુ શું કામ ભર્યુ તેની અમને પણ ખબર નથી

રાજકોટ તા. ૨૬: શહેરના માધાપર ચોકડી નજીક અયોધ્‍યા ચોક પાસે ગોકુલ મથુરા એપાર્ટમેન્‍ટ પાછળના ગાયત્રી પાર્કમાં રહેતી ચોવીસ વર્ષિય પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. દોઢ વર્ષ પહેલા જ તેણીના લગ્ન થયા હતાં. જો કે આપઘાતનું કારણ સાસરિયા કે માવતર પક્ષના એમ કોઇ જાણતું ન હોવાનું કહેવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળ્‍યા મુજબ અયોધ્‍યા ચોક ગોકુલ મથુરા પાછળ ગાયત્રી પાર્કમાં રહેતી હેમાલીબેન યશભાઇ મકવાણા (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્‍પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયેલ. પરંતુ તબિબે તેણીને નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના આસી સબ ઇન્‍સ. રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર હેમાલીબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતાં. તેણીના પતિ યશભાઇ એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનું કામ કરે છે. તેણીના માવતર દોઢસો રીંગ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહે છે અને પિતાનું નામ વિનોદભાઇ દાનાભાઇ પરમાર છે. હેમાલીબેન એક ભાઇથી નાની અને માતા-પિતાની એક જ દિકરી હતી. સવારે પતિ ઓફિસે જવા નીકળ્‍યા બાદ સાસુ નયનાબેન પુત્રવધૂ હેમાલીબેનના રૂમ પાસે જતાં દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં પોતાના પતિ સુરેશભાઇને જાણ કરતાં તેઓ ઘરે આવ્‍યા હતાં ઇન્‍ટરલોકની બીજી ચાવી પોતાની પાસે હોઇ તેનાથી લોક ખોલતાં પુત્રવધૂ લટકતાં મળતાં અરેરાટિ વ્‍યાપી ગઇ હતી. તુરત જ તેણીને બેભાન હાલતમાં હોસ્‍પિટલે ખસેડી હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થયું હતું.

હેમાલીબેનને કોઇ તકલીફ કે કોઇ બિમારી નહિ હોવાનું સાસરિયા પક્ષે જણાવ્‍યું હતું. પિતાએ પણ દિકરીએ આ પગલુ શા માટે ભર્યુ? તેનાથી પોતે અજાણ હોવાનું કહ્યું હતું. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી હતી.

(3:45 PM IST)