<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજકોટ કલેકટર તંત્ર કાલે એક સાથે ૪૮૦થી વધુ લોકોને ભૂપેન્‍દ્રભાઇની હાજરીમાં પ્‍લોટ-સનદ ફાળવશે

સાંજે હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમઃ રાજકોટ તાલુકા-પડધરી-જસદણ-વિંછીયા પંથકમાં પ્‍લોટ અપાશે... : જમીનની કિંમત લાખો-કરોડોમાં: બપોર બાદ રીહર્સલઃ કાલે સવારે મુખ્‍યમંત્રી હિરાસર એરપોર્ટ આવી મોરબી જશે : મોરબીથી તેઓ પરત આવશેઃ કૂલ પાંચ કાર્યક્રમોઃ તમામ સ્‍થળે જડબેસલાક પોલીસ બંદોબસ્‍તઃ કલેકટરે શહેરના તમામ-પ્રાંત-મામલતદારને જવાબદારી સોંપી

રાજકોટ તા. રપઃ આવતીકાલે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.ત્‍યારે શહેરમાં અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પણ લાભાર્થીઓને પ્‍લોટ અને સનદ વિતરણનું કાર્યક્રમ યોજાયો છે. જેમાં ૪૮૦ થી પણ વધુ લાભાર્થીઓને પ્‍લોટો અને સનદ વિતરણનું આયોજન કરાયું છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે ૪૮૦ થી પણ વધુ પ્‍લોટોનું મુખ્‍યમંત્રીના હસ્‍તે હેમુ ગઢવી હોલ ખાતે વિતરણ કરવામાં આવશે. જેમાં વણઝારા જ્ઞાતિ, વિચારતી વિમુખ જાતિના લોકો તથા દેવીપુજક તથા અન્‍ય સમાજના લોકોને પ્‍લોટ ફાળવવામાં આવી રહ્યા છે.

આ જમીનના પ્‍લોટ રાજકોટ તાલુકાના જસદણ, પડધરી, વિછીયા પંથકમાં  ફાળવવાનું ફાઈનલ કરાયા બાદ આવતીકાલે સાંજે હેમુ ગઢવી હોલ ખાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર, સાંસદો, ધારાસભ્‍યો તથા કલેકટર પ્રભવ જોશી અન્‍ય અધિકારીઓની  ઉપસ્‍થિતિમાં  કાર્યક્રમ યોજાશે

અત્રે નોંધનીય છે કે રાજકોટ શહેર જિલ્લામાં વર્ષો પછી રાજકોટ કલેકટર તંત્ર દ્વારા એકી સાથે ૪૮૦થી વધુ જમીનના પ્‍લોટોનું અને સનદોની ફાળવણી થઈ રહી છે. આ પ્‍લોટોની જુદા-જુદા વિસ્‍તારોની આ જમીનની બજાર વેલ્‍યુએશન મુજબ કરોડો રૂપિયા થવા જાય છે.

મુખ્‍યમંત્રી કાર્યક્રમ સંદર્ભે રાજકોટના તમામ મામલતદાર-પ્રાંત અધીકારીઓને તેમના સ્‍ટાફ સાથે કલેકટરે જવાબદારી સોંપી છે, હિરાસર એરપોર્ટ ખાતે કાલે સવારે ૧૦ વાગ્‍યા આસપાસ મુખ્‍યમંત્રી આવી પહોંચશે ત્‍યારે કલેકટર સહિતના અધીકારીઓ તથા અન્‍ય પદાધીકારીઓ સ્‍વાગત કરશે, મુખ્‍યમંત્રી ત્‍યાંથી મોરબી જશે, મોરબીથી સાંજે ભુપેન્‍દ્રભાઇ રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવી પહોંચ્‍યા. હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ જમીનના પ્‍લોટના વિતરણના કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. તમામ સ્‍થળે જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત રખાયો છે, આજે બપોરે ૩ વાગ્‍યા બાદ ખાસ રીહર્સલ યોજાશે. (૭.ર૬)

(2:52 PM IST)