News of Tuesday, 18th March 2025
સાંઢીયો પુલ હજી એક વર્ષ બાદ ખુલશે : ૬ર ટકા કામ બાકી
થોભો અને માર્ચ-ર૦ર૬ સુધી રાહ જોવો ! :ગડર, પીલર, પુટીંગ અને અન્ય કામગીરી એક સાથે ચાલતી હોવાથી સમય મર્યાદામાં કામ પુરૂ થવાની તંત્રવાહકોને આશા

શહેરના જામનગર રોડ પર મનપા દ્વારા ૭૪ કરોડથી વધુના ખર્ચે ટુ લેનમાંથી ફોર લેનનો બનાવવા સાંઢીયા પુલનું નવનિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આજ દીન સુધીમાં પુલનું કામ ૩૮ ટકા પુર્ણ થઇ ગયાનો તંત્ર વાહકો દાવો કરી છે. ઉપરોકત તસ્વીરમાં જામનગરના રસ્તા તરફ પુલના ગર્ડર સુધીનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યાનું નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૧૮ : શહેરના જામનગર રોડ પરનો વર્ષો જુનો સાંઢિયાપુલ જર્જરીત થઈ ગયા બાદ અનેક વખત નવા બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ જેમાં પણ ૧૦ વર્ષ જેટલો સમય નિકળી ગયા બાદ ગત વર્ષે સાંઢિયાપુલની ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી રેલવે વિભાગ દ્વારા રૂા. ૭૪.૨૦ કરોડના ખર્ચે ટુ લેનમાંથી ફોરલેન બ્રીજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રીજની પીલર અને ફીઝીકલ સહિતની કામગીરી એક સાથે શરૂ કરવામાં આવેલ હોય એક વર્ષ બાદ એટલે કે, માર્ચ ૨૦૨૬માં સાંઢિયાપુલ ખુલ્લો મુકી દેવાય તેવી સંભાવના રેલવે વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરને જામનગરથી આવતા પ્રવેશ દ્વાર ઉપર રેલવે લાઈન ઉપર વર્ષો પહેલા બનાવવામાં આવેલ સાંઢિયાપુલ જર્જરીત થઈ જતાં તેને તોડી પાડવામા આવ્યો હતો અને તેના સ્થાને રૂા. ૭૪.૨૦ કરોડના ખર્ચે ફોરલેન બ્રીજ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ પરંતુ રેલવે વિભાગ દ્વારા પુલ બનાવવામાં આવે તેવો આગ્રહ રખાતા આ કામ રેલવેને સોંપવામાં આવ્યું છે. એક વર્ષ પહેલા માર્ચ ૨૦૨૪માં બ્રીજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે ત્યારે બ્રીજની ૩૮ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં મુખ્યત્વે પીલર પુટીંગ, ગડર અને ફિઝિકલ પ્રોગ્રેશ એક સાથે ચાલુ કરવામાં આવેલ છે. ટેન્ડરની શરત મુજબ બે વર્ષમાં પુલનું કામ પૂર્ણ કરવાનું છે. આથી હાલ બ્રીજની કામગીરી જોતા માર્ચ ૨૦૨૬માં પુલ ખુલ્લો મુકવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. સાંઢિયાપુલ ફોરલેન બનાવવા માટે ભોમેヘર માંથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યાં પણ ફાટક આવતી હોય દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આથી વહેલી તકે બ્રીજનું કામ પુર્ણ થાય તે આધારે બ્રીજના કામની મુદત આપવામાં આવી છે. જેના લીધે સંભવત બે વર્ષમાં સાંઢિયાપુલનું કામ પૂર્ણ થઈ જશે.
સાંઢિયાપુલ ફોરલેન બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એકવર્ષ દરમિયાન ૨૦ પુટીંગ પૈકી ૧૬ ભરાઈ ગયા છે તથાં ૪૦માંથી ૨૬ પિલર ઉભા થઈ ગયા છે. તેવી જ રીતે પીલરમાંથી ૩૫માંથી ૧૦ ઉભા થઈ ગયેલ છે. અને ૧૨૦ ગડર પૈકી ૭૮ ગડર કંપલીટ થઈ ગયેલ હોય ફીઝીકલ પ્રોગ્રેશના રિપોર્ટમાં ૩૮ ટકા કામગીરી પૂર્ણ થયાનું જણાવવામાં આવ્યું છે. મુખ્ય કામગીરી ૩૮ ટકા થઈ ગયેલ હોય બાકીનું કામ ઝડપી થશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
શહેરના સૌથી જુના પુલને તોડીને બનાવવાનો હોવાથી તેમાં ૧૮ને બદલે ૧૪ મહિનાનો સમય લાગશે. આ સાંઢીયો પુલ ૧૯૭૭માં પીડબલ્યુડી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ૪ દાયકાથી લોકો અને વાહનોની અવરજવરના કારણે તેની અનેકવાર મરામત પણ કરવામાં આવી હતી. અંતે ગયા વર્ષે રેલવે દ્વારા તેને અસલામત જાહેર કરાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી. (૯.૩૮)
બ્રીજની ટેકનિકલ માહિતી
કુલ ૬૦૦ મીટર લંબાઇ, સીવીલ હોસ્પિટલ સાઇડ ૨૯૮, માધાપર સાઇડ ૨૬૮, વચ્ચે ૩૬ મીટરનો રહેશે. પહોળાઇ ૧૬.૪૦ મીટર અને ઉંચાઇ ૬.૧૦ મીટર રાખવામાં આવી છે એટલે કે ૫૪ ફુટનો બ્રિજ બનશે. આ બ્રિજમાં ૨૦ પીલર અને ૨૨ સ્પામ બનાવાશે.
(4:12 PM IST)










