<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

લુખ્‍ખાઓની ફરિયાદ કરવા ક્રાઇમ બ્રાંચના વ્‍હોટ્‍સએપ નંબર જાહેર

છાપેલા કાટલાઓને સીધાદોર કરવા શહેર પોલીસ મેદાનેઃ રાત્રે શહેર એસઓજી-ક્રાઇમ બ્રાંચનું ત્રણ કલાક પેટ્રોલીંગ શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, એન. વી. હરિયાણી, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમોની કાર્યવાહીઃ ગમે ત્‍યારે પોલીસ ઓચીંતા ચેકીંગ હાથ ધરશે

રાજકોટ તા. ૧૮: ગુનેગારો, છાપેલા કાટલાઓને ખાખીનો પરચો દેખાડવા રાજયના ગળહ વિભાગ દ્વારા સુચના મળી હોઇ રાજ્‍યભરથી પોલીસ કડક કાર્યવાહીમાં લાગી ગઇ છે. આ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ પણ સક્રિય બની છે. ગત રાતે ત્રણ કલાક સુધી શહેર ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ સંયુક્‍ત રીતે શહેરના રૈયાધાર, ભગવતીપરા, જંગલેશ્વર, ભગવતીપરામાં ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું અને અગાઉ ડ્રગ્‍સ, દારૂ,  આર્મ્‍સ એક્‍ટ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્‍સોને ચેક કર્યા હતાં. તેમજ વાહન ચેકીંગ કરી ડ્રીંક એન્‍ડ ડ્રાઇવના કેસ કર્યા હતાં. કાળા કાચવાળી કાર લઇને નીકળનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ શહેર ક્રાઇમ બ્રાંચે અસામાજીક તત્‍વો, ગુંડાગીરી આચરનારા કે ગેરકાયદે પ્રવૃતિ કરનારા વિરૂધ્‍ધ કોઇપણ નાગરિક સીધી ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી શકે તે માટે ખાસ વ્‍હોટ્‍સએપ નંબર જાહેર કર્યા છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, એન. વી. હરિયાણી, ક્રાઇમ બ્રાંચના સી. એચ. જાદવ, એમ. એલ. ડામોર અને તેમની ટીમોએ ગત રાતે ત્રણ કલાક સુધી કોમ્‍બીંગ અને ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું.  આગામી દિવસોમાં પણ પોલીસ આ રીતે અચાનક પોલીસ પેટ્રોલીંગ, ચેકીંગ ઝુંબેશ હાથ ધરશે. ગુનાખોરીમાં રચ્‍યા પચ્‍યા રહેતાં શખ્‍સો સાનમાં નહિ સમજે તો પછી પોલીસ દંડાથી સમજાવશે.

બીજી તરફ શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્‍ટેશન દ્વારા શહેરના કોઇપણ નાગરિકો માટે એક ખાસ વ્‍હોટ્‍સએપ નંબર-૬૩૫૯૬ ૨૯૮૯૬ જાહેર કરવામાં આવ્‍યો છે. આ વ્‍હોટ્‍સએપ નંબર પર કોઇપણ નાગરિક પોતાના વિસ્‍તારમાં, નોકરીના સ્‍થળ આસપાસ કે પછી જાહેર સ્‍થળોએ ભય ફેલાવનારા, લુખ્‍ખાગીરી કરનારા કે અન્‍ય કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિક-કૃત્‍ય કરનારા વિરૂધ ફરિયાદ કરી શકશે.

આ નંબર પર ફરિયાદ કરનારા, વિગતો આપનારા નાગરિકોના નામ, નંબર, ઓળખ પોલીસ ગુપ્‍ત રાખશે અને સાચી માહિતીને આધારે ગેરકાયદે પ્રવૃતિ થતી અટકશે તો આવી સાચી માહિતી આપનાર નાગરિકને યોગ્‍ય ઈનામ પણ અપાશે તેમ ક્રાઇમ બ્રાંચની યાદીમાં જણાવાયું છે.

૬૩૫૯૬ ૨૯૮૯૬

ઉપર ક્રાઇમ બ્રાંચને વ્‍હોટ્‍સએપથી રહેણાંક વિસ્‍તાર, નોકરી આસપાસના કે જાહેર સ્‍થળોએ લુખ્‍ખાગીરી, ગુંડાગીરી કરનારા, ભય ફેલાવનારા વિરૂધ્‍ધ તેમજ ગેરકાયદેસર કૃત્‍ય કરનારા વિરૂધ્‍ધ ફરિયાદ કરી શકાશેઃ જાણ કરનારના નંબર ઓળખ ગુપ્‍ત રખાશેઃ યોગ્‍ય ઇનામ પણ અપાશે

(4:51 PM IST)