News of Monday, 17th March 2025
આનંદબંગલા ચોકમાં બેકાબૂ કારચાલકે બે ટુવ્હીલરને ઉલાળ્યાઃ વૃધ્ધ વેપારી પ્રફુલભાઇ ઉનડકટનું મોત
રૈયા રોડ મણીનગરમાં રહેતાં અને ગોંડલ રોડ પર તિરૂપતિ ડેરી ધરાવતાં ૬૯ વર્ષના વૃધ્ધ એકટીવા પર ઘરે જવા નીકળ્યા હતાં: પેટ્રોલ પુરાવવા જતા'તા ત્યાં કાર કાળ બનીને ત્રાટકીઃ હરિ ધવા રોડના આયુષ ડોબરીયા અને ભત્રીજી આરાધ્યા સારવાર હેઠળ

તસ્વીરમાં ગોઝારી બનેલી કાર, ઠોકરે ચડેલા બે ટુવ્હીલર અને આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોહાણા વેપારી મણીનગરના પ્રફુલભાઇ જેઠાભાઇ ઉનડકટ (ઉ.વ.૬૯)નો નિષ્પ્રાણ દેહ તથા કારચાલક ઇન્સેટમાં નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા.૧૭:રાજકોટ તા. ૧૭: શહેરના મવડી રોડ આનંદ બંગલા ચોકમાં રાતે જીવલેણ વાહન અકસ્માતની ઘટના બની હતી. જેમાં બેફામ સ્પીડથી કાર હંકારીને નીકળેલા શખ્સે બે ટુવ્હીલરને ઉલાળી દેતાં રૈયા રોડ નાણાવટી ચોક નજીક મણીનગરમાં રહેતાં અને ગોંડલ રોડ પર દૂધની ડેરી ચલાવતાં વેપારી વૃધ્ધ ચડી જતાં તેમનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે બીજા ટુવ્હીલરમાં બેઠેલા કાકા-ભત્રીજીને પણ ઇજા થઇ હતી. કારચાલકને લોકોએ દબોચી લઇ પોલીસને સોંપ્યો હતો. માલવીયાનગર પોલીસે મૃતક વૃધ્ધના પુત્રની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ શખ્સે પહેલા તો પોતાનો કોઇ વાંક ન હોવાનું રટણ કર્યુ હતું. બાદમાં સ્પીડ વધુ હોવાનું અને એક્ટીવા વચ્ચે આવી જતાં બ્રેક ન લાગી શક્તાં અકસ્માત સર્જાયાનું નફફટાઇથી કહ્યું હતું.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે મૃત્યુ પામનારા પ્રફુલભાઇ જેઠાભાઇ ઉનડકટ (ઉ.વ.૬૯)ના પુત્ર નાણાવટી ચોક પાસે મણીનગર શેરી નં. ૧માં હરિદયા નામના મકાન ખાતે રહેતાં તેમના પુત્ર હિમાંશુભાઇ પ્રફુલભાઇ ઉનડકટની ફરિયાદ પરથી કીયા કાર જીજે૦૧કેએક્સ-૫૦૮૦ના ચાલક ઋત્વીજ રમેશભાઇ પટોળીયા વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ કરી હતી.
હિમાંશુભાઇએ જણાવ્યું હતું કે મારે રામેશ્વર પાર્ક મેઇન રોડ પર તિરૂપતી ડેરી નામની દુકાન છે. મારે એક બહેન છે જે સાસરે છે. પિતા પ્રફુલભાઇ જીજે૦૩એફપી-૮૪૨૮ નંબરના એક્ટીવાનો ઉપયોગ કરતાં હતાં. તેઓ ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમ પાસે આવેલી અમારી તિરૂપતી ડેરી નામની દુકાને આવવા-જવા આ વાહન વાપરતાં હતાં. રવિવારે ૧૬મીએ રાતે પોણા અગિયારેક વાગ્યે હું મારી નાણાવટી ચોક ખાતેની તિરૂપતી ડેરી ખાતે હતો ત્યારે મને ગોંડલ રોડ પર આવેલી અમારી બીજી ડેરીની બાજુમાં દુકાન ધરાવતાં બ્રિજેશભાઇનો ફોન આવ્યો હતો કે તમારા પપ્પાને મવડી ફાયર બ્રિગેડ પાસે અકસ્માત નડયો છે, તેને સિવિલ હોસ્પિટલે લઇ જાય છે. જેથી હું તુરત દુકાન બંધ કરી સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. અહિ ડોક્ટરને મારા પિતાની તબિયત વિશે પુછતાં તેમને માથા પાછળ, ડાબા પગે ગંભીર ઇજાઓ થયાનું અને તેમનું મૃત્યુ થયાનું જણાવાયું હતું.
પિતાની બાજુમાં દુકાન ધરાવતાં બ્રિજેશભાઇને આ બારામાં પુછતાં તેમણે કહેલુ કે તમારા પિતા દુકાનેથી ઘરે જવા નીકળ્યા ત્યારે મવડી રોડ મહાકાળી મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા ડિવાઇડર વચ્ેથી જતા હતાં ત્યારે મવડી ચોકડીથી આનંદ બંગલા ચોક તરફ આવી રહેલી કિયા કારના ચાલકે ઠોકરે લઇ લીધા હતાં. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ કે. જી. ઝાલાએ ગુનો નોંધી કાર ચાલકને અટકાયતમાં લેવા કાર્યવાહી કરી હતી. ઘટનાને નજરે જોનાર રસીકભાઈ કથિરીયાએ જણાવ્યું હતું કે હું સામે ફ્રુટની રેકડી પાસે ઉભેલ હતો.અને કાર ૧૦૦થી વધુની સ્પીડમાં હતી. પાછળથી પ્રથમ વળધ્ધને હડફેટે લીધા બાદ અન્ય બે વાહનનોને ઠોકરે લીધા હતા. વૃધ્ધ આશરે ચાલીસેક ફુટ સુધી ઢસડાયા હતાં. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(3:05 PM IST)










