તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th March 2025
માજોઠીનગરના ખુણે ‘હિટ એન્ડ રન': બટેટા લેવા માટે નીકળેલા ખીમાભાઇ હુંબલનું મોત
વેલનાથ સોસાયટીથી યાર્ડ ખાતે જતી વખતે બનાવઃ અજાણ્વા વાહનનો ચાલક એક્ટીવાને ઉલાળીને ભાગી ગયો

રાજકોટ તા. ૧૨: વાહન અકસ્માતની વધુ એક ઘટનામાં એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. જુના માર્કેટ યાર્ડ નજીક માજોઠીનગરના ખુણે હિટ એન્ડ રનનો બનાવ બનતાં કોઠારીયા રોડ વેલનાથ સોસાયટીમાં રહેતાં વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. અજાણ્યો વાહન ચાલક એક્ટીવાસહિત આ વૃધ્ધને ઉલાળીને ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ ચોકડી પાસે વેલનાથ સોસાયટીમાં રહેતાં ખીમાભાઇ આણંદભાઇ હુંબલ (ઉ.વ.૬૦) સવારે જુના યાર્ડ નજીક માજોઠીનગરના ખુણેથી વાહન અકસ્માતમાં ઇજા થયેલી હાલતમાં મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ખીમાભાઇ બે ભાઇ અને છ બહેનમાં ત્રીજા હતાં અને બટેટાનો ધંધો કરી ગુજરાન ચલાવતાં હતાં. સવારે તેઓ માર્કેટ યાર્ડ ખાતેથી બટેટા લેવા જવા માટે પોતાનું એક્ટીવા લઇને ઘરેથી નીકળ્યા હતાં. એ દરમિયાન માજોઠીનગરના ખુણે કોઇ વાહનનો ચાલક તેમને ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે હુ઼બલ પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)
(2:52 PM IST)










