તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 10th March 2025
કાળીપાટથી ઠેબચડા વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયાઃ પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી કાર પલ્ટી ગઇ
બોઘરાવદરના મયુર ગોસાઇ અને રાજેશ રામાણી ૩૨ બોટલ દારૂ સાથે પકડાયાઃ રાજેશને ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયોઃ આજીડેમ પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: રાજકોટ- ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતાં પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. છેલ્લે ઠેબચડા નજીક કાર પલટી ખાઇ જતાં અંદર બેઠેલા બંને બૂટલેગરને ઇજાઓ થતાંએકને સારવાર માટે ખસેડાયો હતો. પોલીસને કારમાંથી રૂા. ૨૦૨૧૬નો ૩૨ બોટલ દારૂ મળતાં કાર, દારૂ સહિત ૩,૨૦,૨૧૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આજી ડેમ પોલીસ સ્ટેશનના ગોપાલભાઇ બોળીયા, પ્રદીપસિંહ ગોહિલ અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ રવિવારે બપોરે ભાવનગર હાઇવે પર કાળીપાટ નજીક પેટ્રોલિંગમાં હતા ત્યારે હકીકત મળી હતી કે, જીજે૦૩એલબી-૭૪૦૪ નંબરની ઇકો કાર ત્રંબા તરફથી આવી રહી છે અને તેમાં દારૂનો જથ્થો છે. આ બાતમી પરથી કાળીપાટના પાટિયા નજીક પોલીસ સ્ટાફે વાહન ચેકિંગ શરૂ કરી દીધું હતું અને નિયત નંબરની કાર પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઇને ચાલકે કાર ભગાવી મુકતાં પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન ઇકો કાર ઠેબચડા તરફ જવાના રસ્તે પહોંચી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી. આ કારણે કારમાં બેઠેલા બંને શખ્સ ભાગે તે પહેલા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને વીડિયોગ્રાફી શરૂ કરી દીધી હતી.
પોલીસે કારમાંથી જસદણના બોઘરાવદરના મયૂર બકુલ ગોસાઇ અને રાજેશ જીવરાજ રામાણીને બહાર કાઢયા હતા. કારની તલાશી લેતા કારમાંથી રૂ.૨૦,૨૧૬નો ૩૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. ૩,૨૦,૨૧૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કાર પલટી જતાં રાજેશ અને મયૂર બંનેને ઇજા થઇ હતી. જેમાં રાજેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મયૂરની પોલીસે ધરપકડ કરી હતી. આ કાર મયુર ચલાવી રહ્યો હતો. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં વધુ તપાસ થઇ રહી છે.
(4:13 PM IST)










