<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

માલિયાસણ બ્રીજ પાસે ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં મોરબી રોડના રસિકભાઇ મોલીયાનું મોતઃ વતન ખેરડી જતા હતાં

૫૦ વર્ષિય પ્રોૈઢ મોરબી રોડના ઘરેથી ખેરડી વાડીએ જવા નીકળ્‍યા ત્‍યારે માલિયાસણ બાયપાસ નજીક ગેસના બાટલા ભરેલા ટ્રકની ઠોકરે ચડયા બાદ વ્‍હીલ માથે ફરી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું: ચાલક ટ્રક મુકી ભાગી ગયોઃ પરિવારમાં કલ્‍પાંત

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે બાઇક અને રસિકભાઇ મોલીયાનો નિપ્રાણ દેહ, ગોઝારો બનેલો ટ્રક, એકઠા થયેલા લોકો અને ૧૦૮નો સ્‍ટાફ જોઇ શકાય છે.  ટ્રકમાં ગેસના બાટલા ભર્યા હતાં, ચાલક ટ્રક મુકી ભાગી ગયો હતો.

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ માલિયાસણ નજીક વધુ એક વખત જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. ગેસના બાટલા ભરેલા ટ્રકે બાઇકને ઉલાળી દેતાં બાઇકસવાર રાજકોટ મોરબી રોડ પર રહેતાં મુળ ખેરડીના પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. આ પ્રોૈઢ મોરબી રોડ પર રહેતાં હતાં અને ખેરડી તેના વતનમાં વાડીએ આટો મારવા જવા નીકળ્‍યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેમના દિકરાને રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડીએ ઓટો પાર્ટસની દૂકાન છે. અકસ્‍માત સર્જી ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર મોરબી રોડ ડી. કે. સ્‍કૂલ પાસેની સોસાયટીમાં રહેતાં રસિકભાઇ માધાભાઇ મોલીયા-પટેલ (ઉ.વ.૫૦) સવારે પોતાનું બાઇક નં. જીજે૦૩કેડી-૬૮૮૮ હંકારીને રાજકોટથી તેમના વતખ ખેરડી ગામે વાડીએ આટો મારવા જવા નીકળ્‍યા ત્‍યારે માલિયાસણ ઓવર બ્રીજ નજીક ગેસના બાટલા ભરેલા ટ્રક નં. જીજે૦૩બીઝેડ-૩૫૨૨ની ઠોકરે બાઇક સહિત ચડી જતાં રોડ પર ફેંકાઇ ગયા હતાં અને માથે ટ્રકનું વ્‍હીલ ફરી વળતાં ે ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેના પાઇલોટ, ઇએમટી તબિબ પહોંચ્‍યા હતાં. તબિબે આ પ્રોૈઢને તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. અક્ષયભાઇ ડાંગર સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. અકસ્‍માત સર્જી ટ્રક મુકી ચાલક જતો રહ્યાનું લોકો કહેતાં હતાં. પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડવા તજવીજ કરી હતી.

પોલીસે તપાસ કરતાં મૃત્‍યુ પામનાર રસિકભાઇ મોલીયા હોવાનું ખુલતાં તેમના સગાને જાણ કરી હતી. વધુ માહિતી અનુસાર રસિકભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. ખેતી કરવા સાથે દિકરા અંકુરભાઇની ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવેલી અંકુર ઓટો પાર્ટસ નામની દૂકાને  બેસવા સાથે ખેરડી ગામે ખેતી કરતાં હતાં. સવારે તેઓ બાઇક હંકારી ખેરડી વાડીએ જવા નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. મોભીના મૃત્‍યુથી મોલીયા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. પોલીસે ટ્રકચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. ઉલ્લેખનિય છે કે અઠવડીયા પહેલા માલિયાસણ પાસે જ રોંગ સાઇડમાં ધસી આવેલા ટ્રકે રિક્ષાનો બૂકડો બોલાવી દેતાં છ લોકોના મોત થયા હતાં. ત્‍યાં આજે વધુ એક જીવલેણ બનાવ બન્‍યો છે. (૧૪.૬)

(3:35 PM IST)