<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

માધવના આગમન કરતા મુકેશની રવાનગીથી કાર્યકરો ખુશખુશાલ! : ૧%ની ખોટ કોને કોને જશે ! ભારે ચર્ચા

શહેર ભાજપમાં નવા સુકાનીના આગમનથી કાર્યકરોના મગજની સીમા તેટલા ગણિત

રાજકોટ, તા. ૭ : બહુમતીથી છલકાતા રાજકોટ શહેર ભાજપમાં સબ સલામત હોવાનો અંદાજ આવે છે, પરંતુ આ અંદાજ ઉપરછલ્લો હોવાનું અનેકવાર બહાર આવ્‍યું છે ત્‍યારે ગઇકાલે રાજકોટ ભાજપ પ્રમુખ તરીકે માધવ દવેની નિમણુંક થતા મુળ ભાજપી અને સંઘ પરિવારમાં આનંદ છવાયો હતો.

છેલ્લા કેટલાક સમયની કોંગ્રેસી કુળ ધરાવતા નેતાઓ ટોચના સ્‍થાને બેસીને જોહુકમી અને સત્તા ભોગવતા હોય સંઘ પરિવાર અને ભાજપના કાર્યકરોની સ્‍થિતિ દયનીય બની છે. પ્રથમવાર ભાજપ હાઇકમાન્‍ડે સંઘ પરિવારનું ગૌત્ર ધરાવતા કાર્યકરને જ ભાજપમાં મહત્‍વની જવાબદારી સોંપી છે. રાજકોટમાં પણ કોંગ્રેસીઓ સાથે આત્‍મીય નાતો ધરાવતા મુકેશજીની રવાનગી થતાં કાર્યકરોમાં ખૂબ રાજીપો છે. કાર્યકરોના હૈયે માધવ દવેના આગમન કરતા મુકેશજીની રવાનગી વધુ આનંદદાયક બની હતી.

ભાજપ કાર્યકરોમાં ચર્ચાતી વિગત મુજબ દરેક મીટીંગમાં ૧-૧ ટકાનો ભાગ લેવાનો હોય છે. જે સર્વવિદિત છે. ત્‍યારે આજની બેઠકમાં તો મુકેશજીને બદલે માધવજી બીરાજમાન થયા. હવે ૧-૧ ટકાનું શું ? કાર્યકરો કહે છે કે રાજકોટ નસીબદાર છે. ગઇકાલે ભાજપ પ્રમુખ તરીકે માધવ દવેની નિમણુંક થઇ અને આજની મિટીંગમાં ૧ ટકાનો સીધો જ ફાયદો થયો.. ? તેવી ચર્ચા ચાલે છે.

ભાજપના કાર્યકરોમાં ત્રીપૂટીની એક હથ્‍થુ શાસનથી ભારે રોષ છે ત્‍યારે ત્રીપુટીને ખંડીત કરીને માધવ દવેની હાઇકમાન્‍ડે નિમણુંક કરી છે. હવે ત્રીપુટીથી ‘બેલડી' બનનારમાં એક ને ટુંક સમયમાં અંકુશમાં લાવવામાં આવે તો નવાઇ નહીં.

(2:58 PM IST)