તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 6th March 2025
રિવોલ્વરમાંથી ફાયરીંગ થતાં વોર્ડ નં. ૧૭ના ભાજપ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને પગમાં ગોળી લાગી
કબાટમાંથી ઘરેણા કાઢતી વખતે પતિની લાયસન્સવાળી રિવોલ્વર નીચે પડતાં અકસ્માતે ગોળી છુટી ગયાનું કથનઃ પોલીસે તપાસ યથાવત રાખી

રાજકોટ તા. ૬: ઢેબર રોડ નારાયણનગરમાં રહેતાં વોર્ડ નં. ૧૭ના ભાજપના મહિલા નગરસેવક અનિતાબેન ગોૈતમભાઇ ગોસ્વામીને પોતાના ઘરે હતાં ત્યારે પગમાં પતિની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી લાગી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. જો કે ગોળી અકસ્માતે લાગી ગયાનું હાલ બહાર આવ્યું હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
જાણવા મળ્યા મુજબ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી પોતાના ઘરે હતાં ત્યારે પોતાના પતિની લાઇસન્સવાળી રિવોલ્વર અચાનક નીચે પડી જતાં ગોળી વાગી હતી. ત્રણ દિવસ પહેલાં રાજકોટમાં ભાજપ મહિલા કોર્પોરેટરને પોતાના જ ઘરમાં ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતાં. અનિતાબેન ગોસ્વામીને પ્રથમ મધુરમ અને બાદમાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અનિતાબેન લગ્ન પ્રસંગ માટે પહેરવાના ઘરેણાં કાઢી રહ્યાં હતાં. આ દરમિયાન તે જગ્યાએ પડેલી પોતાના પતિ ગૌતમ ગોસ્વામીની લાયસન્સવાળી રિવોલ્વર નીચે પડી અને અચાનક તેમાંથી ગોળી છૂટી જતાં તે ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ સારવાર હેઠળ છે.
આ બનાવની જાણ હોસ્પિટલ મારફત પોલીસને થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં જરૂરી કાર્યવાહી કરી નિવેદન નોંધાયુ હતું. જેમાં અનિતાબેને રિવોલ્વર અકસ્માતે નીચે પડતાં ગોળી છુટી ગયાનું જણાવ્યું હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. ખરેખર આ રીતે ગોળી વછુટે કે કેમ? તે સહિતની તપાસ થઇ રહી છે. (૧૪.૧૦)
(4:37 PM IST)










