<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જૂગારમાં સાતેક હજાર રૂપિયા હારી જતાં છોટુનગર ઝૂપડપટ્ટીના સુરેશે ગળાફાંસો ખાઇ મોત મેળવ્‍યું

સવારે ગૂમ થયો, સાંજે ચારેક વાગ્‍યે ફોન કરી કહ્યું આ મારો છેલ્લો ફોન, મેં તમને બહુ હેરાન કર્યા છે...પછી અગાસીના કાંગરે રાંઢવુ બાંધી લટકી ગયો :પોતે આજીડેમમાં પડવા ગયો છે કહેતાં પરિવારજનો ત્‍યાં દોડી ગયાઃ બાદમાં તપાસ કરતાં સામે જ બંધ પડેલા કાકાના ઘરમાં હતોઃ દરવાજો તોડીને પરિવારજનો અંદર જતાં ફાંસો ખાધેલો મળ્‍યો

રાજકોટ તા. ૬: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટી શેરી નં. ૧૩માં રહેતાં સુરેશ રમેશભાઇ વડેચા (ઉ.વ.૨૧) નામના યુવાને પોતાના ઘરની સામે જ બંધ પડેલા પોતાના કાકા વિનોદભાઇ વડેચાના ઘરની અગાસીના કાંગરામાં રાંઢવુ બાંધી પડતું મુકી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

સુરેશને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે મૃત જાહેર કર્યો હતો. સગાએ જણાવ્‍યું હતું કે સુરેશ પાંચ ભાઇ અને બે બહેનમાં ચોથો અને કુંવારો હતો. તે છુટક બકાલા, ભંગારનો ધંધો કરતો હતો. જો કે તેને જૂગાર રમાવની આદત હોઇ ગમે ત્‍યાં જૂગાર રમવા બેસી જતો હતો. છેલ્લે તે સાતેક હજાર રૂપિયા હારી જતાં ચિંતામાં હતો. બુધવારે સવારે ઘરેથી નીકળી જતાં અને ગૂમ થઇ જતાં બધા શોધખોળ કરી રહ્યા હતાં. બાદમાં તેણે સાજે ચારેક વાગ્‍યે ભાઇને ફોન કરીને કહેલુ કે હવે આ મારો છેલ્લો ફોન છે, હવે હું આજીડેમમાં પડીને મરી જઇશ, મેં તમને બહુ હેરાન કર્યા છે. આમ કહી ફોન કટ કરી નાંખ્‍યો હતો.

પરિવારજનો તેને શોધવા ડેમ તરફ દોડી ગયા હતાં. પરંતુ ત્‍યાં તે મળ્‍યો નહોતો. દરમિયાન સામે જ કાકાનું ઘર બંધ પડયું હોઇ શંકા પરથી તેમાં તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં નહિ ખોલતાં દરવાજો તોડી પરિવારજનો  અંદર જતાં ધાબા પરના કાંગરામાં રાંઢવુ બાંંધી લટકતી હાલતમાં તે મળતાં હોસ્‍પિટલે ખસેડયો હતો પરંતુ જીવ બચ્‍યો નહોતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. જૂગારમાં રૂપિયા હારી જતાં આ પગલુ ભર્યાનું તેના સગાએ કહ્યું હતું.

(3:40 PM IST)