<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રાજ્‍યભરમાંથી ૧ હજાર બસોની ૪ હજાર ટ્રીપો રદ, રાજકોટ ડિવિઝનની ૧૫૦ બસોની ૪૦૦ ટ્રીપો

વડાપ્રધાનની સભામાં મેદની એકત્ર કરવા એસ.ટી ની બસો રાજ્‍ય સરકારે કબજે લેતા મુસાફરોને ભારે હાલાકી પડશેઃ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિનો વિરોધ

રાજકોટઃ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, પ્રદિપસિંહ જાડેજા (ગોંડલ), એસ.પી રાજાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જયંતીભાઈ હિરપરા, મયુરભાઈ શાહ, જીગ્નેશ વાગડિયાની સંયુક્‍ત યાદી જણાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી સુરત ખાતે તારીખ ૭ અને નવસારી ખાતે ૮ ના રોજ કેન્‍દ્ર સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત એક લાખ મહિલાઓનું સંમેલન કરવામાં આવશે અને વડાપ્રધાનના વિવિધ લોકાર્પણના કાર્યક્રમોમાં મોટી સંખ્‍યામાં લોકોને એકત્રિત કરવા અને ભીડ ભેગી કરવા માટે એસ.ટી નિગમ દ્વારા ૧ હજાર જેટલી બસો ફાળવવામાં આવશે અને ૪ હજાર જેટલી ટ્રીપો રદ કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનની ૧૫૦ બસોની ૪૦૦ ટ્રીપો રદ કરવામાં આવશે. અમારી જાણ મુજબ રાજ્‍ય સરકારે સરકારી ઉત્‍સવોમાં પાંચ વર્ષમાં એસ.ટીની બસો ભાડે લઈ ૪૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. અને અંદાજે ૫૦ હજારથી વધુ બસો સરકારી ઉત્‍સવમાં એસ.ટી ની બસો લઈ જવાતા યાત્રિકોને સુવિધા ઝુટવી લેવામાં આવી છે. રાજ્‍ય સરકાર એક તરફ ૩૦૦ કિલોમીટર દૂરથી એસ.ટી ની બસો ખાલી ખાલી જતી હોય છે તો પ્રજાના નાણાનો ધુમાડો થાય છે અને ગુજરાતના જે ગામડે એસ.ટી બસના દર્શન ન થયા હોય તેવા ગામડે બસો વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત દોડાવવામાં આવશે. એસ.ટી ની બસો સરકારી તાઈફાઓમાં લઈ જવાથી આવી એસ.ટી બસોના કરોડો રૂપિયાનું ભાડું પણ રાજ્‍ય સરકાર એસ.ટી ને સમયસર ચુકવતી નથી.

એક બાજુ સલામત સવારી અને બીજી બાજુ કલાકો સુધી બસો નહીં મળે. કારણકે બે દિવસમાં ૨૦% સંચાલન બંધ રહેતા ગુજરાતના યાત્રિકોને માટે અફડા તફડી જેવો માહોલ રહેશે. અને મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડશે અને કાં તો બસો નહીં મળવાને કારણે વિદ્યાર્થીઓ, મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝનને ભારે હાલાકી વેઠવી પડશે અને ખાનગી વાહનો બેફામ ભાડા વસુલી ઉઘાડી લૂંટ ચલાવશે.

મુસાફરોની સુવિધા ઝુંટવી લઈ એસ.ટી ની બસોનો દુરુપયોગ ની સામે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢે છે અને રાજ્‍ય સરકારને ભીડ ભેગી કરવા જો અભરખો જાગ્‍યો હોય તો સરકારી બસોને બદલે ખાનગી બસો, ખાનગી પેસેન્‍જર વ્‍હીકલ ચૂંટણીની જેમ ડીટેઇન કરી ભાડે લેવા માંગણી કરાઇ છે.

(3:14 PM IST)