તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
મોટા મવામાં રહેતાં ચાના ધંધાર્થી વિપુલ ગોલતરે ત્યકતાને ફસાવી વારંવાર દૂષ્કર્મ આચર્યુઃ ગર્ભપાત કરાવવો પડયો
પોતાને પત્નિ સાથે ભળતું નથી, લગ્ન કરશે કહી લલચાવીઃ છેલ્લે લગ્ન કરવાની ના પાડી દીધીઃ કટકે કટકે રૂા. ૨.૮૦ લાખ પણ લઇ ગયાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લીધો

રાજકોટ તા. ૬: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. તેત્રીસ વર્ષની ત્યકતા મહિલા સાથે ચાનો થડો ચલાવતાં પરણેલા શખ્સે પરિચય કેળવી લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લઇ તેમજ બે વખત ગર્ભપાત કરાવડાવી છેલ્લે લગ્નની ના પાડી દેતાં ફરિયાદ થઇ છે. કટકે કટકે આ શખ્સ આ મહિલા પાસેથી ૨ લાખ ૮૦ હજારની રોકડ પણ લઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં પોલીસે ૩૩ વર્ષની મહિલાની ફરિયાદ પરથી મોટા મવા ગામમાં રહેતાં વિપુલ ગોલતર નામના ૩૩ વર્ષના શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે હું હાલ એકલી રહુ છું. મારા લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા છે અને એક સંતાન જે તે વખતે પતિને સોંપી દીધુ હતું. હું અલગ અલગ ઇવેન્ટમાં બાઉન્સર તરીકે કામ કરવા જતી હોઇ વર્ષ ૨૦૨૧ના સમયમાં કાલાવડ રોડ પર એક ઇવેન્ટ વખતે નજીકમાં ચાનો થડો ધરાવતાં વિપુલ ગોલતરના થડે ચા પીવા ગઇ હતી ત્યારે તેની સાથે ઓળખાણ થઇ હતી. એ પછી તેણે વાતચીત આગળ વધારી હતી અને પોતાને પત્નિ સાથે વાંધો ચાલે છે છુટુ કરી દેવાનું છે તેમ કહી મને લગ્નની લાલચ આપી હતી.
એ પછી એક રૂમ ભાડેથી અપાવી હતી અને ત્યાં જ હું રહેતી હતી. આ રૂમ ખાતે વિપુલ અવાર-નવાર આવતો હતો અને લગ્નની લાલચ દઇ વારંવાર શરીર સંબંધ બાંધી લેતો હતો. આ કારણે મને બે વખત ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવાવો પડયો હતો. આ ઉપરાંત વિપુલ મારી પાસેથી કટકે કટકે રકમ પણ લઇ જતો હતો. આ રીતે કુલ રૂા. ૨,૮૦,૦૦૦ લઇ ગયો હતો. છેલ્લે તેણે મને લગ્નની ના પાડી દીધી હતી અને વિશ્વાસઘાત કર્યો હતો. તેમ વધુમાં ભોગ બનનારે જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. એચ. ચોૈહાણે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. (૧૪.૧૧)
(4:32 PM IST)










