<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

વિરાણી અઘાટમાં કેટરર્સ કર્મચારી ભેરૂલાલ, પ્રકાશ, સંજય પર બે અજાણ્‍યાનો છરીથી હુમલો

બાઇક નં. ૮૫૯૩ ઉપર આવેલા શખ્‍સો એક કર્મચારી સાથે ઝઘડતાં હોઇ તેને ભગાડી દેવાયા બાદ થોડીવાર પછી છરીથી તૂટી પડયા

રાજકોટ તા. ૬: વિરાણી અઘાટમાં રહેતાં અને કેટરીંગનું કામ કરતાં ત્રણ યુવાનો પર બાઇક પર આવેલા બે અજાણ્‍યા શખ્‍સો છરીથી હુમલો કરી તેમજ ઇંટના ઘા કરી ઇજા પહોંચાડી ભાગી જતાં ત્રણેયને સારવાર માટે દાખલ કરાયા હતાં. આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ઢેબર રોડ વિરાણી અઘાટ રાજકમલ પેટ્રોલ પંપવાળી શેરીમાં નગીન બસ નજીક રહેતાં ભેરૂલાલ રતનલાલ મેઘવાલ (ઉ.વ.૩૪) નામના કેટરીંગ સંચાલકની ફરિયાદ પરથી જીજે૧૩એક્‍યુ-૮૫૯૩ ઉપર ભાગેલા બે શખસો સામે ગુનો નોંધ્‍યો છે.

ભેરૂલાલે જણાવ્‍યું છે કે હું મુળ રાજસ્‍થાનનો વતની છું અને હાલ અહિ કેટરીંગનું કામ કરી સ્‍ટાફ સાથે રહુ છું. રાતે સવા બારેક વાગ્‍યે અમે પહેલા માળે ટીવી જોતા હતાં ત્‍યારે નીચે દેકારો થતાં અમે ચાર પાંચ કેટરીંગાળા નીચે ઉતર્યા હતાં. મારી સાથે અન્‍ય કર્મચારી સંજય ગુલાબભાઇ પારંગી (ઉ.વ.૧૯) અને પ્રકાશ કચરાભાઇ આદીવાસી (ઉ.વ.૨૯) તેમજ શંકર, જગદીશ, રાજુ, માનસિંગ સહિતના હતાં.

બાઇક પર આવેલા બે શખ્‍સો અમારા સ્‍ટાફના પ્રકાશ સહિતની સાથે બોલાચાલી કરતાં હોઇ અમે તેને ભગાડી મુક્‍યા હતાં. પાંચેક મિનીટ બાદ ફરીથી આ બંને આવ્‍યા હતાં અને કંઇપણ બોલ્‍યા વગર છરીથી હુમલો કરી આડેધડ ઘા મારતાં મને પડખામાં અને કપાળે ઇજા થઇ હતી. જ્‍યારે મારી સાથેના પ્રકાશ અને સંજયને પણ માથામાં ઇજાઓ થતાં અમને ત્રણેયને લોહી નીકળવા માંડયા હતાં. દેકારો થતાં આ બંને ભાગી ગયા હતાં. જતાં જતાં ઇંટનો ઘા પણ માર્યો હતો. બાદમાં અમે શેઠ ગોૈતમભાઇને જાણ કરતાં અમને હોસ્‍પિટલે ખસેડાયા હતાં. તેમ વધુમાં ભેરૂલાલે કહેતાં હેડકોન્‍સ. પી. એન. ગોહિલે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(3:00 PM IST)