News of Wednesday, 5th March 2025
યાસ્મીનબેન અને દિકરી સાહિસ્તાને પતિ-પુત્રએ મારકુટ કરી ફિનાઇલ પીવડાવી દીધાનો આક્ષેપ
કિસાનપરા ચોક શક્તિ કોલોનીમાં બનાવઃ મા-દિકરી સારવાર હેઠળઃ યાસ્મીનબેને સાતેક મહિના પહેલા પતિ સામે કેસ કર્યો છેઃ તે પાછો ખેંચી લેવા કહી માથાકુટ કરાયાનું કથન

રાજકોટ તા. ૫: કિસાનાપરા ચોક નજીક શક્તિ કોલોનીમાં રહેતી મહિલા અને તેની દિકરી પર નહેરૂનગરમાં અલગ રહેતાં પતિ, પુત્ર સહિતે આવી હુમલો કરી ફિનાઇલ પીવડાવી દેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પતિ પર સાતેક મહિના પહેલા કેસ કર્યો હોઇ તેની બે દિવસ પછી તારીખ હોઇ કેસ પાછો ખેંચી લેવાનું કહી માથાકુટ કરી હુમલો કરાયાનો અને ફિનાઇલ પીવડાવી દેવામાં આવ્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
જાણવા મળ્યા મુજબ શીક્ત કોલોનીમાં રહેતાં યાસ્મીનબેન સુલ્તાનભાઇ કોચલીયા (ઉ.વ.૪૨) અને દિકરી સાહિસ્તા સુલ્તાનભાઇ કોચલીયા (ઉ.વ.૧૭) રાતે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. યાસ્મીનબેને પોતાને પતિ સુલ્તાન અને પુત્ર સલમાને માર મારી ફિનાઇલ પીવડાવી દીધાનું અને વચ્ચે પડેલી દિકરી સાહિસ્તાને આગલા ઘરની દિકરી કરિશ્મા અને નણંદની દિકરી ટીનાએ ફિનાઇલ પીવડાવી દીધાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે આ મુજબની નોંધ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરાવી હતી.
યાસ્મીનબેને હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે તેના સુલ્તાન કોચલીયા સાથે બાર વર્ષ પહેલા લગ્ન થયા છે અને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે. સુલતાનને આગલા ઘરની એક દિકરી પણ છે. પતિ સુલતાન ફોટોગ્રાફી, વિડીયો શુટીંગનું કામ કરે છે. પતિ અલગ નહેરૂનગરમાં રહે છે અને પોતે તથા દિકરી કિસાનપરા ચોક શક્તિ કોલોનીમાં રહે છે. પતિ સામે સાતેક મહિના પહેલા કેસ કર્યો હોઇ તેની બે દિવસમાં તારીખ છે. દિકરા સલમાને પણ અગાઉ હુમલો કર્યો હોઇ તેના વિરૂધ્ધ પણ ફરિયાદ કરી હતી. કેસ પાછો ખેંચી લેવાનું કહી પતિ, પુત્ર, પતિની આગલા ઘરની દિકરી સહિતનાએ રાતે ઘરે આવી મારકુટ કરી હતી તેમજ પોતાને અને દિકરી સાહિસ્તાને ફિનાઇલ પીવડાવી દીધી હતી. તેવો આક્ષેપ યાસ્મીનબેને કરતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(4:41 PM IST)










