તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
મોડલિંગમાં માનસીએ મન મોહ્યાઃ રાજકોટનું ગૌરવ
ધો.૧ર માં અભ્યાસ કરતી માનસી કટારીયા મીસ બોલીવુડ ગુજરાત-ર૦રપની વિજેતા જાહેર કરાઇ : તુષાર કપુર અને નવીના ભોલે દ્વારા વિજેતા જાહેર કરાઇ : ભવિષ્યમાં મોડલિંગ એકેડમી શરૂ કરવાનું માનસીનું સપનુ

રાજકોટ તા.૩: ગ્લેમર અને ઝાકઝમાળથી ભરપુર મોડલિંગના વ્યવસાયને હવે સન્માનની નજરે પણ જોવાય છે. મોડલીંગનું ક્ષેત્ર એટલું વિશાળ બન્યુ છે કે, વિદેશની સાથે દેશમાં પણ વિવિધ ક્ષેત્રે મોડલ્સની જરૂર પડે છે. બહું ઓછી યુવતીઓ હોય છે જે પહેલેથી જ મોડલીંગ ક્ષેત્ર પસંદ કરે છે. રાજકોટની ધો.૧રની વિદ્યાર્થીની માનસી કટારીયા પણ તેમાની એક છે. જેને તાજેતરમાં મીસ બોલીવુડ ગુજરાત-ર૦રપનો તાજ જીત્યો છે. માનસી મહેશભાઇ કટારીયા અકિલા કાર્યાલય ખાતે આવ્યા હતાં અને વિગતો આપી હતી.
માનસી મહેશભાઇ કટારીયાએ જણાવ્યું હતુ કે, વર્ષ ર૦ર૧માં હોનોસ્કોર સંધુ જયારે મીસ યુનિવર્સ બની ત્યારે તેને જોઇ મને પણ મોડલીંગ ક્ષેત્રે જવાની પ્રેરણા મળી. માનસીના માતા પિતા ગીતાબેન અને મહેશભાઇએ દીકરીને મોડલીંગ ક્ષેત્રે આગળ વધવાની તક સાથે પ્રોત્સાહન આપતા. માનસીએ ર૦ર૧ થી જ મોડલીંગ ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય કર્યો અને નાની મોટી અનેક મોડલીંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો.
માનસી કહે છે, હું રાજકોટની સીએલએમ મોડલીંગ એકેડમીમાં મોડલીંગ શીખુ છું. તાજેતરમાં ર૩ ફેબ્રુઆરી ર૦રપના રોજ આ એકેડમી દ્વારા રાજકોટ ખાતે મીસ બોલીવુડ ગુજરાત-ર૦રપ મોડલીંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં અભીનેતા તુષાર કપુર અને અભિનેત્રી નવીના ભોલે જયુરી તેમજ સેલીબ્રીટી ગેસ્ટ હતા. આ સ્પર્ધામાં હું વિજેતા બની હતી અને ‘મીસ બોલીવુડ, ગુજરાત ર૦રપ'નો ખીતાબ જીત્યો હતો. તસ્વીરમાં નવિના ભોલે સાથે માનસી કટારીયા નજરે પડે છે.
હાલ માનસી કટારીયા ધો.૧ર કોમર્સની પરીક્ષા આપી રહયા છે. તેમના પિતા મહેશભાઇ પણ ખુબ સારા ડાન્સર રહી ચુકયા છે અને સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માનસીના બંને ભાઇઓ હર્ષ અને રોહન પણ તેને ખુબ સપોર્ટ કરે છે. મીસ ગુજરાત સ્પર્ધા ર૦રપનું આયોજન સીએલએમ એકેડમીના દિપાશા ગોહિલ દ્વારા કરાયું હતું.
માનસી કહે છે, મોડલીંગ ક્ષેત્રે જ મારે કારકીર્દી બનાવવી છે. હાલ ઘણી મોડલીંગ ઓફરો પણ આવે છે. મીસ બોલીવુડ ગુજરાત ર૦રપની વિજેતા બન્યા બાદ ફિલ્મ શુટ કે એડ શુટમાં કામ કરવાની તક રહેલ છે.
માનસી કટારીયા કહે છે, ભારતમાં મોડલીંગ શીખવતી એકેડમી બહુ ઓછી છે. ભવિષ્યમાં મારે મોડલીંગ એકેડમી ખોલવાની પણ ઇચ્છા અને સપનુ છે. જો ફીલ્મોની ઓફર મળશે તો એ પણ ચોકકસ કરશે. વધુ માહીતી માટે vibe_with_mansi અને official_mansi_1970 ઇન્સટાગ્રામ એકાઉન્ટ તથા [email protected] પર સંપર્ક કરી શકાય છે.
(4:44 PM IST)










