તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
જિલ્લા પંચાયતમાં ચુટણીના વર્ષની અસરઃ સભ્યોની ગ્રાંટ વધારીને ત્રીસેક લાખ કરાશે
બજેટ માટે ૧૧ મીએ કારોબારી અને ર૪ મીએ સામાન્ય સભા

રાજકોટ, તા. ૩ : જિલ્લા પંચાયતમાં ચાલુ માસની તા. ૧૧ મીએ કારોબારી સમિતિની બેઠક અને તા. ર૪મીએ સામાન્ય સભા મળનાર છે. બન્ને બેઠકોમાં બજેટ કેન્દ્ર સ્થાને રહેશે. ચૂંટાયેલી પાંખ માટે આવતી સામાન્ય ચૂંટણી પૂર્વનું આ અંતિમ બજેટ છે. આ વખતના બજેટને આકર્ષક બનાવવા પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ચૂંટણીનું વર્ષ હોવાથી લોકવિકાસ કાર્યો માટે ચૂંટાયેલા સભ્યોને વધુ ગ્રાન્ટ ફાળવવા પ્રયાસો થઇ રહ્યા છે. સરકાર દ્વારા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં માતબર આવક થતા ચાલુ વર્ષે સભ્યોને વધુ ગ્રાન્ટ આપવા માંગે છે.
નાણાપંચના નાણાની ફાળવણી ઉપરાંત સભ્યદીઠ તેમના મતક્ષેત્રમાં વિકાસ કામો કરાવવા વાર્ષિક નિયત ગ્રાન્ટ ફાળવાતી હોય છે. ગયા વર્ષે સભ્ય દીઠ રૂા. રર-રર લાખ ગ્રાન્ટ ફાળવાયેલ આ વખતે ચૂંટણી પૂર્વના મહિનાઓમાં સભ્યો પોતાના વિસ્તારમાં વધુ લોકકાર્યો કરાવી શકે તે સભ્ય દીઠ રૂપિયા ત્રીસ-ત્રીસ લાખ રૂપિયા ગ્રાન્ટ તરીકે ફાળવવાનું આયોજન થઇ રહ્યાનું પંચાયતના વર્તુળો જણાવે છે.
સામાન્ય સભામાં સભ્યોને બજેટ ઉપરાંત પ્રશ્નોતરી પણ રહેશે. સભાનો વિધિવત એજન્ડા પ્રસિધ્ધ થયા બાદ ચૂંટાયેલા સભ્યો પોતાના પ્રશ્નો રજુ કરી શકશે. એજન્ડા ઉપરાંત પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી પ્રમુખ સ્થાનેથી કોઇ ઠરાવ રજુ કરે તેવી શકયતા નકારતી નથી. ડી.ડી.ઓ. તરીકે શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત કારોબારી અને સામાન્ય સભા આવી રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાીધકારીઓ આ અઠવાડિયામાં ૪ કોર્ટ બિલ્ડીંગ ખાતેની પંચાયત કચેરીમાં બેસવા મોડે તેવા નિર્દેષ છે.
(4:46 PM IST)










