<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

નથી નવી શિક્ષણનીતીનો અમલ કે નથી વિદ્યાર્થી ઉત્‍કર્ષ છતાં ધંધાદારી કોલેજોમાં લોલંલોલઃ સત્તામંડળના સભ્‍યોની નિમણુંક પણ બંધઃ શિક્ષણકાર્ય ખોરંભે

કાલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ... પરંતુ અનેક પાયાના પ્રશ્નો લાં...બા સમયથી પડતર કાયમી કુલપતિ ઉત્‍પલ જોશી માત્ર બાંધકામ કાર્યમાં વ્‍યસ્‍ત : શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા તરફ મીટ

રાજકોટ, તા., ૩: સંશોધન અને શૈક્ષણીક સિધ્‍ધીથી સમગ્ર ગુજરાત રાજય નહિ પરંતુ દેશ-વિદેશમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો સુવર્ણકાળ પુર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણીના કાર્યકાળ દરમિયાન આવ્‍યો હતો. માત્ર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઉત્‍કર્ષ માટે કાર્યરત પુર્વ કુલપતિ ડો.કનુભાઇ માવાણી બાદ અન્‍ય કોઇ કુલપતિ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને નવી ઉંચાઇએ પહોંચાડવામાં નિષ્‍ફળ નિવડયા છે. ત્‍યારે વર્તમાન કુલપતિ ડો.ઉત્‍પલ જોશી પણ તેમની ટુંકી કામગીરી પણ પ્રશ્નો ઉભા કરી રહી છે.

અગાઉ ફોર સ્‍ટારથી સન્‍માનીત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આજે બી ગ્રેડમાં સીમીત થઇ છે. પરિણામે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને તેની પદવી મેળવનાર હજારો વિદ્યાર્થીઓ ઉપર અસર પડી રહી છે. ત્‍યારે આવતીકાલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૪ર,૬૭૭ થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત થનાર છે. શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયા લાંબા સમય બાદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આવતા હોય તેમની સમક્ષ પણ કેટલીક ગંભીર બાબતો મુકવામાં આવી રહી છે.

ભારત સરકાર દ્વારા વિશ્વ વિદ્યાલયો માટે કોમન એકટ અને નવી શિક્ષણ નીતી અમલમાં આવી છે. પરંતુ તેનો સાવ નહિવત અમલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં થયો છે. હજુ વર્તમાન કુલપતિ ઉત્‍પલ જોશી અનુકુળ નિયમોનું અર્થઘટન કરીને કેટલાક નિર્ણયો લઇ રહયા હોય તેવી સ્‍થિતિ નિર્માણ પામી છે.

ગુજરાત રાજયની તમામ યુનિવર્સિટીમાં પીએચડી પરીક્ષાઓ લેવામાં આવે છે. તો સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ અચાનક પરીક્ષા રદ કરીને પીએચડી થવા ઉત્‍સુક હજારો વિદ્યાર્થીઓને અન્‍યાય કર્યો છે. બે વર્ષ થઇ ગયા છતાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ હજુ સુધી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ, એકઝયુકેટીવ કાઉન્‍સીલ, એકેડેમીક કાઉન્‍સીલમાં હજુ સુધી નિમણુંક કરવામાં આવી નથી. જયારે રાજયની અન્‍ય યુનિવર્સિટીઓમાં નિમણુંકો થઇ ગઇ છે. નિમણુંકોના અભાવે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને મળતા લાભોથી વંચીત રહેવાની સ્‍થિતિ આવે છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં અને તેને સંલગ્ન કોલેજોમાં અધ્‍યાપકો અને આચાર્યોની પ૦ ટકા નિયુકતી બાકી છે. તે તરફે પણ કોઇ કાર્યવાહી થતી નથી. રાજકીય આગેવાનોની ખાનગી કોલેજોમાં બીયુપી અને ફાયર એનઓસી વિના ચાલતી કોલેજો સામે પણ આંખ મિચામણા થઇ રહયા છે. તેમાંય ધંધાદારી કોલેજોમાં અધ્‍યાપકો નથી, છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી.

સમગ્ર ગુજરાત રાજયમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણીક ભવનોની તેમની શિક્ષણ યાત્રા ખુબ અસરકારક અને પ્રભાવશાળી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્‍યા સતત ઘટી રહી છે. બે-ત્રણ ભવનોમાં તો વિદ્યાર્થીઓ કરતા પ્રોફેસરોની સંખ્‍યા વધુ છે. શૈક્ષણીક ભવનોમાં અનિયમીત શિક્ષણ કાર્ય થતુ હોવા છતાં કુલપતિ ઉત્‍પલ જોશીએ કોઇ નક્કર પગલા લીધા નથી.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી કર્મચારીઓની ભરતી હજુ અધ્‍ધરતાલ છે. ત્‍યારે દિવ્‍યાંગજનોની ભરતીની જાહેરાત ર૮ ફેબ્રુઆરી પહેલા આપવાની હતી પરંતુ તે મુદ્દે પણ કોઇ કાર્યવાહી થઇ નથી.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી હાલ બી ગ્રેડમાં છે. નેકનું  ઇન્‍સ્‍પેકશન ર૦ર૬માં થવાનું છે. પરંતુ તે માટે કોઇ કાર્યવાહી હાલ કુલપતિ ઉત્‍પલ જોશી દ્વારા હાથ ધરવામાં આવતી નથી. પરીણામે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ગ્રેડ છીનવાઇ જાય તો નવાઇ નહિ.

આવતીકાલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી પધારવાના હોય આ અંગે કેટલાક ચિંતકો ધ્‍યાન દોરનાર હોવાનું જાણવા મળે છે.

(3:11 PM IST)