તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
કારના ચોરખાનાઓમાં ૩૮૦ ચપલા, ૩૦ બોટલો છુપાવી રાજકોટ સપ્લાય કરવા આવેલો વલસાડનો ધર્મેશ પકડાયો : જુઓ વિડિયો
પોલીસથી બચવા અજબ ગજબના નુસ્ખાઓઃ ટેલ લાઇટ, પેટ્રોલ ટેન્ક, આર્મ્સ રેસ્ટ અને સ્પેર વ્હીલની જગ્યાએ હતાં ચોરખાના બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એ. બી. ચોૈધરી, એએસઆઇ અનિલસિંહ ગોહિલની ટીમની કામગીરીઃ કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, નરેશભાઇ ચાવડાની બાતમી પરથી પેડક રોડ સેટેલાઇટ ચોકમાં કાર્યવાહીઃ દારૂ મંગાવનારની શોધખોળ

રાજકોટ તા. ૩: દારૂના સપ્લાયરો, બૂટલેગરો પોલીસથી બચવા નવા નવા કિમીયા શોધી કાઢતાં હોય છે. દરમિયાન વલસાડનો એક શખ્સ પોતાની કારમાં ચાર અલગ અલગ ચોરખાનાઓમાં દારૂના ચપલા, બોટલો છુપાવી રાજકોટ સપ્લાય કરવા આવતાં બી-ડિવીઝન પોલીસને બાતમી મળતાં તેને પકડી લીધો હતો. આ ભેજાબાજે પોતાની પાસેની કારમાં ટેલ લાઇટ, પેટ્રોલ ટેન્ક, આર્મ્સ રેસ્ટની જગ્યા અને સ્પેર વ્હીલની જગ્યામાં દારૂના ચપલાઓ, બોટલો છુપાવ્યા હતાં. તેણે આ જગ્યાઓમાંથી ચપલા-બોટલો કાઢીને પોલીસને આપતાં પોલીસ પણ માથુ ખંજવાળવા માંડી હતી.
જાણવા મળ્યા મુજબ દારૂબંધીનો અમલ કરાવવા બી-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા અને નરેશભાઇ ચાવડાને બાતમી મળી હતી કે પેડક રોડ પર સેટેલાઇટ ચોક નજીક અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ નજીક જીજે૧૫સીક્યુ-૦૯૦૬ નંબરની કાર આવી છે અને તેમાં દારૂનો જથ્થો ભરેલો છે. પોલીસની ટીમે ત્યાં પહોંચી તપાસ કરતાં બાતમી મુજબની કાર મળી હતી. તેના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ ધર્મેશ છીબુભાઇ નાયકા (ઉ.વ.૪૪-રહે. ધરમપુર રોડ, અબ્રામા જરણા પાર્ક પાસે સોનાદર્શન સોસાયટી પ્લોટ-૭૪, વલસાડ) જણાવ્યું હતું. પોલીસે તેની કાર ચેક કરતાં કંઇ મળી આવ્યું નહોતું. પણ અંદર દારૂ હોવાની પાક્કી માહિતી હોઇ આ શખ્સની ઉલટ પુછતાછ કરતાં તેણે કારની અંદર જ બનાવેલા ચાર અલગ અલગ ચોરખાનાઓમાંથી ચપલા બોટલો કાઢી આપ્યા હતાં.
ધર્મેશે કારમાં ટેલ લાઇટ, પેટ્રોલ ટેન્ક, આર્મ્સ રેસ્ટની જગ્યા, સ્પેર વ્હીલની જગ્યામાં બનાવેલા ચોરખાના બતાવ્યા હતાં. તેમાંથી ૧૮૦ એમએલના રૂા. ૧૮૭૨૪ના મેજીક મુમેન્ટ વોડકાના ૧૨૪ ચપલા, ૧૮૦ એમએલના ૨૧૭૭૧ના ઓલ સીઝન વ્હીસ્કીના ૧૨૩ ચપલા, રૂા. ૯૮૦૦ના ૭૫ એમએલના વ્હાઇટ વ્હીસ્કીના ૯૮ ચપલા, ૮૩૫૨ની ૭૫૦ એમએલની રોયલ ચેલેન્જની ૧૨ બોટલો, ૧૪૧૬૬ની ૭૫૦ એમએલની રોયલ સ્ટેગ બેરેલ વ્હીસ્કીની ૧૮ બોટલો કાઢી આપી હતી. એક જ કારમાં આટઆટલા ચોરખાના નિહાળી પોલીસ પણ અચંભામાં પડી ગઇ હતી.
ધર્મેશ સામે ગુનો નોંધી દારૂ, કાર, મોબાઇલ ફોન મળી રૂા. ૩,૭૭,૮૧૩નો મુદ્દામાલ કબ્જે કરી વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ હતી. આ શખ્સ અગાઉ વલસાડમાં દારૂમાં પકડાયો હતો. રાજકોટ પહેલી જ વખત આવ્યાનું અને મોબાઇલ નંબરને આધારે આ દારૂ સપ્લાય કરવાનો હોવાનું રટણ કર્યુ હતું. રાજકોટમાં કોણે દારૂ મંગાવ્યો? તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એ. બી. ચોૈધરી, એએસઆઇ અનિલસિંહ ગોહિલ, હેડકોન્સ. લાલજીભાઇ હાડગડા, કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, નરેશભાઇ ચાવડા, હાર્દિકભાઇ ગાજીપરા, વિનોદભાઇ પરમાર, રાજદિપભાઇ પટગીર અને મનજીભાઇ ડાંગર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
તસ્વીરમા કામગીરી કરનાર ટીમ અને બૂટલેગરે કારમાં જ્યાં જ્યાં દારૂ છુપાવ્યો હતો ત્યાંથી તેણે બહાર કાઢયો હતો તે દ્રશ્યો જોઇ શકાય છે.
(3:03 PM IST)










