તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
લોહાનગરની ૧૮ વર્ષની કુમકુમને સગાઇ ન કરવી હોવાથી ફાંસો ખાઇ આપઘાત
માતા-પિતા વિહોણી યુવતિ કાકા-કાકી સાથે રહેતી હતીઃ સગપણ માટે પરિવારજનોએ વાતચીત શરૂ કર્યા બાદ પગલું ભરી લીધું: દેવીપૂજક પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩: શહેરના ગોંડલ રોડ પર લોહાનગર રામાપીરના મંદિર પાસે રહેતી કુમકુમ કિરીટભાઇ પરમાર (ઉ.વ.૧૮) નામની યુવતિએ સાંજે ઘરના રૂમમાં લોખંડના એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
કુમકુમે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં એ-ડિવીઝનના હેડકોન્સ. સાગરભાઇ માવદીયાએ કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર કુમકુમના માતા-પિતા હયાત નથી. તે એક ભાઇથી નાની છે. તેણી કાકા-કાકી સાથે રહે છે. હાલમાં જ તેના ભાઇના લગ્ન કરવામાં આવ્યા હતાં. હવે તેણીના સગપણની વાતચીત પણ પરિવારજનોએ ચાલુ કરી હતી. પરંતુ તેણીને હાલમાં સગાઇ કરવાની ઇચ્છા નહોતી. કદાચ આ કારણે પગલુ ભરી લીધાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(2:57 PM IST)










