તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
બસપોર્ટમાં પોકેટમાર, લુખ્ખાઓ, નશાખોરોનો ત્રાસઃ ટ્રાફિકની અંધાધુંધી
વોલ્વો વેઇટિંગ રૂમના શૌચાલયમાં દારૂની બોટલો અને દેશી દારૂની ખાલી કોથળીઓના ઢગલાઃ ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતીની વિસ્તૃત રજુઆતઃ સમિતીએ હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬ પણ જાહેર કર્યા

રાજકોટ, તા. ૩: શહેરના એસટી બસપોર્ટમાં અનરાધાર સમસ્યાઓને કારણે મુસાફરોને હેરાનગતિ થઇ રહ્યાની રજૂઆત ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, એસ.પી રાજાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જયંતીભાઈ હિરપરા, મયુરભાઈ શાહ, જીગ્નેશ વાગડિયાએ કરી છે અને મુસાફરોને આ મુશ્કેલીઓમાંથી ઉગારવાની માંગણી કરી છે. તેમણે લેખીત યાદીમાં જણાવ્યું છે કે ઢેબરભાઇ રોડ ખાતેનું એસ.ટી બસ પોર્ટ પોકેટમાર, લુખ્ખાઓ, દારૂડિયાઓ, સમડી, ભિખારીઓનું આશ્રય સ્થાન અને અડ્ડો બની ગયું હોય તેવા દ્રશ્યો રોજ જોવા મળે છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. ઢેબર રોડ પર આવેલા આ એસ.ટી બસ પોર્ટ માં રોજિંદી ૧૫૦૦ એસટી બસોની અવર જવર રહે છે. હજારો મુસાફરો આવન જાવન કરી રહ્યા છે. હજારો મુસાફરોના જાન, માલ, મિલકતની પોલીસ તંત્ર કે એસ.ટી તંત્રને કશી દરકાર નથી.
રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે એસટી તંત્ર દ્વારા આ મુસાફરોને પડતી હાલાકી અંગે કોઈ હેલ્પલાઇન નંબર જાહેર નથી કરાયો. પરંતુ ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬ જાહેર કરવામાં આવતા મુસાફરોને રાહત થઈ છે અને મુસાફરો સતત ફરિયાદ કરે ત્યારે સમિતિ દ્વારા એનું નિરાકરણ લાવવા હર હંમેશ સતત પ્રયત્નશીલ રહે છે. મુસાફર હિતરક્ષક સમિતિને હેલ્પલાઇન નંબર પર નનામો ફોન આવેલ કે એસટી બસ પોર્ટના વોલ્વો વેઇટિંગ રૂમના શૌચાલયમાં ચક્કર મારવું, આ કોલના પગલે બપોરના ૧-૪૫ કલાકે શૌચાલયમાં તપાસ કરતા ખૂણામાં દારૂની બોટલ અને દેશી દારૂની કોથળી જોવા મળતાં જવાબદારને જાણ કરતાં તેમણે અમારે કાંઈ લાગે વળગે નહીં તેવો જવાબ આપ્યો હતો.
આ પછી કોંગ્રેસના ગજેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના ઓફિસરને જાણ કરી પોલીસ બોલાવી વોલ્વો વેઇટિંગ રૂમના શૌચાલયમાં પોલીસ સાથે જઇ પોલીસને દારૂની ખાલી બોટલ અને દારૂની બેગ મુદ્દામાલ તરીકે કબજે લવા કાર્યવાહી કરાવી હતી. આ અંગે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિએ વોલ્વો રૂમમાં શૌચાલયમાં દારૂની બોટલ અને દેશી દારૂની બેગ અંગે તટસ્થ તપાસ કરવા માટે મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથીમાં ફરિયાદ નંબર ૧૪૩૫૫૦થી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. થોડા સમય પહેલા રાત્રે ૨:૦૦ વાગ્યે પણ એસ.ટી શૌચાલયમાં દારૂની ખાલી બેગો પડી હોવાના ફોટોગ્રાફ અને અશ્લીલ ચિત્રો જે અહીં પ્રસિદ્ધ કરી શકાય તેમ નથી તેવા ચિત્રો સમિતિને મળેલા હતા. એટલે એસ.ટી બસ સ્ટેશનમાં રાત્રે કે દિવસના ઉપર કે નીચે કોઈપણ સ્થળે દારૂની મહેફિલો જામતી હોવાની આશંકા છે.
રજૂઆતમાં આગળ જણાવાયું છે કે થોડા દિવસ પહેલા પણ પ્લેટફોર્મ નંબર ૭ અને ૮ વચ્ચે પીધેલો માણસ પડ્યો હતો ત્યારે પણ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગજેન્દ્રસિંહ ઝાલાએ પીસીઆર વન બોલાવી આ પીધેલા મહેમાન ની એસ.ટી બસ પોર્ટ ની બારોબાર ધકેલવા વ્યવસ્થા કરાવી હતી. તાજેતરમાં રેસકોર્સના જાહેર બગીચામાં દારૂની ચારથી પાંચ બોટલોના ફોટોગ્રાફ સાથેના અહેવાલો વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયા હતા અને માધાપર એસ.ટી બસ સ્ટેશન ની અંદર સમિતિ દ્વારા પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત દેશી દારૂની ખાલી બેગો મળતા પોલીસ કમિશનરને ફોટોગ્રાફ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી એસ.ટી બસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી કરનાર કોણ છે? પોલીસ શંકાસ્પદ લાગતા લોકોને ચેક કરે અને ધરપકડ કરે તે જરૂરી છે.
ગુજરાત એસ.ટી માં નિયમિત અપ ડાઉન કરતા દરેક મુસાફરોને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે એસટીમાં ચાલતા ભ્રષ્ટાચારો મુસાફરોને પડતી અગવડતા, તંત્ર વાહકોની ઘોર બેદરકારી અને લાપરવાહી જણાય તો હેલ્પલાઇન નંબર પર જાણ કરી શકાશે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬. પર ફરિયાદ કરી શકાય છે. તેમ વધુમાં જણાવાયું છે.
(2:52 PM IST)










