News of Sunday, 2nd March 2025
રાજકોટમાં ચાલુ બસમાં માવો ચોળવો ડ્રાઇવરને ભારે પડ્યો: તંત્ર દ્વારા સીટી બસ ડ્રાઈવર સસ્પેન્ડ કરાયો : જુઓ વિડિઓ
ચાલુ બસે માવો ઘસતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ :ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરીને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયો

રાજકોટ સીટી બસનાં ડ્રાઈવરનો વીડિયો વાયરલ થતા તંત્ર દ્વારા ડ્રાઈવર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત દ્વારા ડ્રાઈવરને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સીટી બસનાં ડ્રાયવરની બેદરકારીને કારણે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે રાજકોટમાં સીટી બસનાં ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરી દ્વારા ચાલુ બસે માવો ઘસતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ તંત્ર દ્વારા વીડિયોનાં આધારે ડ્રાઈવર સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર મામલે રાજકોટ મનપાનાં સીટી એન્જિનીયર પરેસ અઢીયાએ જણાવ્યું હતું કે, આ વીડિયો મારા ધ્યાન પર આવ્યો છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. તેમજ કર્મચારી દ્વારા મુસાફરોનાં જીવ જોખમમાં મૂકીને આવું કરે તે ચલાવી શકાય નથી. આ ડીવિયો માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ ડ્રાયવર જઈ રહ્યો હતો. તે સમયનો છે. તેમજ ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરીને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
(5:51 PM IST)










