તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ધો.૧ર ભૌતિક વિજ્ઞાનના પેપરના એક પ્રશ્નના જવાબના આધારે મુલ્યાંકન
દ્રષ્ટિહીન છાત્રો અને સામાન્ય છાત્રોની મુશ્કેલી અંગે બોર્ડની સ્પષ્ટતા

રાજકોટ, તા., ૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની ભૌતિકવિજ્ઞાન (૦૫૪) વિષયની પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ના રોજ ૩.૦૦ થી ૬.૩૦ કલાક દરમિયાન યોજવામાં આવેલ.
તા.૨૭/૦૨/૨૦૨૫ના ભૌતિકવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રના મુખ્ય પેજ પર સૂચના નંબર-૯ માં આકળતિવાળા/ચાર્ટ પ્રશ્નોમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપેલા છે. જેનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રશ્નો માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે એમ જણાવેલ જ છે અને જ્યાં (ફક્ત દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે)ની સૂચનાની નીચેનો પ્રશ્ન દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે. પરંતુ પરીક્ષા દરમિયાન દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સમાન ક્રમાંક ધરાવતાં પ્રશ્નોની વચ્ચે (ફક્ત દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે) લખાયેલ હોઈ પરીક્ષાર્થીઓને કયા પ્રશ્નના ઉત્તર આપવો તે સમજવામાં મુશ્કેલી પડી હોવાની રજૂઆત મળેલ છે. જે ધ્યાને લેતાં વિદ્યાર્થીના હિતમાં આ પ્રકારનાં પ્રશ્નમાં વિદ્યાર્થીએ જે પ્રશ્નનો ઉત્તર આપ્યો હશે તેનું મૂલ્યાંકન કરી મળવાપાત્ર ગુણ આપવામાં આવશે.
વધુમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના અન્ય વિષયોના પ્રશ્નપત્રોમાં પણ સામાન્ય વિદ્યાર્થી માટેના ચિત્ર કે આકળતિ આધારિત પ્રશ્નોના વિકલ્પ સ્વરૂપે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્નક્રમાંક ધરાવતાં વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ હશે, જેની સંબંધિત પરીક્ષાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષકોએ નોંધ લેવી તેમ બોર્ડના સંયુકત સચિવ ડી. એસ. પટેલ જણાવે છે.
(3:20 PM IST)










