તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
દેરાસરમાં જુના ગાભાના ધંધાર્થી સાગરે ચોરી કરી'તીઃ એલસીબી ઝોન-૨ ટીમે ભેદ ઉકેલ્યો
ચોધરી હાઇસ્કૂલ સામે શ્રીચિંતામણી પાર્શ્વનાથ જીનાલયમાં બે દિવસ પહેલા બનાવ બન્યો હતો : રૂપિયાની જરૂર હોઇ દેરાસર પાસેથી નીકળ્યો ત્યારે ચોરી કરવાની ઇચ્છા થઇ અને અંદર ઘુસી ગયો હોવાનું રટણઃ ઘંટેશ્વર ૨૫વારીયાના શખ્સને સંતોષીનગર પાસેથી પકડી લીધોઃ રોકડ કબ્જેઃ એએસઆઇ જે. વી. ગોહિલ, શક્તિસિંહ, રાહુલભાઇ, હેમેન્દ્વરભાઇ, ધર્મરાજસિંહ, કુલદિપસિંહની ટીમની કામગીરીઃ કબ્રસ્તાનની ચોરીમાં પોતે સામેલ નહિ હોવાનું રટણઃ ઉંડી પુછતાછ

રાજકોટ તા. ૧: ચોૈધરી હાઇસ્કૂલ સામે આવેલા શ્રીચિંતામણી પાર્શ્વનાથ જીનાલય-જૈન દેરાસરમાં બે દિવસ પહેલા બુકાનીધારી ચોર ઘુસી ગયો હતો અને ત્રિકમ જેવા હથીયારથી તાળા તોડી દાનપેટીઓમાંથી ચોરી કરી ગયો હતો. આ બનાવને પગલે શ્રધ્ધાળુઓમાં રોષ વ્યાપી ગયો હતો. દરમિયાન આ ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી નાંખી ઘંટેશ્વર ૨૫ વારીયા મફતીયાપરામાં રહેતાં અને જુના ગાભા કપડા વેંચતા શખ્સને પકડી લીધો છે. પૈસાની જરૂર હોવાથી પોતે દેરાસર પાસેથી નીકળ્યો ત્યારે તેમાં ચોરી કરવાનું મન થઇ જતાં અંદર ઘુસી ગયાનું આ શખ્સે રટણ કર્યુ હતું.
વિગત એવી છે કે શ્રીચિંતામણી દેરાસરમાં તા. ૨૭મીના રાતે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં એક બુકાનીધારી ચોરે ઘુસી જઇ અલગ અલગ ત્રણ દાનપેટી તોડી તેમાંથી આશરે બે હજાર જેવી રોકડ ચોરી ગયો હતો. રાતે અવાજ થતાં ચોકીાદર મનસુખલાલ જાગી જતાં તેણે હાકલા પડકાર કરતાં આ તસ્કર તેના પર દાનપેટીનો ઘા કરી ભાગી ગયો હતો. આ તસ્કરની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ બનાવ બારામાં જૈન તપગચ્છ સંઘમાં સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવતાં કિરીટભાઇ રહેચંદભાઇ સંઘવી (ઉ.વ.૭૨-રહે. ચાણક્ય બિલ્ડીંગ બી-૩૧, શ્રોફ રોડ)ની ફરિયાદ પરથી પ્ર.નગરના હેડકોન્સ. એ. ટી. વઘેરાએ ગુનો દાખલ કર્યો હતો. પ્ર.નગર ડી. સ્ટાફની ટીમ, એલસીબી ઝોન-૨ અને ડીસીબીની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
દરમિયાન એલસીબી ઝોન-૨ ટીમે સીસીટીવી ફૂટેજ, બાતમીદારો અને ટેકનીકલ સોર્સના માધ્યમથી બાતમી મેળવી તસ્કરનું પગેરૂ શોધી કાઢયું હતું. જૈન મંદિરમાં ચોરી કરનાર તસ્કર રેલનગર સંતોષીનગરમાં આટાફેરા કરે છે તેવી બાતમી મળતાં તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ સાગર દિલુભાઇ કરસાંગીયા (ઉ.વ.૩૦-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા મફતીયાપરા) જણાવ્યું હતું. ફુટેજમાં જે શખ્સ દેખાયો હતો તે અને સાગર મળતાં હોઇ આકરી પુછતાછ કરતાં આ શખ્સ પોતે જ હોવાની કબુલાત આપી હતી અને દાનપેટીમાંથી ચોરેલી રકમ કાઢી આપી હતી.
ઝડપાયેલો સાગર જુના ગાભા કપડા વેંચી ગુજરાન ચલાવે છે. તેણે એવુ રટણ કર્યુ હતું કે તેને પૈસાની જરૂર હતી અને રાતે દેરાસર પાસેથી નીકળ્યો ત્યારે અંદર ડોકુ કાઢતાં કોઇ ન દેખાતાં ચોરી કરવાની ઇચ્છા થઇ ગઇ હતી અને દાનપેટીઓ તોડી નાંખી હતી. જો કે મોટી રકમ મળી નહોતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર એલસીબી ઝોન-૨ના જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધીયા, શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલો સાગર દાઉદી વ્હોરા સમાજના કબ્રસ્તાનની ચોરીમાં પોતે સામેલ નહિ હોવાનું કહી રહ્યો છે. તેની વિશેષ પુછતાછ યથાવત રખાઇ છે. (૧૪.૯)
(3:15 PM IST)










