News of Tuesday, 25th February 2025
‘ધ શો મસ્ટ ગો ઓન' : રવિવારે શો મેન રાજકપુર સ્ટેજ પર જીવંત થશે
બીગ ટ્રી દ્વારા આયોજન : આર.કે. સ્ટુડીયોનો ગેઇટ અને સેલ્ફી પોઇન્ટ આકર્ષણ જમાવશે : રાજકપુરના જીવન કવન પરની અદ્દભુત પ્રદર્શની સાથે દમદાર આયોજન : સ્ક્રીન, મ્યુઝીક, ડાન્સનો અનોખો સમન્વય સર્જાશે : તા.૨૭ ના થશે પાસ વિતરણ

રાજકોટ તા. ૨૫ : શો મેન રાજકપુરને સ્ટેજ ઉપર જીવંત કરવા બીગટ્રી વિઝન દ્વારા તા. ૨ માર્ચના રવિવારે હેમુગઢવી નાટય ગૃહ ખાતે દમદાર આયોજન ‘ધ શો મસ્ટ ગો ઓન' શીર્ષકતળે કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ભારતીય સિનેમાના શો મેન રાજકપુરની સૂવર્ણ જન્મ શતાબ્દી વર્ષને ધ્યાને લઇ આ અનોખુ આયોજન કરાયુ છે. જેમાં રાજકપુરના જન્મથી લઇને તેમના અંત સમય સુધીની યાદગાર ઘટનાઓને આવરી લેવાશે.
આર.કે. સ્ટુડીયો, હીરો-હીરોઇન, ગીતકાર, સંગીતકાર, કેમેરામેન સૌ પાસે કામ લેવાની તેમની જન્મજાત આંતરસુઝના કારણે રાજકપુર શો મેન તરીકે ઓળખાયા હતા. આ દરેક વાત લઇને પરર્ફોમન્સ સાથે તેમને જીવંત કરવાનું આયોજન થયુ છે. જેમાં સ્ક્રીન, મ્યુઝીક, ડાન્સ દરેક પાસાઓને આવરી લેવાશે.
કાર્યક્રમ સ્થળે જ આર.કે. સ્ટુડીયો (ચેમ્બુર-મુંબઇ)નો ગેઇટ ઉભો કરાશે અને સેલ્ફી પોઇન્ટ પણ આકર્ષણ જમાવશે. આખી પ્રદર્શની કેયુર અંજારીયાની ડીઝાઇન પ્રમાણે પ્રકાશ વાગડીયાના સહયોગથી ગોઠવવામાં આવશે.
શો ની પરીકલ્પના, સ્ક્રીન પ્લે નિર્માણ સંયોજક સંજય ગોહીલે કરી છે. સંશોધન લેખક કિશોર ડોડીયા, શો અને વિડીયો ડીઝાઇનર એડીટર કેયુર અંજારીયા, પ્રોપ્સ ઇન્ચાર્જ મોહિત કથરેચા, મ્યુઝીક ડાયરેકટર શૈલેષ પંડયા, નાટક દિગ્દર્શક ગૌતમ દવે, કોરીયોગ્રાફર મેઘાબેન વિઠલાણી અને મેની ટીમ સંભાળી રહી છે. મેઇક અપ હિમાંશુ પાડીયા સંભાળશે. શીર્ષક ગીત જય ડોડીયાનું છે. લાઇટસ ગુલામ હુશેન અગવાન, મ્યુઝીક આર્ષ વ્યાસ અને વોઇ ઓવર અપૂર્વ પટ્ટણી, તૃપ્તી દવે, ગાયક રાજેશ વ્યાસ, પિયુષ દવે (જુનાગઢ), અશ્વિની મહેતા, તૃપ્તિ દવે અને ગીતોની પસંદગી વિજયભાઇ કારીયાની છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, ડો. વિજય દેસાણી (પૂ.ઉપ કુલપતિ સૌ.યુનિ.), સુનિલભાઇ શાહ, જનકભાઇ ઠકકર (ગાંધીનગર)નો સહયોગ મળેલ છે.
કાર્યક્રમના પ્રમુખસ્થાને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઉદ્દઘાટક તરીકે ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરા, પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહેશે.
રાત્રે ૮ વાગ્યે આયોજીત આ કાર્યક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. આ માટેના પાસ મેળવવા વિજયભાઇ કારીયા, બીગ ટ્રી વિઝન, નિલકંઠ ઇલેકટ્રોનીકસ સામે, ભક્તિનગર સ્ટેશન પ્લોટ (મો.૯૮૭૯૫ ૫૦૧૦૫), પુષ્પાબેનઠ રાઠોડ, પુજા હોબી સેન્ટર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમીન માર્ગ (મો. ૯૩૭૫૭ ૦૫૦૦૫) ખાતે તા. ૨૭ ના સવારે ૧૧ થી રાત્રે ૮.૩૦ સુધી સંપર્ક કરવા જણાવાયુ છે. પ્રવેશ માટે ડીઝીટલ કાર્ડ પણ માન્ય ગણાશે. દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કરીના કપુરને પણ નિમંત્રણ પાઠવાયુ હોવાનું આયોજકોએ જણાવ્યુ હતુ.
આ સાથે રફી તથા મુકેશને પણ ૧૦૦ વર્ષ પૂરા થતા હોય ત્રણેય લીજેન્ડ કલાકારોને જન્મ જયંતિ નિમિતે યાદ કરાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નિર્માતા વિજયભાઇ કારીયા, અભિષેક કારીયા (બીગ ટ્રી વિઝન), સંજય ગોહિલ, સ્ક્રીન મ્યુઝીક આર્ષ વ્યાસ, કલાકારો રાધિકા ભટ્ટી, ઓમ ભટ્ટ, સીંગર પ્રવિણ મકવાણા, અશ્વિની મહેતા, પપ્પુ ડાન્સર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:00 PM IST)










