News of Tuesday, 25th February 2025
શિવશંભૂ સબ કે નાથ, ભકતો કે સાથ : કાલે શિવાલયોમાં ભક્તિભીના કાર્યક્રમો
‘‘ ભોલેનાથ કા દર્શન શિતલ છાંયા, મહાદેવ કા દર્શન અનુપમ માયા, હે શંભુનાથ, હમારે ભોલેનાથ... '' મંદિરો, સંસ્થાઓ, ભાવિકો દ્વારા મહાશિવરાત્રી નિમિતે મહાદેવને પ્રસન્ન કરવા શણગાર, આરતી, દીપમાળા, પૂજન, ભજન, ભોજન, ભાંગ પ્રસાદનું આયોજન : ઉત્સાહ અપરંપરા

રાજકોટ તા. ૨૫ : કાલે મહાશિવરાત્રી છે. રાજકોટ શિવમય બનવા આતુર બન્યુ છે. શહેરભરમાં આવેલ શિવ મંદિરોને અનેરા શણગાર સાથે આરતી, પૂજન, દીપમાળા, ભજન, સત્સંગના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
રણછોડદાસજીબાપુ આશ્રમ
સદ્દગુરૂ સદન ટ્રસ્ટ પ્રેરીત પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ ખાતે કાલે તા. ૨૬ ના બુધવારે મહાશિવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. શ્રી મંગલેશ્વર મહાદેવનું પ્રથમ પ્રહરનું પૂજન સવારે પ કલાકે કરાયા બાદ સવારે ૬ કલાકે આરતી તેમજ બપોરે ૧૧ વાગ્યે દ્વીતીય પ્રહરનું પૂજન અને ૧૨ વાગ્યે આરતી, સાંજે ૬ વાગ્યે તૃતીય પ્રહર પુજન અને સાંજે ૭ વાગ્યે આરતી તેમજ ચતુર્થ પ્રહર પૂજન રાત્રે ૧૧ કલાકે અને રાત્રે ૧૨ વાગ્યે આરતી થશે. મહાશિવરાત્રી નિમિતે ૨૪ કલાક અખંડ ૐનમઃશિવાય મહામંત્રની આહુતિ સાથે મહાયાજ્ઞ રાખેલ છે. બપોરે ૧૨.૩૦ વાગ્યે ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે.
રામ મંદિર રતનપર
મોરબી રોડ પર રતનપર પાસે આવેલ શ્રી રામચરિત માનસ મંદિરે કાલે બુધવારે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાશે.
સવારથી સાંજ સુધી અખંડ શિવપૂજન, રૂદ્રાભિષેક તેમજ ૐનમઃશિવાયનો મંત્રજાપ થશે. બપોરે ૧૨ કલાકે મહાઆરતી બાદ ભાવિકો માટે ઉદ્યોગ શ્રેષ્ઠી રમેશભાઇ રાચ્છ પરિવારના સૌજન્યથી શુધ્ધ ઘીમાંથી નિર્મિત ફરાળી મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. દાણાપીઠ, માર્કેટ યાર્ડના વ્યાપારીઓ, સામાજીક અગ્રણીઓ, સિયારામ મંડળીઓના હોદેદારો, રતનપર અને ગૌરીદડના સેવક કાર્યકરો ઉપસ્થિત રહેશે.
ગીતા વિદ્યાલય
જંકશન પ્લોટ ખાતે શ્રી મહનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ખાતે શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં કાલે મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાશે. સવારે ૭ થી ૧૨ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવપૂજન, રૂદ્રાભિષેક થશે.
બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી બાદ ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે. શિવજીને બીલીપત્ર, જળ, પુષ્પ અને વિવિધ ધાન્યનો અભિષેક કરાશે. દર્શનનો સમય સવારે ૬ થી ૧૨.૩૦ અને સાંજે ૪.૩૦ થી ૧૦ સધુનો છે. સાંજે ૭ વાગ્યે ઓમકાર આકારની ૧૦૮ દીપમાળા સાથે આરતી થશે.
પુનિત સદ્દગુરૂ ભજન મંડળ
દ્વારા ભજન અને રકતદાન
પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા કાલે બુધવારે મહાશિવરાત્રી નિમિતે સંત પુનિત અને મહાદેવજીના ભજનનો કાર્યક્રમ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, સીવીલ હોસ્પિટલ , ઇમરજન્સી વિભાગ પાસે યોજાશે. રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી થશે. તેમજ સવીલ હોસ્પિટલના લાભાર્થે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા ગ્રુપ દ્વારા મહારકતદાન શીબીર સવારે ૮ થી ૧૨ રાખે છે. તેમ જયેશભાઇ નથવાણી અને રાજેશભાઇ ગીડાની યાદીમાં જણાવાયુ છે.
કોટેશ્વર મહાદેવ મંદિરે શિવઆરતી મહોત્સવ
કોઠારીયા કોલોની ખાતે આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે બુધવારે મહાશિવરાત્રી નિમિતે સવારે મંગળા આરતી, ધ્વજા રોહણ, બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, ભાંગની પ્રસાદીનું વિતરણ તેમજ સાંજે ધૂન ભજન તથા સાંજે ૭.૩૦ વાગ્યે ૧૦૮ દીપદાન, દીપમાળાની ઓમકાર મહાઆરતી તેમજ રાત્રે ૪ પ્રહરની આરતી, મહાપૂજા થશે. ભાવિકોએ લાભ લેવા વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, ક્રિપાલસિંહ જાડેજા, રશ્વીનભાઇ જાદવ, સિધ્ધરાજસિંહ પી. જાડેજા, સનિ જાદવ, હિતેષભાઇ સોલંકી, હેમલ ચૌહાણ, જયભાઇ વિશાલ, હિતેષભાઇ, પ્રતાપસિંહ જાડેજા, દીલીપસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, કિરીટસિંહ, મનોજભાઇ, ક્રિપાલસિંહ તથા મંદિરના પુજારી રસીકગીરી બાપુ (અતીત)એ વિનંતી કરી છે.
(3:56 PM IST)










