News of Monday, 24th February 2025
કાવત્રુ ઘડી દાતાઓ પાસેથી લાખો ઉઘરાવી સમુહલગ્ન રઝળતા મુકી ભાગેલા ચંદ્રેશ છત્રોલાને શોધવા મથામણ
ઝડપાયેલા ચાર શખ્સોએ કહ્યું-અમે માત્ર કાર્યકર છીએ, આર્થિક વ્યવહારો ચંદ્રેશ સંભાળતો હતોઃ રિમાન્ડ પુરા થતાં કોર્ટહવાલે

રાજકોટ તા. ૨૪: શહેરના માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે એડીબી હોટલ સામેના મેદાનમાં શનિવારે યોજાયેલા સમૂહલગ્ન આયોજકના કાવતરાથી અટકી પડ્યા હતા અને ૨૮ જાન લીલા તોરણે પાછી ફરે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. શહેર પોલીસે માનવતા દાખવી લગ્ન કરાવી વરકન્યા માટે માવતરની ભૂમિકા ભજવી હતી. આ મામલે નોંધાયેલા ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મળ્યા હતાં. જો કે સુત્રધાર ચંદ્રેશ છત્રોલા હાથમાં ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
ઋષિવંશી સમાજ સેવા સંઘ-રાજકોટ દ્વારા બાવીસમીએ શનિવારે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે ચાર વાગ્યાથી કન્યાપક્ષના લોકો આવવા લાગ્યા હતા અને પાંચ વાગ્યાથી વરરાજા પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. ૨૮ યુગલ લગ્નગ્રંથિથી જોડાવાના હતા અને ચોતરફ ખુશીનો માહોલ હતો, પરંતુ સમૂહલગ્નનો મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ છત્રોલા દેખાયો નહોતો અને આયોજન ભાંગી પડ્યું હતું. ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ વી. આર. વસાવા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે વ્યવસ્થા સંભાળી લગ્નવિધિ કરાવી હતી.
આ બનાવમાં શાપર-વેરાવળની શાંતિધામ સોસાયટીમાં રહેતા કાનજીભાઇ ટાટમિયા (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે સમુહલગ્નના આયોજકો ચંદ્રેશ જગદીશ છત્રોલા, દિલીપ પ્રવીણ ગોહેલ, દીપક હિરાણી, હાર્દિક શીશાંગિયા, મનીષ વિઠ્ઠલાપરા અને દિલીપ વરસડા સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા અને તેમની ટીમે શનિવારે જ દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવીણ ગોહેલ અને દિલીપ ગીરધર વરસડાની ધરપકડ કરી હતી. પોલીસે ચારેય આરોપીને રવિવારે રજૂ કરતા કોર્ટે ચારેયના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે આજે પુરા થયા હતાં. પુછતાછમાં રિમાન્ડ પર રહેલા ચારેય આરોપીઓએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, સમૂહલગ્નના આયોજનમાં સેવાકીય ભાવનાના હેતુથી જોડાયા હતા. મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ છત્રોલા છે, ચંદ્રેશ છત્રોલા જ બે મહિનાથી તમામ દાતાઓને મળતો હતો અને જે કંઇ રકમ મળતી હતી તેનો હિસાબ પણ ચંદ્રેશ જ રાખતો હતો. ચંદ્રેશે કેટલી રકમના ઉઘરાણા કર્યા?, કેટલી રકમનો કયાં ઉપયોગ કર્યો તે સહિતની તમામ બાબતો ચંદ્રેશ જ જાણતો હતો. પોલીસ હવે ચંદ્રેશને શોધી કાઢવા દોડધામ કરી રહી છે. દાન થકી તેણે લાખો રૂપિયા મેળવી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ચંદ્રેશ સિવાય અન્ય એક આરોપી પણ પકડવાનો બાકી છે. (
(4:44 PM IST)










