<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

૧૨ વર્ષની ક્રિકેટર સુશીલા મીણાના ફેન બની ગયા છે સચીન તેંડુલકર

સચિન તેંડુલકરના એક ટ્‍વીટથી બદલાયું ભાગ્‍ય, આદિવાસીની દીકરી હવે બની ‘સેલિબ્રિટી' * ઝહીર ખાનને ટેગ કરતાં લખ્‍યું, સુશીલાની બોલિંગ એક્‍શનમાં તમારું પ્રતિબિંબ દેખાય છે * તેણીના માતા-પિતા રતનલાલ મીણા અને શાંતિબાઈ મીણા મજૂરી અને ખેતીકામ કરે છે *પિતા પાસે દીકરી માટે ક્રિકેટના સાધનો ખરીદવા પણ પૈસા નથી. ર્ં સુશીલા ૯ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહી છે. હાલમાં પાંચમા ધોરણમાં અભ્‍યાસ કરે છે * સચિન તેંડુલકર કોણ છે તે સુશીલા જાણતી નથી. તેના ઘરમાં ટીવી પણ નથી * શિક્ષક ઇશ્વરલાલ પાસેથી તેણી ક્રિકેટ શિખે છે. *તેના સૌથી વધુ જોવાયેલ વીડિયોને ૪૪.૬ મિલિયન વ્‍યૂઝ મળ્‍યા છે અને તે હજુ પણ વાયરલ છે.

રાજસ્‍થાનના પ્રતાપગઢ જિલ્લાના એક નાનકડા ગામ રામેર તાલાબ પીપલિયાની રહેવાસી ૧૨ વર્ષની સુશીલા મીણા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. પાંચમા ધોરણની વિદ્યાર્થીની સુશીલા ફાસ્‍ટ બોલિંગ કરે છે અને તેની એક્‍શન ભૂતપૂર્વ ભારતીય ફાસ્‍ટ બોલર ઝહીર ખાન જેવી જ છે. માસ્‍ટર બ્‍લાસ્‍ટર સચિન તેંડુલકરે સુશીલાનો બોલિંગનો વીડિયો પોસ્‍ટ કરતા તે વાયરલ થયો હતો. ઈન્‍સ્‍ટાગ્રામ પર સુશીલાના વીડિયો પોસ્‍ટ કરતા સચિને લખ્‍યું, સરળ, સહજ અને જોવામાં સુંદર. ઝહીરને ટેગ કરતાં તેણે લખ્‍યું, સુશીલાની બોલિંગ એક્‍શનમાં તમારું પ્રતિબિંબ દેખાય છે.

સચીન તેંડુલકરે વિડીયો શેર કરતાજ થોડી જ મિનિટોમાં પ્રતાપગઢના ધારિયાવાડ તાલુકાની ૧૨ વર્ષની સુશીલા મીણા દેશભરમાં પ્રખ્‍યાત થઈ ગઈ. ક્રિકેટર ઝહીર ખાન, બિઝનેસમેન આનંદ મહિન્‍દ્રા, રાજસ્‍થાનના ડેપ્‍યુટી સીએમ દિયા કુમારી અને આપના  સાંસદ સંજય સિંહ જેવા મોટા નામોએ તેમના વખાણ કર્યા હતા. સુશીલા ક્રિકેટની શોખીન છે અને બોલિંગ પર ધ્‍યાન આપી રહી છે.

ભારતીય બોલર ઝહીર ખાન જેવી બોલિંગ કરનાર સુશીલા મીણા રાજસ્‍થાનના એક સામાન્‍ય પરિવારમાંથી આવે છે. તેણીના માતા-પિતા રતનલાલ મીણા અને શાંતિબાઈ મીણા મજૂરી અને ખેતીકામ કરે છે. ગામમાં લગભગ ૨૫૦ ઘરો છે અને ૧૯૮૦ના દાયકામાં ગુજરાતમાં કડાણા ડેમ પ્રોજેક્‍ટ દ્વારા વિસ્‍થાપિત થયેલા પરિવારો અહીં રહે છે. સુશીલાના પરિવારનું સપનું છે કે તેણી મોટી સફળતા હાંસલ કરે અને દેશને ગૌરવ અપાવે. તેને આશા છે કે વહીવટીતંત્ર તેને ક્રિકેટમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરશે. આર્થિક તંગી હોવા છતાં સુશીલા તેના અભ્‍યાસ અને ક્રિકેટ બંનેમાં પુરતું ધ્‍યાન આપી રહી છે. સુશીલાના પિતા રતન મીણા અમદાવાદમાં મજૂરી કામ કરે છે. પહેલા માતા શાંતિબાઈ પણ મજૂરી કામ કરતી હતી. હવે તે તેના બાળકોના શિક્ષણ માટે ઘરનું ધ્‍યાન રાખે છે. રતને જણાવ્‍યું કે ૨૦૧૭માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ ગામમાં જ એક નાનો પ્‍લોટ મળ્‍યો હતો. પ્રથમ હપ્તા પછી ઘરનું કામ પૂરું કરી શકાયું નથી.

જે ઘરમાં સુશીલા પરિવાર સાથે રહે છે તે ઘાસ અને વાંસનું બનેલું છે. સુશીલા આ ઘરમાં તેના માતા-પિતા અને બે ભાઈઓ રવિન્‍દ્ર અને જિતેન્‍દ્ર સાથે રહે છે. પિતા રતનલાલ કહે છે કે મફત વીજળી પણ કોઈ કામની નથી કારણ કે ગામમાં બહુ ઓછી લાઈટ આવે છે. ઘરમાં ન તો ટીવી છે કે ન તો બીજી કોઈ સુવિધા. ત્રણેય ભાઈ-બહેનો અભ્‍યાસ માટે ઈમરજન્‍સી લાઈટોનો ઉપયોગ કરે છે. રતનલાલએ કહ્યું કે મારી પાસે મારી દીકરીના ક્રિકેટના સાધનો ખરીદવા માટે પણ પૈસા નથી. હવે ભામાશાહ મદદ કરી રહ્યા છે એટલે આશા છે કે દીકરી આગળ વધી શકશે. ઘણા વરિષ્ઠ લોકો સુશીલા સાથે ફોન પર વાત કરી રહ્યા છે અથવા તેને મળવા આવી રહ્યા છે પરંતુ આજ સુધી કોઈએ મદદ કરવાનો ઉત્‍સાહ દર્શાવ્‍યો નથી. સુશીલાને તેના શિક્ષક ઇશ્વરલાલ દ્વારા ક્રિકેટ રમવા માટેના સાધનો આપવામાં આવ્‍યા છે. અગાઉ સુશીલા સ્‍કૂલની દિવાલ પર કોલસામાંથી વિકેટ બનાવીને પ્રેક્‍ટિસ કરતી હતી. કિટ આવ્‍યા બાદ તેણે વિકેટની સામે બોલિંગ શરૂ કરી.

સુશીલાએ જણાવ્‍યું કે તે ૯ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહી છે. તે હાલમાં પાંચમા ધોરણમાં અભ્‍યાસ કરે છે. શાળાના બાળકોને ક્રિકેટ રમતા જોઈને તેને પણ ક્રિકેટ રમવાની ઈચ્‍છા થઈ. ત્‍યારથી તે ત્રણ વર્ષથી ક્રિકેટ રમી રહી છે. હવે જ્‍યારે લોકો તેની રમતના વખાણ કરે છે ત્‍યારે તેને સારું લાગે છે. હવે તેનું લક્ષ્ય ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનું છે. સુશીલા કહે છે, ૅએકવાર બોલ મારા હાથમાં આવે પછી હું ફક્‍ત બેટ્‍સમેનને આઉટ કરવા વિશે જ વિચારી શકું છુંૅ. તેની સહાધ્‍યાયી આશા જે ઘણીવાર તેની સામે બેટીંગ કરે છે તે સુશીલાની બોલિંગને મુશ્‍કેલ ગણાવે છે. આશાનું કહેવું છે કે, ૅસુશીલાની બોલીંગમાં બોલ અણધારી રીતે વળે છે અને પછી અચાનક વિકેટ સાથે અથડાય છે.ૅ સુશીલાની માતા શાંતિબાઈને તેમની પુત્રીએ જે પ્રાપ્ત કર્યું છે તેના પર ગર્વ છે. તેણી કહે છે કે ઘણા લોકો તેને મળવા માટે ઉત્‍સુક છે પરંતુ બધાએ ટેકો આપ્‍યો નથી. કેટલાક લોકોએ માતા-પિતાને તેમની દીકરીને ઘરકામ કરવાને બદલે ક્રિકેટ રમવા દેવા બદલ સવાલ ઉઠાવ્‍યા છે. આવા મંતવ્‍યો ગ્રામીણ ભારતના કેટલાક ભાગોમાં સામાન્‍ય છે જ્‍યાં છોકરીઓ પાસેથી ઘણીવાર ઘરે રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે અને પરંપરાગત ભૂમિકાઓ બહાર છોકરીઓને રમતગમત જેવી પ્રવળત્તિઓ કરવાથી નિરુત્‍સાહિત કરવામાં આવે છે. શાંતિબાઇ કહે છે, હું તેમને કંઈ કહેતી નથી અને તેઓ શું કહે છે તે સાંભળતી નથી. હું કયારેય સુશીલાને ક્રિકેટ રમવાથી રોકીશ નહીં.

 સુશીલાની શાળામાં બધા જ ક્રિકેટ રમે છે અને તેનો શ્રેય તેમના શિક્ષક ઈશ્વરલાલ મીણાને જાય છે. તેઓ કહે છે, મેં ૨૦૧૭ માં જોડાયા પછી વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવા માટે પ્રોત્‍સાહિત કરવાનું શરૂ કર્યું. શાળામાં તેમને વ્‍યસ્‍ત રાખવા માટે એક મનોરંજક પ્રવળત્તિની જરૂર છે - નહીં તો તેઓ ઘરે જ રહેશે. મીણા કહે છે કે, શરૂઆતમાં તેઓ અને અન્‍ય શિક્ષકો ટીમો બનાવતા અને વિદ્યાર્થીઓને તેમની સાથે રમાડતા. ટૂંક સમયમાં જ બધા તેમાં જોડાવા લાગ્‍યા. શિક્ષક મીણા પાસે કોઈ ઔપચારિક ક્રિકેટ તાલીમ નથી. ભલે તેમણે તેમના કોચની ભૂમિકા નિભાવી હોય પણ તેઓ વિદ્યાર્થીઓને નવી તકનીકો શીખવા અને શીખવવા માટે આતુર હોય છે. સુશીલા આ શાળાની પહેલી વિદ્યાર્થીની નથી જે ઇન્‍ટરનેટ સેન્‍સેશન બની છે. ગયા વર્ષે બીજી એક વિદ્યાર્થીની રેણુકા પારગી તેની બેટિંગ કુશળતા માટે વાયરલ થઈ હતી. તે હાલમાં રાજસ્‍થાન રાજ્‍યની રાજધાની જયપુરમાં એક ખાનગી ક્રિકેટ એકેડમીમાં શીખે છે. જે તેના તમામ ખર્ચાઓ પણ ચૂકવે છે.

સુશીલાનું ગામ અને તેની શાળા હજુ પણ ખરાબ હાલતમાં છે. લોકો આવે છે, મોટા વચનો આપે છે પણ કંઈ બદલાતું નથી. તેના શિક્ષક કહે છે કે હજુ સુધી કોઈએ તેને યોગ્‍ય ક્રિકેટ બોલ આપ્‍યો નથી. તે હાલમાં જે રબર બોલ સાથે પ્રેક્‍ટિસ કરે છે જ્‍યારે રમતમાં ઉચ્‍ચ સ્‍તર રમવા માટે સીઝન બોલની જરૂર પડે છે. સુશીલાને સચીન તેંડુલકર વિશે પુછતા તેણીએ જણાવ્‍યું હતું કે, ૅમને ખબર નથી કે સચિન તેંડુલકર કોણ છે.ૅ કારણ તેના પરિવાર પાસે ટેલિવિઝન નથી અને તેણે કયારેય ક્રિકેટ જોયું નથી. જો કે તેણી તેના માટે આભારી છે. જોકે ગરીબ આદિવાસી પરિવારમાંથી આવતી સુશીલાને હવે જે પણ મળે છે તે દરેક વ્‍યક્‍તિ તેને ઓળખે છે અને પ્રશંસા કરે છે. રાજકારણીઓથી લઈને સામાજિક કાર્યકરો અને દૂરના સંબંધીઓ સુધી દરેક વ્‍યક્‍તિ હવે તેની સાથે એક ફોટો પડાવવા માંગે છે. સુશીલાને આ નવી વાસ્‍તવિકતાનું વર્ણન કરવા માટે યોગ્‍ય શબ્‍દો શોધવામાં મુશ્‍કેલી પડે છે. તે ફક્‍ત સ્‍મિત કરે છે અને ફોટોગ્રાફ્‌સ માટે પોઝ આપે છે છતાં પણ તે પોતાની નવી ખ્‍યાતિથી મૂંઝાયેલી છે.

આજે તેની ફાસ્‍ટ બોલિંગ સામે ગામનો કોઈ છોકરો ટકી શકતો નથી. સ્‍કૂલનું નાનું મેદાન હોવાને કારણે તેનો રનઅપ માંડ ૧૦ પગલાંનો છે તેમ છતાં તેના બોલની ગતિ અદ્ભુત છે. શિક્ષક મીણા કહે છે, પહેલા તેની બોલીંગ આ પ્રકારની નહોતી. બોલિંગમાં તેની હાઈ એન્‍ડ એક્‍શન જોઈને તેણે તેમાં સુધારો કરવાનું શરૂ કર્યું. તે બોલને આઉટ સ્‍વિંગમાં, સ્‍વિંગમાં અને યોર્કરમાં ખૂબ સારી રીતે પકડે છે. સુશીલાને યુટયુબ પર બોલિંગ ટયુટોરીયલ જોયા બાદ ઇશ્વરલાલ દ્વારા જ તાલીમ આપવામાં આવી છે. સુશીલાનો પહેલો વીડિયો વાયરલ થયો હતો જેને ૨૮ મિલિયન વ્‍યૂઝ મળ્‍યા હતા. બીજો વીડિયો ૩૮.૬ મિલિયન લોકોએ જોયો હતો. સૌથી વધુ જોવાયેલ વીડિયોને ૪૪.૬ મિલિયન વ્‍યૂઝ મળ્‍યા છે અને તે હજુ પણ વાયરલ છે. ઈશ્વરલાલ કહે છે કે જો શાળાને સરકાર તરફથી સુવિધાઓ મળે તો સુશીલા જેવા ખેલાડીઓ દરેક ઘરમાંથી ઉભરી શકે છે

 

સુશીલા મીણાને RCA એ લીધી દત્તક, ક્રિકેટ જગતમાં ભરશે ઉડાન

રાજસ્‍થાનની વાયરલ ક્રિકેટ ગર્લ સુશીલા મીણાને રાજસ્‍થાન ક્રિકેટ એસોસિએશન (RCA) દ્વારા દત્તક લેવામાં આવી છે. ૫ જાન્‍યુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ આ પ્રતિભાશાળી છોકરીનું આરસીએ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને તેણીને દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્‍યના ઉદ્યોગ અને વાણિજ્‍ય મંત્રી રાજ્‍યવર્ધન સિંહ રાઠોડ, સંસદીય બાબતો અને કાયદા મંત્રી જોગારામ પટેલ અને મહેસૂલ મંત્રી હેમંત મીણા અને અન્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આરસીએના જણાવ્‍યા મુજબ તે સુશીલા મીણાના આગળના શિક્ષણ, રહેઠાણ વગેરેનો ખર્ચ ઉઠાવશે અને છોકરીની ક્રિકેટ કૌશલ્‍યને સુધારવા માટે પણ કામ કરશે. તમને જણાવી દઈએ કે સુશીલા મીણા રાજસ્‍થાનના પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવાડના રામેર તાલાબ ગામની રહેવાસી છે અને તેની ઉંમર માત્ર ૧૨ વર્ષની છે. તેની બોલિંગનો એક વીડિયો ઈન્‍ટરનેટ પર વાયરલ થયો હતો. સ્‍ટાર ક્રિકેટર સચિન તેંડુલકરે પણ તેની પ્રશંસા કરી હતી. સુશીલા મીણાની બોલિંગ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ.

ડેપ્‍યુટી સીએમ અને સ્‍પોર્ટ્‍સ

મિનિસ્‍ટરે સુશીલાને આપ્‍યા અભિનંદન

સુશીલા મીણાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અને તેંડુલકર, ઝહીર ખાને તેના વખાણ કર્યા બાદ રાજસ્‍થાનના ડેપ્‍યુટી સીએમ દિયા કુમારીએ યુવતી સાથે વાત કરી હતી. ડેપ્‍યુટી સીએમની સાથે રમતગમત મંત્રી કર્નલ રાજ્‍યવર્ધન સિંહ રાઠોડે પણ મોબાઈલથી વીડિયો કોલ દ્વારા યુવતી સાથે વાત કરી હતી. બંનેએ છોકરી સુશીલાને ક્રિકેટમાં આગળ વધવા માટે શકય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. આ યુવતી આદિવાસી બહુલ વિસ્‍તારના ધારિયાવાડ ગામની રહેવાસી છે. રમતગમત મંત્રીએ કહ્યું કે સરકાર સુશીલાને તેની પ્રતિભા વધારવામાં સંપૂર્ણ મદદ કરશે.

પ્રશાંત બક્ષી

[email protected]

(3:59 PM IST)